National

347 મિલિયન વૃદ્ધો સાથે બદલાશે ભારતનું વસ્તી માળખું, 2050 સુધી 70 ટકા વૃદ્ધો ગામડાંમાં રહેવાની શક્યતા

ભારતમાં વસ્તીનું વય માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી દાયકાઓમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધવાની સાથે તેમની સંભાળનો મોટો પડકાર ગ્રામ્ય ભારત સામે ઊભો થવાનો છે. Transform Rural India (TRI)ના નવા વ્હાઇટ પેપરમાં જણાવાયું છે કે 2050 સુધીમાં ભારતની આશરે 347 મિલિયન વસ્તી 60 વર્ષથી વધુ ઉંમરની હશે. એટલે કે દેશના લગભગ દર 5માંથી 1 વ્યક્તિ વૃદ્ધ વયજૂથમાં હશે.

TRI દ્વારા “Demographic Transition, Evolving Families and the Future of the Care Ecosystem in Rural India” નામે વ્હાઇટ પેપર રજૂ કરવામાં આવ્યું છે. India Rural Colloquy (IRC) દરમિયાન આ અહેવાલ લોન્ચ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ભારતની ઝડપથી વધી રહેલી વૃદ્ધ વસ્તી અને તેની સામે ઊભા થતા પરિવાર આધારિત સંભાળના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ગ્રામ્ય ભારતમાં રહેશે વૃદ્ધોની મોટી વસ્તી

અહેવાલ મુજબ 2050 સુધીમાં ભારતમાં રહેતા વૃદ્ધોમાં લગભગ 70 ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હશે. નાના પરિવારો, રોજગાર માટે યુવાનોનું સ્થળાંતર અને લોકોનું લાંબું આયુષ્ય પરંપરાગત પરિવાર આધારિત સંભાળ વ્યવસ્થા પર દબાણ વધારી રહ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે 2001માં એક વૃદ્ધ વ્યક્તિ સામે આશરે 8.4 કાર્યક્ષમ વયના લોકોનો સહારો હતો, જે 2026 સુધીમાં ઘટીને 5.2 થવાની ધારણા છે. એટલે આગામી સમયમાં વૃદ્ધોની સંભાળ માટે ઉપલબ્ધ પરિવાર આધારિત માનવબળમાં ઘટાડો થઈ શકે છે.

94 ટકા સંભાળ હજુ ઘરમાં જ

NFHS, Longitudinal Ageing Study in India, Census projections અને Time Use Surveys સહિતના વિવિધ રાષ્ટ્રીય ડેટાના આધારે તૈયાર થયેલા અભ્યાસ મુજબ હાલમાં વૃદ્ધોની લગભગ 94 ટકા સંભાળ ઘરની અંદર જ આપવામાં આવે છે.

પરંતુ પરિવારનું કદ ઘટતું જાય છે અને યુવાનો રોજગાર માટે અન્ય શહેરો કે રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે. પરિણામે વૃદ્ધોની દૈનિક જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી પરિવારના મર્યાદિત સભ્યો પર વધુ પડવાની શક્યતા છે.

આ સંભાળનો સૌથી મોટો હિસ્સો મહિલાઓ ઉઠાવી રહી છે. અહેવાલ મુજબ મહિલાઓ દરરોજ સરેરાશ 305 મિનિટ બિનપગાર સંભાળના કામમાં આપે છે, જ્યારે પુરુષો માટે આ સમય 56 મિનિટ છે. આ સ્થિતિ મહિલાઓની રોજગાર અને આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારીને પણ અસર કરે છે.

આબોહવા પરિવર્તનથી પણ વધશે સંભાળનું કામ

વૃદ્ધોની સંભાળના પડકારમાં હવે આબોહવા પરિવર્તન પણ મહત્વનું પરિબળ બની રહ્યું છે. હીટવેવ અને પૂર જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ દરમિયાન ઘરના સભ્યો, ખાસ કરીને મહિલાઓ પર વધારાનું બિનપગાર સંભાળ કામ આવે છે. સાથે જ ભારતમાં રોગોના સ્વરૂપમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. ડાયાબિટીસ, હૃદય સંબંધિત બીમારીઓ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો દેશના કુલ મૃત્યુના લગભગ બે તૃતીયાંશ માટે જવાબદાર છે. લાંબા સમય સુધી બીમારી અને દિવ્યાંગતા સાથે જીવતા લોકોની સંખ્યા વધતાં લાંબા ગાળાની સંભાળની જરૂરિયાત પણ વધશે.

હોસ્પિટલથી આગળ વધારવી પડશે આરોગ્યસેવા

TRIના અહેવાલ મુજબ ભારતની આરોગ્ય વ્યવસ્થા લાંબા સમયથી પ્રસૂતિ, રસીકરણ અને તાત્કાલિક બીમારીઓની સારવાર જેવી સેવાઓ પર વધુ કેન્દ્રિત રહી છે. વૃદ્ધ વસ્તી અને લાંબા ગાળાની બીમારીઓના વધતા પ્રમાણને ધ્યાનમાં લેતા માત્ર હોસ્પિટલ આધારિત વ્યવસ્થા પૂરતી નહીં રહે. વૃદ્ધો અને લાંબા સમયથી બીમારી સાથે જીવતા લોકો માટે ઘરો અને સ્થાનિક સમુદાય સુધી પહોંચતી સંકલિત સંભાળ વ્યવસ્થા જરૂરી બનશે.

‘Neighbourhood of Care’ મોડલનો પ્રસ્તાવ

TRIએ આ પડકારનો સામનો કરવા માટે ‘Neighbourhood of Care’ મોડલ રજૂ કર્યું છે. તેનો હેતુ ગામડાંમાં પહેલેથી કાર્યરત સંસ્થાઓ અને આરોગ્યકર્મીઓને એક સંકલિત સંભાળ વ્યવસ્થા સાથે જોડવાનો છે.

આ મોડલમાં નીચેની સંસ્થાઓને જોડવાની દરખાસ્ત છે:

  • ગ્રામ પંચાયત
  • સ્વસહાય જૂથો
  • ASHA કાર્યકરો
  • આંગણવાડી કેન્દ્રો
  • Ayushman Arogya Mandirs

હેતુ એ છે કે દરેક પરિવારને ચાલીને પહોંચી શકાય તેવા અંતરે સંકલિત સંભાળ સેવાઓ ઉપલબ્ધ થાય. અહેવાલ અનુસાર ગ્રામ્ય ભારતમાં નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા કરતાં હાલની સંસ્થાઓ વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવો મહત્વપૂર્ણ બની શકે છે.

Care Economyથી 11 મિલિયન રોજગારની શક્યતા

વૃદ્ધોની વધતી સંભાળની જરૂરિયાતને TRIએ રોજગાર સર્જનની તક તરીકે પણ જોઈ છે. અહેવાલ મુજબ ભારત જો પોતાના GDPના 2 ટકા જેટલું રોકાણ Care Economyમાં કરે તો આશરે 11 મિલિયન નોકરીઓનું સર્જન થઈ શકે છે. તેમાં ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ માટે રોજગારની નવી તકો ઊભી થઈ શકે છે.

TRIના Practice Director શ્યામલ સંત્રાએ જણાવ્યું કે લોકોનું આયુષ્ય વધારવામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ હવે લાંબું જીવન વધુ સારી ગુણવત્તા સાથે જીવાય તે સુનિશ્ચિત કરવાનો પડકાર છે. તેમણે જણાવ્યું કે જરૂરી અનેક સંસ્થાઓ પહેલેથી જ ગ્રામ્ય ભારતમાં કાર્યરત છે. તેમને એક સામાન્ય સંભાળ વ્યવસ્થા સાથે જોડવાથી પરિવારોને સહારો મળી શકે, સંભાળ રાખનારાઓનું ભારણ ઘટાડી શકાય અને સ્થાનિક શાસન વધુ મજબૂત બનાવી શકાય.

Most Popular

To Top