Business

નબળી સ્ક્રિપ્ટ હોય કે દમદાર કો-સ્ટાર્સ બધે જ (અ)જય હો!!

અજય દેવગણ હવે એ વાતની ચિંતા કરતો જ નથી કે પોતે જે ફિલ્મમાં હોય તેમાં બીજા સ્ટાર્સ હાજર હોય તો પોતાનું શું થશે? એને એવી ચિંતા નથી થતી તેનું કારણ એટલું જ છે કે સામે કોઇ પણ સ્ટાર્સ હોય પણ અજયનું મહત્વ ઘટતું નથી. લોકોએ તેને એક ખાસ સ્થાન આપી દીધું છે. હમણાં ‘સૂર્યવંશી’ રજૂ થયેલી તો તેમાં અક્ષય કુમાર, રણવીર સીંઘ હતા પણ અજયને કોઇ ફરક જ પડયો ન હતો. હકીકતે તે હવે મલ્ટી સ્ટારર ફિલ્મોમાં જ વધારે કામ કરે છે. આવું સલમાન, શાહરૂખ, આમીર ખાનથી માંડી ઋતિક યા વરુણ ધવન પણ પસંદ કરતા નથી. છતાં જેમ બીજા સ્ટાર્સ હોય તો અમિતાભને ફરક પડતો નથી તેમ અજય દેવગણને ફરક પડતો નથી.

આજકાલ બને છે એવું કે અજયની હાજરીથી ફિલ્મો ખાસ બની જાય છે. ‘આરઆરઆર’ જેવી ફિલ્મમાં એસ.એસ. રાજામૌલીએ હિન્દીમાંથી કોઇને નહીંને અજય દેવગણ, આલિયા ભટ્ટને જ લીધા. એન.ટી. રામારાવ જૂનિયર અને રામચરણ જેવા હિન્દીના પ્રેક્ષકો સામે નવા ગણાતા સ્ટાર્સને બચાવવા જાણે કે અજય દેવગણનો આધાર લેવાયો છે. રાજામૌલી જેવા નિર્માતા-દિગ્દર્શકને અજયનું આ મહત્વ સમજાયું અને સંજય લીલા ભણસાલીને તો ‘હમ દિલ દે ચુકે સનમ’થી જ આ મહત્વ સમજાયેલું છે એટલે ‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં અજય દેવગણને કરીમલાલાની ભૂમિકા આપી છે. મુંબઇના ડોનના પાત્રોમાં દેવગણ એકથી વધુ વાર શોભ્યો છે અને કમાલ એ વાતની કે અજય હોય તો પેલા ડોન વધારે માનવીય લાગવા માંડે છે.

અજય સામે ચાલીને ટોપના સ્ટાર્સ પસંદ કરે છે એવું ‘રનવે-34’ પરથી કહી શકાય. એ ફિલ્મનો દિગ્દર્શક અજય પોતે છે અને તેણે અમિતાભને મહત્વની ભૂમિકા આપી છે. અમિતાભ સાથે તો તે ‘મહાભારત-2’માં પણ છે. અમિતાભ એ ફિલ્મમાં ભીષ્મ બન્યા છે, મનોજ વાજપેયી યુધિષ્ઠિર, સની દેઓલ ભીમ, પરેશ રાવલ ધૃતરાષ્ટ્ર, જેકી શ્રોફ દૂર્યોધન, અનુપમ ખેર શકુની, શત્રુધ્ન સિંહા કૃષ્ણ અને અજય દેવગણને અર્જૂનની ભૂમિકા મળી છે. આ એક ઘણી મોટી ફિલ્મ છે ને ઘણા સ્ટાર્સ છે પણ અજય લક્ષયવેધી અર્જૂન જેવો જ છે. તેને બીજા કોઇ દેખાતા નથી.

અજય એવા પ્રકારની ફિલ્મોમાં હવે કામ કરે છે જેમાં કલાસિકસના તત્વો હોય. એવી ફિલ્મો અમુક જ સમય ચાલે એવું નથી હોતું. ઇન્દ્રકુમાર હમણાં લાંબા ગેપ પછી ‘થેન્ક ગોડ’ બનાવે છે જેમાં અજય ઉપરાંત સિધ્ધાર્થ મલહોત્રા છે અને રાજ વિશ્વકર્મા છે. આ એક એવી ફિલ્મ છે જેમાં સારા દિલના માણસો થઇ સમાજ સુધારાનું કામ કરે છે. અલબત્ત, આ એક કોમેડી ફિલ્મ છે ને અજય દેવગણ જેમ એકશનમાં, તેમ કોમેડીમાં પણ કમ્ફર્ટ છે. અજય જો કે એવો સ્ટારછે જેને તમે કોઇ પણ પ્રકારના પાત્રમાં ઢાળી શકો. રોમેન્ટિક ફિલ્મો માટે પણ તે પર્ફેકટ છે પણ હા, જો મેચ્યોર પ્રેમી હોય તો તેમાં તે વધારે જામે છે.

હમણાં ફરી કોરોનાની ચિંતા પ્રવેશી છે પણ વિત્યા પોણા બે વર્ષમાં અજયના ચહેરા પર કોરોનાની ચિંતા સૌથી ઓછી જણાય હશે. સંજોગો ગમે તે હોય તે પોતાને સાચવી જાણે છે. અજય દેવગણ નિર્માતા તરીકે પણ સતત ફિલ્મો બનાવે છે. ‘હિન્દુસ્તાન કી કસમ’થી માંડી ‘ઓલ ધ બેસ્ટ-ફન બિગીન્સ’, ‘બોલ બચ્ચન’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘શિવાય’થી માંડી ‘તાન્હાજી’, ‘છલાંગ’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ સહિત તેણે 25 ફિલ્મો બનાવી છે. ‘રનવે-34’, ‘ગોબર’ અને તેલુગુ ફિલ્મ ‘નાંધી’ની રિમેક પણ તે બનાવી રહ્યો છે અને ‘સિકસ સસ્પેકટસ’ નામની વેબ સિરીઝ જૂદી. આમ છતાન તે સાયલન્ટલી કામ કરે છે. પોતાની ફિલ્મમં પોતે જ સ્ટાર હોય એવો પણ તેને આગ્રહ નથી. બાકી નિર્માતા તો સલમાન ખાન, આમીર ખાન પણ છે પણ અજય તેમનાથી જૂદો છે. કાજોલ જેવી ટોપની એકટ્રેસ પત્ની હોવા છતાં પોતાની ફિલ્મ ચલાવવા કાજોલનો આધાર લેતો નથી. અજય સાચે જ અજેય છે.

Most Popular

To Top