Madhya Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ : હેરણ નદી બે કાંઠે

બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાર્વત્રિક વરસાદથી હેરણ નદીમાં ઘોડાપુર પાણી આવ્યું હતું.હેરણ નદી પર આવેલ રાજવાસણા ડેમ ઓવરફ્લો થતા રમણીય નઝારો જોવા લોકો ઉમટી પડયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા સમગ્ર ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ વરસવાની ચેતવણી આપી હતી.જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ અનાધાર વરસતા આઠ કલાકથી વધુ સમયમાં ૨  ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

જેનાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો આકાશ તરફ કાગ નજરે મેઘરાજાની રાહ જોઈ રહયા હતા.છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ૮ કલાકથી વધુ સમયથી વરસતા વરસાદથી નદી,નાળા,ચેકડેમ,તળાવોમાં નવા નીર આવ્યા હતા.છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કપાસ,તુવેર,મકાઈ,સોયાબીન સહીત બાગાયતી પાકોને જીવતદાન મળ્યું હતું.અનાધારા વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.ગૌરીવ્રતના અંતિમ દિવસે ગોરોના વિસર્જન પહેલા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.હેરણ નદી બંને કાંઠે વહેતા રાજવાસણા ડેમ ઓવરફ્લો થવા પામ્યો હતો.જેનો રમણીય નઝારો જોવા આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.આમ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા હેરણ નદી બંને કાંઠે વહેતા રાજવાસણા ડેમ ઓવરફ્લો થવા પામ્યો હતો.

  • સાવલીમાં ધોધમાર વરસાદ પડતાં ધરતીપૂત્રોમાં ખુશીની લહેર પ્રસરી

સાવલી તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં  ખુશીની લહેર પ્રસરી ગઇ છે. મેઘરાજાએ લાંબા સમયથી વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો સમગ્ર દિવસ દરમિયાન ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો તેના પગલે હરે ગરમીથી અને બફારાથી ત્રાસી ગયેલા તાલુકા જનોને ભારે ઠંડકનો અહેસાસ થયો હતો સાથે સાથે ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ચોમાસુ હોય તેઓ આભાસ તાલુકા જનોને જોવા મળ્યો હતો ઝરમર ઝરમર વરસાદથી હાલ ખેડૂતોએ રોપેલા પાક જેવાકે દિવેલા તમાકુ કપાસ શાકભાજી મકાઈ જેવા પાકોને જીવતદાન મળી જવા પામ્યું હતું અને પ્રથમવાર તાલુકા જનોએ બહાર નીકળવા માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળતા હતા જ્યારે ખેતીલાયક વરસાદ વરસતા ધરતી પુત્રોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે જોકે ધોધમાર અને મૂશળધાર વરસાદ વરસવાનો હજુ બાકી હોય હાલ વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં આશા જગાવી છે. સાથે સાથે ભારે ગરમીમાં પણ રાહત નોંધાવા પામી છે.

ગોધરામાં ધોધમાર વરસાદ : 2 ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલ ઊઠયા

ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર છવાઇ હતી. તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોના મહામૂલ્ય પાકને જીવતદાન મળતાં ખેડૂતોની થોડી ઘણી ચિંતા ટળી હતી. જ્યારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરા ભાગોળ, ભુરાવાવ , કૃષ્ણ સોસાયટી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક  સવાલ ઉઠયા હતા.

ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં રવિવારની વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના જિલ્લા ન્યાયાલય, ભુરાવાવ, શહેરા ભાગોળ સિંગલ ફળિયા  સહિત અન્ય વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા.  દાહોદ રોડ પર આવેલ કૃષ્ણ સોસાયટી તેમજ યોગેશ્વર  સોસાયટી પાસે  પાણી ભરાઇ જતા ત્યાંના રહીશો ભારે ચિંતિત બન્યા હતા. બે ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારના માર્ગો અને સોસાયટીમાં  વરસાદી પાણી  ભરાઈ જતાં જોવા મળતા પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ

પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી. હાલ પાનમ જળાશયમાં દર કલાકે ઉપરવાસમાંથી 1500 ક્યુસેક નવી આવક નોંધાઇ રહી છે. પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન પાનમ  જળાશયના ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે પાનમ ડેમમાં બપોર બાદ દર કલાકે 1500 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ રહી છે તેની સામે ડેમમાંથી ૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી હતી. હાલ પાનમ ડેમની જળસપાટી ૧૨૦.૬૫ મીટર છે જ્યારે પાનમડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. જોકે પંચમહાલ જિલ્લાના સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈને પાનમડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની વહેલી સવારથીજ ધમાકેદાર એન્ટ્રીના પગલે આખો દિવસ વરસાદ પડ્યો હતો. જિલ્લાવાસીઓ ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યાં હતાં ત્યારે આજના વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. વરસાદની રાહ જાેઈ બેઠેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

જિલ્લામાં સર્વત્ર સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરની વાત કરીએ તો આજના વરસાદની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના નિચાણવાળા ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ઘણા માર્ગાે પર પાણી પણ ભરાઈ ગયાં હતાં. શહેરના ભરપોડા સર્કલ, ઝાલોદ તાલુકાના લીમડી નગરના સાંઈ મંદિર, બાઈપાસ ઉપર હાઈવે રોડ પણ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના સ્ટેશનરોડ, ચાકલીયા રોડ, ગોધરા રોડ જેવા વિસ્તારોના માર્ગાે પર પાણી ભરાઈ ગયાં હતાં. 

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ૦૪ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૧૪૯ મીમી વરસાદ ખાબકી ગયો છે. ૦૪ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના તાલુકામાં વરસેલ વરસાદના આંકડાની વાત કરીએ તો, ગરબાડા તાલુકામાં ૦૭ મીમી, ઝાલોદ તાલુકામાં ૦૦ મીમી, દેવગઢ બારીઆમાં ૨૯ મીમી, દાહોદ તાલુકામાં ૪૫ મીમી, ધાનપુર તાલુકામાં ૧૫ મીમી, ફતેપુરા તાલુકામાં ૦૩ મીમી, લીમખેડા તાલુકામાં ૩૬ મીમી, સંજેલી તાલુકામાં ૦૬ મીમી અને સીંગવડ તાલુકામાં ૦૮ મીમી સાંજે ૦૪ મીમી વરસાદ પડી ચુંક્યો છે. લગભગ મોડી રાત્રી અને બીજા દિવસે પણ આવોજ વરસાદ રહેશે તેવા લોકો અનુમાન લગાવી રહ્યાં છે.

Most Popular

To Top