Columns

ઉંચાઈ

એક દિવસ રાજાએ દરબારમાં કહ્યું, ‘જાઓ તમને બધાને એક દિવસનો સમય આપું છું …જેને જીવનમાં ઉચ્ચતમ ઉંચાઈ મેળવવા શું કરવું જોઈએ?? અને જેને આ ઉંચાઈ મેળવી હોય તેને શોધીને મારી પાસે લઇ આવો.જે સૌથી વધુ ઉચ્ચ સ્તરે હશે તે વ્યક્તિને અને શોધી લાવનાર બંને ઇનામને પાત્ર બનશે…’ બધા પોતાની રીતે જેને સૌથી ઉચ્ચતમ ઉંચાઈ મેળવી હોય તેને શોધવા લાગ્યા.અને બીજે દિવસે કોઈ દરબારમાં લઈને આવ્યો સાડા છ ફૂટથી વધુ ઊંચાઈનો લાંબો માણસ ….અને રાજાની સામે રજુ કર્યો , ‘રાજન આપણા રાજ્યમાં જ નહિ આજુબાજુ ના રાજ્યમાં પણ આ સૌથી ઉંચો માણસ છે.’…કોઈએ રજુ કર્યો એક ‘વીર’અને કહ્યું, ‘રાજન આ વીર યોધ્ધાએ જીવનમાં સૌથી વધુ લડાઈ જીતી છે.’

બીજ એક દરબારી એ રજુ કર્યો એક ‘જ્ઞાની’કહ્યું, ‘રાજન, આ મહાજ્ઞાની છે બધી વિદ્યામાં પારંગત છે અને વિદ્યામાં જે પારંગત હોય તે જીવનમાં દરેક ઉંચાઈ મેળવી શકે છે.’રાજા બધાની રજૂઆત ધ્યાનથી સાંભળતા હતા.’કોઈ લઈને આવ્યું એક ‘પર્વતારોહક’અને કહ્યું, ‘રાજન , આ એક પર્વતારોહક છે તેણે દુનિયાના ઊંચા ઊંચા પર્વતો સર કર્યા છે.’રાજા બોલ્યા, ‘અરે વાહ તમે બધા જેને લઈને આવ્યા છો બધાએ પોતાની રીતે ઉંચાઈ મેળવી છે બધાને સન્માન અને ઇનામ મળશે.આ બધા પોતાના ક્ષેત્રમાં ઉચ્ચતમ શિખર પર પહોંચ્યા છે પણ મારો પ્રશ્ન હજી હલ થયો નથી કે જીવનમાં ઉચ્ચતમ ઉંચાઈ કઈ રીતે મેળવી શકાય ?? અને કોને તે મેળવી છે ??’

રાજાણી વાત સાંભળી બધા મૂંઝાયા…ત્યાં વૃધ્ધ મંત્રી પોતાની સાથે એક સજ્જન શેઠ …એક સંત અને રાજ્યના સેનાપતિને લઈને આવ્યા અને બોલ્યા, ‘રાજન મેં ઘણી શોધ કરી મને આ ત્રણ જણ મળ્યા છે જેમને જીવનમાં ઉચ્ચતમ ઉંચાઈ મેળવી છે.રાજન આ સજ્જન શેઠ છે …પોતાની રોજની અડધી કમાણી તેઓ રોજે રોજ દાનમાં આપી દે છે અને આ છે એક સંત જે દરેક પ્રાણી માત્રને એક સરખો પ્રેમ કરે છે અને આ છે આપણા રાજ્યના સેનાપતિ જેઓ સેનાપતિ હોવા છતાં કોઈ રૂઆબ વિના મંદિર પાસે દરેક જણને જાતે પીરસીને જમાડે છે….

રાજન કોઈપણ વ્યક્તિના જીવનની ઉંચાઈ માપવાના ત્રણ માપદંડ છે એક છે ‘દિલની ઉદારતા’…જે આ સજ્જન શેઠ પાસે છે જે રોજ દાન કરે છે ..બીજો છે ‘હદયની મધુરતા’…જે આ સંત પાસે છે જે બધાને પોતાના ગણે છે…ત્રીજો છે ‘અંતરની વિનમ્રતા’..જે આ સેનાપતિ પાસે છે પોતે ઉચ્ચ પદ પર હોવા છતાં વિનમ્રતાથી બધાને જાતે પીરસે છે.’રાજા મંત્રીની સમજાવટથી ખુશ થયા..તેમને જાતે સિંહાસન પરથી ઉઠી મંત્રી અને શેઠ,સંત અને સેનાપતિને પ્રણામ કર્યા. જીવનમાં ઉંચાઈ મેળવવા મધુર …ઉદાર અને વિનમ્ર બનીએ.

Most Popular

To Top