Columns

ત્રણ આર -‘R’

‘આજકાલના કોમ્પીટીશનના વાતાવરણમાં બધાં માતા પિતા એમ જ ઇચ્છે છે કે તેમનું બાળક બધી જ રીતે અવ્વલ રહે.જીવનમાં આગળ વધવું જરૂરી છે, પણ હંમેશા બીજાને પછાડીને જ આગળ વધવું જરૂરી નથી.દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ફર્સ્ટ રેન્ક લાવે, પણ બધાની કંઈ રેન્ક ફર્સ્ટ ન આવે. કોઈ એકની જ આવે તે સમજવાની જરૂર છે.’મોટીવેશનલ સેમિનારના સ્પીકર બોલ્યા.

સ્પીકરે કહ્યું, ‘તમે બધા જ અહીં આવ્યા છો એ જાણવા કે પરીક્ષામાં ફર્સ્ટ રેન્ક કઈ રીતે લાવવી…પણ તે હું તમને નથી કહેવાનો…હું આજે તમારી સાથે ત્રણ આર ‘R’ની વાત કરવાનો છું પણ તેમાં રેન્કની વાત નથી.અને તે માત્ર ધોરણ દસ કે બારમા માટે નહિ, પણ જીવનભર કામ લાગશે.જીવનમાં કોઈ પણ વસ્તુને બરાબર સમજવા તેને સૌથી પહેલાં ધ્યાનથી વાંચો.આપણો પહેલો R છે Read…કોઇ પણ વસ્તુ ધ્યાનથી વાંચો.ન સમજાય તો ફરીથી વાંચો.મોટેથી વાંચો.એક એક શબ્દને છૂટો પાડી તેનો અર્થ સમજીને વાંચો.નજર ફેરવીને મનમાં વાંચો.જયારે આ રીતે તમે કોઈ પણ વિષય કે કોઈ પણ પાઠ વાંચશો તો તે તમને સમજાશે અને જે ન સમજાય તે પૂછો.હવે તમારી સામે જે પેપર પર એક ફકરો લખેલો છે તેને વાંચો.’

બધા વાંચવા લાગ્યા.સ્પીકર બોલ્યા, ‘હવે વાત કરું બીજા R ની. તે છે Remember યાદ રાખો.જે કંઈ વાંચો તેને યાદ રાખો.જે વસ્તુ તમે બરાબર સમજીને ધ્યાનથી વાંચી હશે તો તે તમને બે થી ત્રણ પ્રયત્નોમાં યાદ રહી જ જશે.ન રહે તો ફરી વાંચો. ચોક્કસ તમને કંઈ નહિ સમજાયું હોય અથવા તમારું ધ્યાન નહિ હોય તો જ યાદ ન રહે માટે ધ્યાનથી સમજીને વાંચો.ચાલો તમારી સામે રહેલો ફકરો યાદ રાખવાની કોશિશ કરો.પણ હા, યાદ રાખજો, કોઈકને એક વારમાં યાદ રહી જશે. કોઈકે ચાર વાર વાંચવું પડશે.’

થોડી વાર પછી સ્પીકર બોલ્યા, ‘હવે વાત છે ત્રીજા R.ની. તે છે ‘Reproduce’એટલે કે જે વાંચીને યાદ કર્યું છે તે ફરીથી જોયા વિના લખો અને જુઓ, કેટલું યાદ છે અને કેટલું ભૂલી ગયા છો.ચાલો, તમે જે ફકરો વાંચ્યો અને યાદ રાખ્યો તેની પાછળ પ્રશ્નો છે તેના જવાબ લખો, સમજાઈ જશે. તમને કેટલું યાદ રહ્યું છે અને કેટલું તમે સમજાવીને લખી શકો છો.’બધાએ જવાબ લખ્યા. હવે સ્પીકરે આગળ કહ્યું, ‘જુઓ, કોઈ પણ વસ્તુ વાંચીને બરાબર સમજીને જવાબ લખવા સુધી આ ત્રણ R સમજવા જરૂરી છે.જે આ ત્રણ R સમજીને અનુસરશે તેને તે વસ્તુ હંમેશા યાદ રહેશે.આ વાત માત્ર સ્ટુડન્ટ અને રેન્ક માટે નહિ, જીવનમાં કાયમ સમજવી અને અનુસરવી જરૂરી છે.’સ્પીકરે બહુ સરસ માહિતી સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top