Comments

શું પક્ષાંતર વિરોધી કાયદો નિષ્ફળ ગયો છે?

તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. તે સંપૂર્ણ પતન તરફ આગળ વધી રહી હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો પક્ષના સર્વોચ્ચ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાર પૂરતી ન હોય તેમ, રાજ્ય વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોના એક મોટા જૂથે પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે, પોતાનું અલગ જૂથ બનાવ્યું છે અને તેમાંથી એકને વિપક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.

તેના સંસદીય પક્ષમાં પણ આવું જ મોટું ભંગાણ જોવા મળ્યું છે, જેમાં બે-તૃતીયાંશથી વધુ સાંસદો પક્ષ છોડીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથે જોડાઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદોએ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (એનસીપીઆઈ) – જે એક ઓછો જાણતો પક્ષ છે, તેની સાથે વિલીનીકરણ કરવાનું પસંદ કર્યું છે. અચાનક, ત્રિપુરા સ્થિત એક અજાણ્યો પક્ષ રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે.

માત્ર ૨૦૨૩માં નોંધાયેલા અને ત્રિપુરામાં માત્ર ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડનારા એનસીપીઆઈ પક્ષ હવે બળવાખોર ટીએમસી જૂથનું નવું રાજકીય ઘર છે.  એનસીપીઆઈની સ્થાપના ૨૦૨૩માં થઈ હતી અને તે મુખ્યત્વે ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં સક્રીય છે. જોકે, ચૂંટણીમાં તેની ક્યારેય કોઈ ખાસ અસર જોવા મળી નથી. બળવાખોર તૃણમૂલ સાંસદોએ આ પક્ષ સાથે જોડાવાનું કેમ પસંદ કર્યું? ભારતનો પક્ષાંતર વિરોધી કાયદો (બંધારણની દસમી અનુસૂચિ)ની કાનૂની અડચણોમાંથી બચવા માટે તેઓએ આવું કર્યું.

આ પગલું સંભવિત કાનૂની ગૂંચવણો ટાળવા માટે લેવામાં આવ્યું હોય તેવું લાગે છે, જે પરિસ્થિતિ કદાચ ત્યારે ઊભી થઈ શકી હોત જો આ જૂથે ‘અસલી’ ટીએમસી હોવાનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હોત અથવા સ્વતંત્ર સંસદીય જૂથ તરીકે માન્યતા માંગી હોત. પક્ષાંતર વિરોધી કાયદો એવી બે પરિસ્થિતિઓની કલ્પના કરે છે જ્યારે કોઈ ધારાસભ્ય/સાંસદને ગેરલાયક ઠેરવી શકાય – જો તે સ્વેચ્છાએ પક્ષનું સભ્યપદ છોડી દે અને જ્યારે તે પક્ષના આદેશ (વ્હીપ) વિરુદ્ધ મતદાન કરે અથવા મતદાનથી દૂર રહે.

પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ, જો કોઈ બળવાખોર જૂથ તેના મૂળ પક્ષમાંથી માત્ર અલગ થઈ જાય તો તેના સભ્યોને સંસદમાંથી ગેરલાયક ઠરવાનું જોખમ રહે છે. જોકે, જો ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ધારાસભ્યો/સાંસદો અન્ય કોઈ નોંધાયેલા રાજકીય પક્ષ સાથે વિલીનીકરણ કરે છે તો તેઓ કાનૂની રીતે ગેરલાયક ઠરવાથી બચી જાય છે. બળવાખોર તૃણમૂલ જૂથનો દાવો છે કે, તેમની પાસે તેના ૨૮માંથી ૨૦ સાંસદો છે (જે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી કરતાં વધુ છે), જેના કારણે તેઓ પોતાની બેઠકો ગુમાવ્યા વિના સુરક્ષિત રીતે વિલીનીકરણ કરી શકે છે.

એનસીપીઆઈ સાથે વિલીનીકરણ કરીને અને આ વિલીનીકરણની જાહેરાત કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને બળવાખોર જૂથે બિન-જોડાયેલા જૂથ તરીકે રહેવાને બદલે એક અલગ અસ્તિત્વ તરીકે સત્તાવાર માન્યતા માંગી છે. આ પગલું તરત જ પક્ષમાંથી અલગ થયેલા સાંસદોને અલગ બેસવા અને ઔપચારિક રીતે એનડીએને પોતાનું સમર્થન જાહેર કરવા માટે સક્ષમ બનાવે છે.

શિવસેના વિભાજન કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અર્થઘટન કરાયા મુજબ, પક્ષાંતર વિરોધી કાયદા માટે મૂળ રાજકીય પક્ષનું ઔપચારિક સંગઠનાત્મક વિલીનીકરણ જરૂરી છે અને ગેરલાયક ઘોષિત થવાથી બચવા માટે ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ચૂંટાયેલા ધારાસભ્યો/સાંસદો વિલીનીકરણ માટે સંમત થવા જોઈએ. ઓછા જાણીતા પક્ષ સાથે બળવાખોર ટીએમસી સાંસદોના વિલીનીકરણથી એનડીએને કેવી રીતે ફાયદો થઈ શકે?

સંસદનું એક મહિના લાંબું ચોમાસું સત્ર ૨૧ જુલાઈથી શરૂ થશે. એનડીએ સરકાર મહત્ત્વના બંધારણીય સુધારા વિધેયકો રજૂ કરવાનો લક્ષ્યાંક રાખે છે અને તેને બે-તૃતીયાંશ સાંસદોના સમર્થનની જરૂર પડશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે ૧૩૧મું બંધારણીય સુધારો વિધેયક રજૂ કર્યું હતું, જેનો હેતુ ૩૩% મહિલા અનામત લાગુ કરવાનો છે. તે સીમાંકનની કવાયત સાથે જોડાયેલું છે.

જોકે, આ બિલને મોટો આંચકો લાગ્યો હતો. કારણ કે, ૨૯૮ સાંસદોએ તેની તરફેણમાં અને ૨૩૮ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. પરિણામે, આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. ત્યારથી એવી વ્યાપક અટકળો ચાલી રહી છે કે, એનડીએ સત્તાધારી ગઠબંધનમાં ન હોય તેવા પક્ષોના સાંસદોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. એવી અટકળો છે કે, તમિલનાડુમાં કોંગ્રેસ-ડીએમકે વચ્ચેના અણબનાવ પછી ડીએમકે ચોક્કસ મુદ્દાઓ પર એનડીએને સમર્થન આપી શકે છે. ટીએમસીમાં ભંગાણ અને ૨૦ સાંસદોએ ખુલ્લેઆમ પોતાનું સમર્થન જાહેર કરવા સાથે ભાજપ આગામી સંસદીય સત્રની સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ એક સ્પષ્ટ વ્યૂહાત્મક લાભ મેળવવાની સ્થિતિમાં આવી ગયું છે. 

શું પક્ષાંતર વિરોધી કાયદાએ પોતાનો અર્થ ગુમાવી દીધો છે? હા, પક્ષાંતર વિરોધી કાયદાએ તેનો મૂળ અર્થ ગુમાવી દીધો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. તે મૂળરૂપે ૧૯૮૫માં અનૈતિક પક્ષાંતર કરનારાઓને સજા આપવા અને સરકારોને સ્થિર કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે વિવેચકો અને કાનૂની નિષ્ણાતો દલીલ કરે છે કે, પક્ષો દ્વારા આ કાયદાનો ઉપયોગ એક હથિયાર કરવામાં આવી રહ્યો છે. આ કાયદો પક્ષોના આયોજનબદ્ધ વિભાજનને રોકવામાં નિષ્ફળ જાય છે અથવા તો ક્યારેક તેમાં મદદરૂપ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top