Charchapatra

હીરાનગરીમાં હીરાબાનો હીરો

મહાનગર સુરત વેપાર ધંધામાં ઇતિહાસપ્રસિદ્ધ છે. ધનવૈભવથી સમૃદ્ધ આ શહેર મોગલ રાજાઓથી માંડીને શિવાજી મહારાજની નજરમાંયે રહ્યું છે. અંગ્રેજો, ફ્રેન્સ, ડચ-વલંદા લોકો પણ સુરતની સૂરતથી આકર્ષાઇ પગદંડો જમાવવા આવ્યા હતા. કાપડઉદ્યોગ સાથે કલાકારીગરીનું અગ્રિમ સ્થળ બનેલા સુરતની સિલ્કસિટી, જરીકસબ નગરી તરીકેની ઓળખ તો હતી જ અને વિકાસની સાથે એકસો પાંત્રીસ જેટલા પુલોનું નિર્માણ થતાં બ્રીજ સિટી તરીકે પણ ઓળખાયું. ગઇ સદીમાં તેને ગૌરવવંતી હીરાનગરીની વિશ્વવ્યાપી ઓળખ મળી અને હવે સૌનું ધ્યાન ખેંચે એવી ઘટના બની છે.

વિશ્વની સૌથી મોટી ટ્રેડ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું નિર્માણ હાલમાં જ થયું છે, જેથી લાખો યુવાનોની ડ્રીમ સિટી થશે, સાથે જ તેને ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ પણ મળ્યું છે. સુરત હવે જ્વેલરીનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાનનાં માતાજી હીરાબાના પુણ્યપ્રતાપે તેમનો હીરો-પુત્રરત્ન હીરાનગરીમાં ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ હવાઇમથકના ઉદ્ઘાટન થકી હીરાનગરી સાથે જડાઈ ગયા છે. હીરા મેન્યુફેક્ચરીંગના વિકાસ થકી ડાયમંડ કેપિટલનો દરજ્જો સુરતને મળે તેમાં તેઓ પણ નિમિત્ત બન્યા છે.

ડાયમંડ બુર્સની ઇમારત પંદર માળની છે અને તે એક લાખ તેંતાળીસ હજાર આઠસો પચીસ સ્કવેર મીટરમાં બંધાઈ છે. સડસઠ હજાર કામદારો એક છત નીચે કામ કરી શકે તેટલી તેની ક્ષમતા છે. તેર એકરમાં છપ્પન હજાર છોડ અને દરેક માળ પર વર્ટીકલ ગાર્ડન છે. ચાર હજાર સી.સી.ટી.વી. કેમેરા છે. ચાર કોન્ફરન્સ રૂમ અને મલ્ટી પર્પઝ હોલ પણ છે. ચારસો કે.વી. સોલાર રૂફ, એક પોઇન્ટ આઠ એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટ છે અને વિદેશથી પણ મજબૂત ફાયર સિસ્ટમ છે. નવ આઇકોનિક ટાવર છે. દસ હજારથી વધુ ટુ વ્હીલરનું અને સાડા ચાર હજાર ફોર વ્હીલરનું પાર્કીંગ થઈ શકશે. એકસો એકત્રીસ-લિફટની સગવડ પણ છે. હીરાના ટ્રેડીંગનું વૈશ્વિક હબ બનતાં સુરત મહાનગર મહાનતાની ટોચે પહોંચી જશે. હીરાનગરી માટેનો આ એક ઐતિહાસિક અવસર છે, જે નર્મદનગરી કહો કે હીરાનગરી માટે છે સદ્ભાગ્ય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top