India

અતીકના ‘જમીનદોઝ’ થઈ ચૂકેલા ઘેર લઈ જવાશે પુત્રનું પાર્થિવ દેહ, આજે પિતાની કબરની બાજુમાં દફન થશે અબાન

ઝાંસીના ભયાનક રોડ અકસ્માતમાં અબાન અહમદનું મોત, પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં અંતિમ વિદાયની તૈયારીઓ પૂર્ણ; જેલમાં બંધ ભાઈઓ અલી અને ઉમરને પણ અંતિમ સંસ્કારમાં હાજરી માટે પેરોલ:

માફિયા તરીકે ઓળખાતા અતીક અહમદના પરિવાર પર વધુ એક દુઃખદ ઘટના બની છે. અતીક અહમદના સૌથી નાના પુત્ર અબાન અહમદનું ઝાંસીમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. હવે શનિવારે, 8 ઓગસ્ટે, પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં અબાનને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અબાનની કબર તેના પિતા અતીક અહમદની કબરની બાજુમાં તૈયાર કરવામાં આવી છે.

ઝાંસીથી પ્રયાગરાજ પહોંચ્યો મૃતદેહ
અબાન અહમદનું ઝાંસીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ તેનો મૃતદેહ પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. હાલ મૃતદેહ કસારી-મસારી નજીક આવેલા હટવા ગામમાં તેની ફોઈ પ્રવીષ કુરેશીના ઘરે રાખવામાં આવ્યો છે.શુક્રવારે અબાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. અંતિમ વિદાય પહેલાં મૃતદેહને કસારી-મસારી વિસ્તારમાં આવેલા અતીક અહમદના પૈતૃક ઘરની જગ્યાએ પણ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

અતીકનું ઘર હવે માત્ર કાટમાળ
કસારી-મસારીમાં અતીક અહમદનું જે પૈતૃક ઘર ક્યારેય પરિવારની ઓળખ ગણાતું હતું, તે હવે અસ્તિત્વમાં નથી. ઉત્તર પ્રદેશમાં માફિયા અને બાહુબલીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી દરમિયાન આ મકાનને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતુંહવે ત્યાં માત્ર કાટમાળ અને ખાલી જમીનનો ભાગ બચ્યો છે. તેમ છતાં અતીક પરિવારના કોઈ સભ્યના મૃત્યુ બાદ કબ્રસ્તાનમાં દફનવિધિ પહેલાં મૃતદેહને આ પૈતૃક જગ્યાએ લાવવાની પરંપરા રહી છે. અતીકના પુત્ર અસદ અહમદના મોત બાદ પણ તેનો મૃતદેહ અહીં લાવવામાં આવ્યો હતો. હવે અબાનના મૃતદેહ માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર ટેન્ટ લગાવવામાં આવ્યો છે અને મૃતદેહ રાખવા માટે ડીપ ફ્રીઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

પિતા અતીકની કબરની બાજુમાં તૈયાર થઈ કબર
અબાનને પરિવારના પૈતૃક કબ્રસ્તાન કસારી-મસારીમાં દફનાવવામાં આવશે. આ જ કબ્રસ્તાનમાં અતીક અહમદના પિતા હાજી ફિરોઝ અહમદ, માતા, અતીક અહમદ પોતે, તેનો ભાઈ અશરફ અને પુત્ર અસદ અહમદ દફનાવવામાં આવ્યા છે.
હવે અબાન માટે અતીક અહમદની કબરની બરાબર બાજુમાં કબર ખોદવામાં આવી છે. એટલે આજે અબાનની અંતિમ વિદાય બાદ અતીક અને તેના સૌથી નાના પુત્રની કબરો એકબીજાની બાજુમાં જોવા મળશે.

જેલમાં બંધ ભાઈઓ અલી અને ઉમરને પેરોલ
અબાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જેલમાં બંધ તેના ભાઈઓ અલી અહમદ અને ઉમર અહમદને અલ્હાબાદ હાઈકોર્ટે પેરોલ મંજૂર કરી છે.અલી ઝાંસી જેલમાં જ્યારે ઉમર લખનૌ જેલમાં બંધ છે. કોર્ટના નિર્દેશ મુજબ બંને ભાઈઓને અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.જોકે, કોર્ટ દ્વારા કેટલાક કડક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ બંનેને પોલીસ કસ્ટડીમાં તેમની સંબંધિત જેલમાં પરત લઈ જવામાં આવશે. તેઓ કોઈ જાહેર સભાને સંબોધી શકશે નહીં અને મીડિયા, જેમાં સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા પણ સામેલ છે, સાથે વાતચીત કરવાની તેમને મંજૂરી રહેશે નહીં.બંને ભાઈઓ માત્ર અંતિમ સંસ્કાર કરાવનાર વ્યક્તિ, પોતાની ફોઈ અને પોતાના ભાઈ અહજમ અહમદ સાથે વાત કરી શકશે.

કેવી રીતે થયો હતો અબાનનો અકસ્માત?
અબાન અહમદનું મોત ઝાંસી-કાનપુર હાઈવે પર ઝાંસી જિલ્લાના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલ્લી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં થયું હતું.અકસાનમાં અબાન અને તેનો સાથી સોનુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.અકસાન બાદ તમામને ઝાંસી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અબાન અને સોનુને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ અબાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો.

અતીકના પરિવારની કરુણ કહાની ફરી ચર્ચામાં
અબાન અહમદ અતીક અહમદના પાંચ પુત્રોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈઓમાં અલી, ઉમર અને અહજમનો સમાવેશ થાય છે.અતીકના પરિવાર માટે આ પ્રથમ આવી ઘટના નથી. એપ્રિલ 2023માં અતીકના પુત્ર અસદ અહમદનું ઝાંસી નજીક પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. અસદ ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતો. ઉમેશ પાલ 2005માં થયેલી BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો.ત્યારબાદ 15 એપ્રિલ 2023ના રોજ પ્રયાગરાજની એક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાતા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ત્રણ હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી.

હવે આજે અંતિમ વિદાય
ઝાંસીના અકસ્માતમાં થયેલા અબાનના મોત બાદ તેના મૃતદેહને અંતિમ વિદાય માટે પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. કસારી-મસારીમાં દફનવિધિ માટે કબર તૈયાર છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આજે અબાન અહમદને તેના પિતા અતીક અહમદની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. આ સાથે અતીક પરિવારના પૈતૃક કબ્રસ્તાનમાં વધુ એક કબર ઉમેરાશે.

Most Popular

To Top