Comments

નામને નફરત કે ખોટા કામને?

“કોંગ્રેસ”…. ખૂણામાં બેઠેલો એક “શબ્દ”રડી રહ્યો હતો, ઉપેક્ષિત અસહાય અને નિરાશ. એને રડતો જોઈ એની પાસે ગયા અને પૂછ્યું કે તું કોણ છે? શા માટે અહીં ખૂણામાં બેઠો બેઠો રડે છે? શું થયું? એ શબ્દે સામે જોયું અને નિસાસો નાખ્યો એટલે અમે ફરી પૂછ્યું કે તું કેમ રડે છે? શું થયું? તું કોણ છે? એટલે તે બોલ્યો “કોંગ્રેસ’’. હું કોગ્રેસ છું. ત્રણ અક્ષરનો શબ્દ. ભાષામાં આવતો શબ્દ માત્ર. પણ લોકો મને નફરત કરે છે. મારો ઉચ્ચાર થતાં જ ગુસ્સો કરે છે. મારા લીધે જ એમનું બધું બગડ્યું હોય એવા આરોપો કરે છે. પણ હું તો એક શબ્દ છું મારાથી આટલી નફરત શા માટે? “અરે ભાઈ, કોઈ તને નફરત નથી કરતું..તારા નામધારી એક રાજકીય પાર્ટી છે તેને નફરત કરે છે. તેણે કરેલાં કામ કોઈને નહિ ગમ્યાં હોય એટલા લોકો જ તને નફરત કરે છે, બધા નથી કરતા. તું આમ નિરાશ ના થા. શબ્દને તો કોણ નફરત કરે”?

એવું હું પણ માનતો હતો કે હું શબ્દ છું, મને પ્રેમ કે નફરત કરવાથી શું મળે? પણ હવે એવું નથી. હું બરોબર સમજી ગયો છું કે લોકો મને શબ્દને જ નફરત કરે છે. મારા નામધારી રાજકીય પાર્ટી કે તેમના દ્વ્રારા થયેલા ના ગમતાં કામને નફરત નથી કરતા. જો એવું હોત કે લોકો ખોટાં લોકો ખોટાં કામને નફરત કરતા હોત તો તો તે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ વ્યક્તિ દ્વારા થાય તેને ખોટું જ ગણતા હોત, પણ એવું નથી. મને ખોટું આશ્વાસન ના આપો. લોકોને કોંગ્રેસ શબ્દ સાથે જ નફરત છે. જો વ્યક્તિ કોંગ્રેસી છે તો જ તે ખોટો છે. જો એ વ્યક્તિ કોંગ્રેસ છોડે .બીજી પાર્ટી કે સંસ્થામાં જોડાય તો તે ખોટો નથી.

એક સમય એવો હતો જ્યારે મને થતું કે કોંગ્રેસ શબ્દનો કોઈને વાંધો નથી, પણ કોંગ્રેસ કલ્ચરના નામે જે સામુહિક વર્તન વિકસ્યું છે તેનો વિરોધ છે. ઓફિસોમાં સામાન્ય માણસ ધક્કા ખાય, પણ તેનું કામ ના થાય. પછી કોઈ મોટા માથાની ઓળખાણ થાય તો કોઈક વાત સાંભળે, પછી થોડો ધનવ્યવહાર થાય, પછી કામ પાર પડે. ગરીબ પીડિત અને લઘુમતી સમાજમાં શિક્ષણ સમજણ વધે તેમને તેમના હક્ક મળે તે માટે કામ કરવાને બદલે આ સમાજનાં સ્થાપિત હિતોને પટાવી લેવા તેમના ગુંડા આગેવાનોને રક્ષણ આપવાની તુષ્ટિકરણ કરવું.

યોજનાઓ માત્ર કાગળ ઉપર બનાવવી , નેતાઓ રાજાની જેમ રહેવા લાગ્યા. તેમના કાર્યક્રમોમાં શાળા કોલેજનાં બાળકો ફરજીયાત ભેગાં કરવાં. સરકારી ખર્ચે સભાઓ કરવી. નેતાજી નીકળે ત્યારે રસ્તાઓ કલાકો સુધી બંધ કરી નાગરિક જીવન અસ્તવ્યસ્ત કરવું. આ એક પરમ્પરા બની અને લોકો આ કોગ્રેસી કલ્ચરનો વિરોધ કરવા લાગ્યા, તેને નફરત કરવા લાગ્યા તેમ હું સમજ્યો. મારા નામનું લેબલ હોય તે તમામને લોકો નફરત નો’તા કરતા. મારા નામવાળી પાર્ટી કે તેનાં લોકો જે કામ કરે તે બધા જ ખોટા એવું લોકો નો’તા કહેતા, પણ હવે બધું બદલાયું છે.

હવે મારો ભ્રમ ભાંગી ગયો છે. લોકો કોંગ્રેસ શબ્દને જ નફરત કરે છે. તેમને મોંઘવારી સાથે લેવા દેવા નથી. ભ્રષ્ટાચારનો વિરોધ નથી. સરકારી તંત્રના દુરુપયોગનો વાધો નથી. ગુંડાઓના તુષ્ટિકરણની નફરત નથી. તેમને વાંધો માત્ર કોંગ્રેસ શબ્દ સામે જ છે . આજે જેના સાથે હું જોડાયેલ છું એ જ કાલે સામેનું લેબલ પોતાના માથે લગાવી લે તો તેની સાથે પછી કોઈને વાંધો વિરોધ નથી તો પછી શું સાબિત થયું? એ જ કે લોકોને શબ્દથી જ વાંધો છે. મારાથી જ વાંધો છે. આમ તો કોંગ્રેસ એ અંગ્રેજી શબ્દ છે. મારો અર્થ છે સારા કામ માટે ભેગા થયેલા લોકોનું મંડળ કે સમૂહ. કોંગ્રેસ અમેરિકામાં પણ હોય અને બ્રિટનમાં પણ. પણ હવે મારા નામનો ઉચ્ચાર થતાં જ ઘણા અકળાઈ ઊઠે છે. બોલો, આમાં હું શું કરું?”

 આ એક કાલ્પનિક સંવાદ છે પણ વાસ્તવિકતાથી દૂર નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. થોડાં વર્ષોમાં લોકસભાની ચૂંટણી પણ આવશે. આ તો ચાલ્યા જ કરશે. ભાજપના આદરણીય નેતા ભારતરત્ન અટલબિહારી બાજપાઈ કહેતાં, સત્તાઓ આવે અને જાય, અમે વોટની રાજનીતિ નથી કરતા.ખોટા રસ્તે સત્તા આવતી હોય તો નથી જોઇતી! આજે પણ નેતાઓ આ બોલે તો છે, પણ વાસ્તવમાં તે આવું કરે છે ખરા. મૂળ પ્રશ્ન નેતાઓ કે પાર્ટી સમર્થકનો નથી. મૂળ પ્રશ્ન પ્રજાનો, લોકમત ઘડનારા લેખકો, વક્તાઓ, આગેવાનોનો છે કે આપણે શેનો વિરોધ કરીએ છીએ? આપણને ગુણવત્તા વગરના નકલી માલ સાથે વાંધો છે કે માત્ર લેબલ સાથે.

આપણને મોંઘવારી ભ્રષ્ટાચાર પક્ષપલટા સાથે વાંધો છે કે માત્ર શબ્દ સામે? આ વિચારવાનું છે. ભાજપ જ ભલે જીતે, પણ તે કરે છે તે બધું જ સાચું નથી. તેમાં જોડાયેલા બધા જ સારા અને પ્રામાણિક નથી. જે રીતે ગયા પાંચ વર્ષ ચાલ્યું તેવા જ આગળ પણ પાંચ વર્ષ જોઈએ છે? બોલવું પડશે કે બાબુશાહી દૂર કરો.આરોગ્ય વ્યવસ્થાઓ સુધારો, નેતાઓને સામંતશાહી સગવડો ના આપો. તમારી વ્યક્તિપૂજા માટે અમારા કલાકો ના બગાડો.અમારે ભાજપ કે કોંગ્રેસ કે આપ કે બીજા કોઈ પણ શબ્દો સાથે નફરત કે પ્રેમ નથી. અમારે અમારી આજ સાથે પ્રેમ છે. અમર અબલ્કો ની આવતી કાલ સાથે પ્રેમ છે . ખોટાને ખોટું કહેતાં શીખો. ગુજરાતના અગ્રણીઓ. ચૂંટણીઓ તો આવે અને જાય, સત્તામાં પાર્ટીઓ આવે અને જાય, લોકશાહી કેટલી મજબૂત થાય છે તે જોજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top