India

J-Kમાં મોડી રાત્રે હાઈ એલર્ટ! 3 રાઉન્ડ ફાયરિંગ બાદ કાળી સ્કોર્પિયો છોડીને ભાગ્યા શંકાસ્પદ, એક ઝડપાયો

રામબનના ચંદેરકોટ ચેકપોસ્ટ પર પોલીસે રોકવાનો ઈશારો કર્યો તો ડ્રાઈવરે ગાડીની સ્પીડ વધારી; સુરક્ષાકર્મીઓએ ત્રણ ચેતવણીભર્યા રાઉન્ડ ફાયર કર્યા, બાદમાં સ્કોર્પિયો છોડીને આરોપીઓ ફરાર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચિંતા વધારતી ઘટના સામે આવી છે. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક કાળી સ્કોર્પિયોએ સુરક્ષા તપાસ ચોકી પર રોકાવાના બદલે ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વાહનને રોકવા માટે ચેતવણી આપી, પરંતુ ડ્રાઈવરે ગાડીની સ્પીડ વધારી દેતાં સુરક્ષાકર્મીઓએ ત્રણ ચેતવણીભર્યા ફાયર કર્યા હતા.જો કે ફાયરિંગ છતાં સ્કોર્પિયો ચેકપોસ્ટ પાર કરીને આગળ નીકળી ગઈ હતી. ત્યારબાદ વાહનમાં સવાર લોકો ગાડી છોડીને ભાગી ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઉધમપુરના રહેવાસી અલ્તાફ મોહમ્મદ નામના એક શંકાસ્પદને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય ફરાર લોકોની શોધખોળ ચાલી રહી છે.

વહેલી સવારે લગભગ 4 વાગ્યે બની ઘટના
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે બની હતી. શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહેલી કાળી સ્કોર્પિયો, રજીસ્ટ્રેશન નંબર JK02AK-1743, ચંદેરકોટ સુરક્ષા તપાસ ચોકી પાસે પહોંચી હતી.ચેકપોસ્ટ પર હાજર પોલીસકર્મીઓએ સ્કોર્પિયોને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ડ્રાઈવરે ગાડી રોકવાને બદલે તેની ઝડપ વધારી દીધી અને સીધી ચેકપોસ્ટ તરફ આગળ વધવા લાગ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ સુરક્ષાકર્મીઓ માટે ગંભીર ખતરો બની શકે તેવી હતી. જો તેજ ગતિથી આવતી ગાડી કોઈ પોલીસકર્મીને ટક્કર મારી હોત તો જાનહાનિ થઈ શકતી હતી.

કોન્સ્ટેબલ રસાલ ચંદે કર્યા 3 રાઉન્ડ ફાયર
રામબનના SSP અરુણ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે ચંદેરકોટ પોલીસ સ્ટેશનને ઘટના પહેલાં જ સ્કોર્પિયોના આવવાની માહિતી મળી હતી. ચેકપોસ્ટ પર ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ડ્રાઈવરે પોલીસના ઈશારાની અવગણના કરી હતી.પરિસ્થિતિ ગંભીર બનતા ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ ગાર્ડનો ભાગ રહેલા કોન્સ્ટેબલ રસાલ ચંદે પોતાની સર્વિસ રાઈફલથી ત્રણ ચેતવણીભર્યા ફાયર કર્યા હતા.પરંતુ તેમ છતાં સ્કોર્પિયો રોકાઈ નહીં અને ડ્રાઈવર તથા તેના સાથીઓ ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ, CRPF અને સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
ઘટના બાદ ચંદેરકોટ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક FIR નોંધવામાં આવી હતી.ત્યાર બાદ ફરાર શંકાસ્પદોને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.રામબન પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) CRPF અને ભારતીય સેના સહિતના સુરક્ષા દળોને સામેલ કરવામાં આવ્યા હતા.સુરક્ષા દળોએ હાઈવે અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી.

સ્કોર્પિયો દલવાસ પાસે લાવારિસ હાલતમાં મળી
તપાસ દરમિયાન સુરક્ષા દળોને કાળી સ્કોર્પિયો દલવાસ નજીક લાવારિસ હાલતમાં મળી આવી હતી.ગાડી કબજે કર્યા બાદ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, જેમણે ગાડીમાંથી મહત્વના પુરાવા અને સેમ્પલ એકત્ર કર્યા હતા.તપાસ દરમિયાન ગાડી અંગે કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી.ગાડીની પાછળની સીટો કાઢી નાખવામાં આવી હતી, સ્કોર્પિયોની પાછળની સીટો કાઢી નાખવામાં આવી હતી.આ ઉપરાંત ગાડીની અંદર ગોબર પણ મળી આવ્યું હતું.પોલીસને આશંકા છે કે આ વાહનનો ઉપયોગ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે એટલે કે NH-44 પર પશુઓની ગેરકાયદેસર હેરફેર અથવા સ્મગલિંગ માટે કરવામાં આવતો હોઈ શકે છે.જોકે, આ વાહનનો ચોક્કસ ઉપયોગ શું હતો અને ઘટના પાછળનો વાસ્તવિક હેતુ શું હતો, તે અંગે તપાસ હજુ ચાલી રહી છે.

સ્કોર્પિયો પર ફાયરિંગના 3 નિશાન
જપ્ત કરાયેલી સ્કોર્પિયોની તપાસ દરમિયાન ગાડી પર ગોળીના ત્રણ નિશાન પણ મળી આવ્યા હતા.પ્રાથમિક રીતે પોલીસનું માનવું છે કે ચંદેરકોટ સુરક્ષા ચેકપોસ્ટ પર ગાડી ન રોકાતા સુરક્ષાકર્મીઓએ જે ત્રણ ચેતવણીભર્યા ફાયર કર્યા હતા, તેના કારણે આ નિશાન પડ્યા હોઈ શકે છે.ફોરેન્સિક ટીમે ગાડીમાંથી પુરાવા એકત્ર કરીને તપાસ આગળ ધપાવી છે.
જો કે એક શંકાસ્પદ ઝડપાયો, બાકીની શોધ ચાલુ છે ,મોટા પાયે ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઉધમપુર જિલ્લાના રહેવાસી અલ્તાફ મોહમ્મદને ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે અને આ ઘટનામાં તેની ભૂમિકા શું હતી તથા સ્કોર્પિયોમાં તેની સાથે અન્ય કોણ-કોણ લોકો સવાર હતા તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ફરાર અન્ય શંકાસ્પદોની શોધખોળ હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ વધુ તેજ કર્યું છે.

ઘટના પાછળનો હેતુ શું હતો?
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે સ્કોર્પિયોએ સુરક્ષા ચેકપોસ્ટ પર રોકાવાનો ઈશારો મળ્યા બાદ ગાડી કેમ દોડાવી?શું ગાડીમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરવામાં આવી રહી હતી? શું ડ્રાઈવર પોલીસ તપાસથી બચવા માંગતો હતો? અથવા ઘટના પાછળ કોઈ અન્ય કારણ હતું?હાલ પોલીસ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. SSP અરુણ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, ગાડી કયા સંજોગોમાં ચેકપોસ્ટ પરથી પસાર થઈ અને આ સમગ્ર ઘટનાની પાછળ શું હેતુ હતો તે શોધવા તપાસ ચાલી રહી છે.હાલ એક શંકાસ્પદ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે અન્ય શંકાસ્પદોને શોધવા માટે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

Most Popular

To Top