Comments

કયાં છે અમૃતકાળ અને આત્મનિર્ભરતા?

કેટલીક વાર મહત્ત્વની બાબતો સમાચાર ચક્રમાંથી બહાર આવે છે અને તેથી જ તેના પર ભાર આપવાનું ચાલુ રાખવું જોઇએ. વાચકો અને દર્શકોમાંથી મનોરંજક સામગ્રી વધુ દાદ મેળવી જાય છે તેથી જ પત્રકારો અને કટારલેખકોએ તેમની પ્રાથમિક ભૂમિકા જતી નહીં કરવી જોઇએ. 2014માં ભૂખમરાના વૈશ્વિક આંકમાં 76 રાષ્ટ્રોને ગણતરીમાં લેવાયાં હતાં અને તેમાં ભારતનો ક્રમ 55મો હતો. 2020માં 107 રાષ્ટ્રોમાંથી ભારતનો ક્રમ 94 પર હતો. 2021માં એટલે કે ગયા વર્ષે ભારતનું સ્થાન 116 દેશોમાંથી 101 પર ગયું. તા. પંદરમી ઓકટોબર, 2022ના દિને એક હેવાલ પ્રગટ થયો હતો અને તેમાં જણાવાયું હતું કે ભારતનું સ્થાન 121 દેશોમાંથી 107 પર પહોંચ્યું છે.

ભૂખમરાના 100 પોઇંટના સ્કેલ પર ગણવામાં આવે છે અને તેમાં 100 પોઇંટ હોય તે સૌથી તીવ્ર ભૂખમરો બતાવે છે જયારે શૂન્ય હોય ત્યાં ભૂખમરો નથી. 100 પોઇંટ હોય ત્યાં ભૂખમરો સૌથી ખરાબ હોય. ભારતનો 29.1નો સ્કોર આપણને સૌથી ખરાબ કક્ષામાં મૂકે છે. ભૂખ સંતોષવાના ક્ષેત્રે આપણી કામગીરી નબળી રહી છે અને ભૂખમરાનું પ્રમાણ વધુ છે તેનું કારણ નબળાં બાળકોનું પ્રમાણ વધુ છે. ઊંચાઇના પ્રમાણમાં વજન ઓછું હોય તેવાં બાળકોનું પ્રમાણ 2014થી 2019ના પાંચ વર્ષમાં વધીને 17.3 ટકા પહોંચ્યું છે. 2010થી 2014નાં વર્ષોમાં આ પ્રમાણ 15.1 ટકા રહ્યું છે. આ વર્ષે ભારતમાં આવાં નબળાં બાળકોનું પ્રમાણ છેલ્લાં વીસ વર્ષોમાં કયારેય ન હતું તે વધી 19.4 ટકા પર પહોંચ્યું છે. ભારતની કામગીરી માત્ર પ્રાદેશિક સરેરાશને જ ખરાબ નથી કરતી જયારે વિશ્વમાં કોઇ પણ રાષ્ટ્રમાં આ સરેરાશ સૌથી વધુ છે. કુપોષણનું પ્રમાણ દેશમાં 2018-2020માં 14.6 ટકા હતું તે 2019-2021માં વધીને 16.3 ટકા થયું. આનો અર્થ એ થયો કે 22 કરોડથી વધુ ભારતીયો ભૂખ્યા સૂઇ જતાં હતાં.

સંયુકત રાષ્ટ્રોની પાંચ સંસ્થાઓએ વિશ્વમાં અન્ન ખોરાક સુરક્ષા અને પોષણની સ્થિતિ વિશેનો હેવાલ આ વર્ષે આ પહેલાં પ્રગટ કર્યો. તેમાં જણાવાયું હતું કે 40 ટકાથી વધુ ભારતીયો અન્નની અસુરક્ષાથી પીડાય છે અને વિશ્વની ખોરાક બાબતમાં અસુરક્ષાનો અનુભવ કરતી કુલ વસ્તીના 1/3 લોકો ભારતમાં છે. આ બાબતમાં આશ્ચર્ય નહીં થવું જોઇએ કારણ કે ભારત સરકાર પોતે જ ગર્વપૂર્વક કહે છે કે 80 કરોડ લોકો એટલે કે વસ્તીનાં 60 ટકા લોકો દર મહિને પાંચ કિલો અનાજ અને એક કિલો દાળ મફત લેવા માટે દર મહિને લાઇનમાં ઊભાં રહે છે અને બે વર્ષથી આવી લાઇન લાગે છે.

સવાલ એ છે કે ભારતમાં રાજય આવા હેવાલનો કેવો પ્રતિભાવ આપે છે? આગલા વર્ષનો હેવાલ આવ્યો ત્યારે કેન્દ્રના કૃષિ ખાતાના રાજય કક્ષાના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ રાજય સભામાં જણાવ્યું હતું કે સરકારે આવા તારણ કઇ રીતે કઢાય છે તેની પદ્ધતિ વિશે પૂછપરછ કરતાં કેટલાંક બિનસરકારી સંગઠનોએ મોજણી કરી હતી અને અને અમે તેમને પૂછયું હતું કે તમે કઇ રીતે આ તારણ કાઢયું હતું પણ હજી સુધી તેમનો જવાબ આવ્યો નથી. જયારે જયારે શેરીમાં કોઇ કૂતરી ગલુડિયાંઓને જન્મ આપે છે ત્યારે તે કરડી ખાતી હોય તો ય આપણી સ્ત્રીઓ તેને શીરો ખવડાવે છે. જે દેશમાં આવી પરંપરા હોય ત્યાં એક બિનસરકારી સંગઠન આગળ આવે એ આપણાં બાળકો વિશે આવો હેવાલ આપે ત્યાં આપણે આવા હેવાલ તરફ બહુ સંવેદનશીલ નહીં બનવું જોઇએ.

જયાં સુધી આવી મોજણીનો સવાલ છે તો તેમાં તંદુરસ્ત અને મજબૂત બાળકોની પણ ગણતરી થાય છે. સમાજમાં જાગૃતિ આવવી જોઇએ અને આપણા શકિતશાળી પ્રધાન સ્મૃતિ (ઇરાની)જીએ જન આંદોલન શરૂ કર્યું છે અને તેર કરોડ સમારંભો થઇ ગયા છે. 2012માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે વખતે તેમને ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શા માટે ગુજરાતનાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં અડધોઅડધ બાળકો અલ્પવિકસિત છે? અથવા તેમની ઉંમરના પ્રમાણમાં ઠીંગણાં છે? 2006 સુધીની આ સ્થિતિ ભારત સરકારે આપેલા આંકડા પરથી સ્પષ્ટ થઇ હતી.

‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં મોદીનો જવાબ છપાયો હતો કે મધ્યમ વર્ગ સૌંદર્ય પ્રત્યે વધુ સજાગ છે અને સ્વાસ્થ્ય પ્રત્યે ઓછો. આ એક પડકાર છે. જો કોઇ માતા તેની દીકરીને દૂધ પીવાનું કહે તો તેને દીકરી તરત જ કહે કે હું દૂધ નહીં પીવું. હું જાડી થઇ જઇશ. ભારત કરતાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ આગળ છે પણ તેની આપણને અસર નથી. નેપાળ અને શ્રીલંકા પણ આપણાથી આગળ છે. ચીન તો ઘણું આગળ છે. ભારતની માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતાં ઓછી છે આપણને તેની ચિંતા નથી. અર્થતંત્રની પીછેહઠ આપણને કનડતી નથી. આપણે રાજયની નિષ્ફળતા ઢાંકવા ‘અમૃતકાળ’ અને ‘આત્મનિર્ભરતા’ જેવા ભારેખમ શબ્દો વાપરીએ છીએ. ચૂંટાયેલી સરકારે ભારતીયોની જિંદગી સુધારવાની છે, આગલી સરકારે આપેલું પાછું લઇ લેવાની નથી. રોજ લોકો કિંમત ચૂકવે છે અને પત્રકારો આંખમીંચામણાં કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top