SURAT

કાપડ માર્કેટનો સમય બદલાયો, મિલોના કારીગરો માટે હવે શિફ્ટનો સમય આ રહેશે

સુરત: (Surat) સુરતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા સાથે રાત્રી કારફ્યુનો (Curfew) સમય વધારીને રાતે 8 થી સવારે 6 વાગ્યાનો કરાતા પ્રોસેસિંગ મિલો, વિવિંગ કારખાનાઓ અને એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામકાજનો સમય એટલે કે પાળીનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન ના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલ વિજય તુલસ્યાનએ જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી ઘટાડી 8 વાગ્યાનો કરવામાં આવતા મિલોના કારીગરો (Mill Workers) માટે સવારે 7 થી સાંજે 7ની પાળી નક્કી કરવામાં આવી છે. જેથી કામદારો રાતે 8 વાગ્યા પેહલા સમયસર ઘરે પહોંચી શકે.

એસજીટીપીએ સાથે જોડાયેલી 350 મિલોને નવી પાળી અંગે જાણ કરવામાં આવી છે. સચિન વિવર્સ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીમાં સાંજે 7 વાગ્યે પાળી છોડી દેવાનું નક્કી કર્યું છે. અહીં કામદારો સ્થાનિક શાકભાજી માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હોવાથી પોલીસને વિનંતી કરવામાં આવી છે કે કામદારોને રાતે 8 વાગ્યા પછી ઘરે જવામાં 5-10 મિનિટનો વિલંબ થાયતો ચલાવી લેવું જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ કામદારોનું પલાયન અટકાવવા અને તેમનો વિશ્વાસ જીતવા કેટલાક મિલ માલિકો અને હાઈ સ્પીડ લૂમસના સંચાલકો 15 દિવસનું અનાજ -રાશન આપી રહ્યાં છે. જેથી જો વિકેન્ડમાં કરફયુ લાગે તો પણ કામદારો નચિંત રહે. આ પ્રયાસથી કામદારોમાં ભય ઓછો કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

રિંગરોડ કાપડ માર્કેટનો સમય બદલાયો
શહેરમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને લીધે રાત્રિ કરફ્યુનો સમય એક કલાક વધારીને સવારે 8થી સાંજે 6 વાગે કરવામાં આવ્યો છે. જેને લીધે રિંગરોડ સ્થિત કાપડ માર્કેટનો સમય પણ બદલાયો છે. કાપડ વેપારીઓની સંસ્થા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએયેશન દ્વારા આજે સાંજે તમામ માર્કેટ એસોસિયેશનોને માર્કેટ સવારે 9થી સાંજે સાત વાગે સુધી ચાલુ રાખવાની સુચના આપી હતી. અત્યાર સુધી કાપડ માર્કેટનો સમય સવારે 9થી સાંજે 8 વાગ્યા સુધીનો હતો.

હવે તંત્રએ વેક્સિન અને ટેસ્ટિંગના ડેટા માંગવાની શરુઆત કરી

સુરત: કાપડ માર્કેટના વેપારીઓ અને કામદારો માટે આરટીપીસીઆર અને વેક્સિનેશન સર્ટિની માંગણી શરૂ કરાયા બાદ હવે પાલિકાએ માર્કેટના વેપારીઓ માથે નવી જવાબદારી નાખી છે. માર્કેટમાં આવનારા કેટલાં વેપારીઓ અને કારીગરોએ વેક્સિન લીધી કે પછી કોરોનાના ટેસ્ટ કરાવ્યો તેના ડેટાની માર્કેટ મેનેજમેન્ટ પાસેથી માંગણી શરુ કરી દેવામાં આવી છે. પાલિકાની વિવિધ ટીમ દ્વારા દરેક માર્કેટના ગેટ પર હાજર રહીને માર્કેટમાં પ્રવેશનાર તમામ પાસેથી વેક્સિન કે ટેસ્ટીંગનું સર્ટીફિકેટ તપાસેવામાં આવે છે. તેની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. વેપારીઓનો મત છે કે,કારીગરો તો નથી જ આવતાં પરંતુ ડેટા એન્ટ્રી કરનાર,બિલ બનાવનાર,માર્કેટની સેલ્સ ટીમના ઘણાં કર્મચારીઓએ પણ માર્કેટમાં આવવાનું ઘટાડી દીધું છે. વેપારીઓ હજી આ મથામણથી બહાર આવ્યા નથી તેમાં પાલિકા દ્વારા માર્કેટ મેનેજમેન્ટ પાસેથી હવે તેમની માર્કેટમાં કેટલાં વેપારીઓ અને કારીગરોએ વેક્સિન લીધી છે કે ટેસ્ટીંગ કરાવ્યું છે તેના ડેટા માંગવાની શરુઆત કરી દીધી છે . જેના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓમાં કચવાટ ઉભો થયો છે.

Most Popular

To Top