Charchapatra

તીવ્ર યાદશકિત ધરાવતા હતા, કે.કે. સાહેબ

અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણકાન્ત ભૂખણવાળાના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, શો ટાઇમ પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે, એમના વિશે ખૂબ જ માહિતીસભર લેખ લખ્યો છે. કે.કે. સાહેબની અભિનયકળાનાં તમામ પાસાંઓનો રસપ્રદ આસ્વાદ આ લેખમાં કરાવવામાં આવ્યો છે. કે.કે. સાહેબ જયારે સુરતમાં રહેવા આવેલા, તે વખતે શરૂઆતમાં એટલે કે ૧૯૯૪ માં એમને અમે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચોકબજાર શાખામાં, મુખ્ય મહેમાન તરીકે એક પ્રસંગે લઇ આવેલા. ફિલ્મ લાઇનનાં અનેક સ્મરણો એમણે વાગોળેલાં. તેમના સમકાલીન અભિનેતાઓ દિલીપકુમાર, દેવઆનંદ તથા રાજકપુર સાથેની ઘણી વાતો એમણે કરેલી. દિલીપકુમાર અને દેવ આનંદ સાથે એમને સારો સંબંધ હતો.

કોઇ કારણસર દેવ આનંદ સુરત આવેલા. તે વખતે કે.કે. દેવઆનંદને હોટેલ ઉપર મળવા ગયેલા. કે.કે.ને જોતાં જ દેવઆનંદ, આનંદ સાથે બોલી ઊઠેલા કે, ‘અરે કે.કે. તુમ ઇધર?!’ ‘ગુઝરા હુઆ જમાના’ નામની સિને જગતને લગતી અતિ લોકપ્રિય કટાર, કે.કે.સાહેબ, ‘ગુજરાતમિત્ર’માં લખતા હતા. કે.કે. આટલા મોટા અને સારા અભિનેતા હતા, છતાં ખૂબ નિરભિમાની હતા. સુરતમાં તેઓ લોકોના પ્યારભરા આમંત્રણને લઇને, અનેક જગ્યાએ, પ્રસંગોમાં જતા રહેતા હતા. બકુલભાઇ ટેલર લખે છે, એમ એમની યાદશકિત ખરે જ પ્રબળ અને તીવ્ર હતી.

એક વખત ‘સાહિત્ય સંગમ’, ગોપીપુરામાં એક કાર્યક્રમ હતો, એમાં તેઓ આવેલા હતા. કાર્યક્રમ પૂરો થતાં તેઓ બહાર જતા હતા, તે વખતે મેં એમને એક સવાલ કરેલો કે, ‘દાયરા (મીનાકુમારીવાળું) ફિલ્મના સંગીતકાર કોણ હતા?’ કે.કે.એ, એ જ ક્ષણે જવાબ વાળ્યો કે, ‘જમાલસેન’ હતા. દાયરામાં એક ભકિતગીત હતું. શબ્દો હતા ‘દેવતા, તુમ હો મેરા સહારા, મૈને થામા હૈ દામન તુમ્હારા.’ આ ગીત ગાયેલું મુબારક બેગમ અને મોહંમદ રફીએ. આ ગીત આજે પણ મને ખૂબ ખૂબ ગમે છે. એટલે કે.કે. ના જવાબથી, એ ફિલ્મના સંગીતકારના નામની જાણકારીથી મને ખૂબ જ સંતોષ થયો હતો. કે.કે. સાહેબની જન્મ શતાબ્દીના વર્ષમાં, સુરત ખાતે, એમના વિશે,  કાર્યક્રમો થાય તો અમને ખીબ રાજીપો થશે. બકુલભાઇ ટેલરને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે એમણે કે.કે. સાહેબને શો ટાઇમ દ્વારા યાદ કર્યા.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top