Columns

વાળ: વિનયશીલતાથી વિદ્રોહ સુધી

ઇરાનમાં સ્ત્રીઓ શબ્દશ: વાળ વિખારાવીને જંગે ચઢી છે. ત્યાં સ્ત્રીઓ માટે હિજાબ પહેરવાના કડક નિયમો છે અને એમાં ગરબડ થાય તો પોલીસ પકડી જાય છે. ગયા મહિને, પશ્ચિમ ઈરાનના કુર્દિસ્તાનની 22 વર્ષની એક છોકરી મહસા અમિનીએ હિજાબ ‘બરાબર’ પહેર્યો નહોતો એટલે પોલીસે તેની ધરપકડ કરી. 3 દિવસ પછી તેનું કસ્ટડીમાં મોત થઇ ગયું. ત્યારથી ઈરાનની સ્ત્રીઓ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરી રહી છે, જેમાં અત્યાર સુધી લગભગ 50 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. સ્ત્રીઓએ હિજાબ ફગાવ્યા, વાળ ખુલ્લા કરીને હવામાં લહેરાવ્યા, વાળ કાપીને ઉડાડ્યા, માથું ઢાંકવાના સ્કાર્ફની હોળી કરી.
સ્ત્રીઓના વાળને લઈને ઘણા સમાજો રૂઢિચુસ્ત છે.

જે સ્ત્રીના માથાના વાળ બાંધેલા હોય અથવા ઢાંકેલા હોય તે સ્ત્રી ‘પવિત્ર’ કહેવાય અને જેના વાળ છુટ્ટા હોય તે ‘ચાલુ’ કહેવાય એવું ‘નૈતિક ગણિત’ ઈતિહાસમાં સદીઓથી પ્રચલિત છે. સ્ત્રીઓના હિજાબ, ઘૂંઘટ કે માથે ઓઢવાની પ્રથા આ કથિત ‘આમન્યા’માંથી આવી છે. વાળ સ્ત્રીની આઇડેન્ટિટીનો હિસ્સો છે અને એટલે જ ઈતિહાસમાં સ્ત્રીના વાળ પર સમાજનું ધ્યાન વધુ પડતું જ રહ્યું છે. પેરાશૂટ નામના તેલની જાહેરખબરમાં સ્ત્રી કહે છે, “ઇન્હેં બાલ મત કહેના, ઇન પે મેરા નામ લિખા હૈ. મેરા બાલ મેરી જાન હૈ.’’

અમેરિકામાં સિવિલ રાઈટ્સ આંદોલન ચાલતું હતું, ત્યારે ઘણી અશ્વેત સ્ત્રીઓએ વાળ માટે ‘આફ્રો સ્ટાઈલ’ અપનાવી હતી, જેમાં વાળ તેની પ્રાકૃતિક અવસ્થામાં છોડી દેવામાં આવતા હતા. તે તત્કાલીન અમેરિકન ગોરા સમાજ સામેના વિરોધનું પ્રતીક હતું. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ આઝાદ થયું, પછી દુશ્મન સાથે શરીરસંબંધ હોવાની શંકા પરથી સ્ત્રીઓના વાળ મુંડી નાખવામાં આવતા હતા.

1998માં નીના ગુપ્તાની હિટ સીરિયલ ‘સાંસ’આવી હતી, જેમાં પતિના ‘અફેર’માંથી પસાર થઇ રહેલી પ્રિયા એનાં બાળકોના શિક્ષક અજિતની નજીક આવે છે અને અજિત જ્યારે એના પ્રેમનો એકરાર કરે છે ત્યારે પ્રિયા અજિતની સાથે ચાલતાં ચાલતાં હાથને માથા પાછળ લઇ જઇને બાંધેલા વાળને છુટ્ટા મૂકે છે. આ સીરિયલે પણ એ જ પ્રચલિત માન્યતાને આગળ ધપાવી હતી કે ઓળેલા, ચોટલે કે અંબોડે બાંધેલા વાળ પતિવ્રતા, ‘વફાદાર’ સ્ત્રીની નિશાની છે, જ્યારે છુટ્ટા વાળ એ વિદ્રોહી સ્ત્રીનો સંકેત છે.

હિન્દુ પુરાણોમાં માથાના વાળનું એક સશક્ત રૂપક છે. ખુલ્લા વાળ આક્રમક, નિરંકુશ પ્રકૃતિનું પ્રતીક છે એટલે દેવી કાલીના વાળ ફડફડાતા છે જ્યારે ગૌરીના વાળ બંધાયેલા છે. રામાયણમાં સીતા એના જે અલંકાર હનુમાનને આપે છે તેમાં છેલ્લે માથાના વાળમાં લગાવવાની પિનનો સમાવેશ થાય છે, જેથી રામને એ સંદેશો મળે કે એની ઇજ્જત મુસીબતમાં છે.
સીતાના શ્રીરામ સાથે વિવાહ થવાના હતા ત્યારે માતા સુનયનાએ સીતાના વાળ બાંધતાં સલાહ આપી હતી કે વિવાહિત જીવનમાં સદૈવ કેશ બાંધી રાખજે અને માત્ર એકાંતમાં જ પતિ માટે ખોલજે. મહાભારતમાં દુ:શાસન દ્રૌપદીને ખુલ્લા વાળથી પકડીને ધૃતસભામાં ઘસીટી લાવે છે.

ત્યારે દ્રૌપદી પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી એ દુ:શાસનના લોહીથી વાળને ન ધુવે ત્યાં સુધીએ વાળને ખુલ્લા રાખશે અને વેણીમાં નહીં બાંધે. ભટ્ટનારાયણે આના પરથી સંસ્કૃતમાં એક નાટક લખ્યું હતું જેમાં અંતે ભીમ દુ:શાસનનો સંહાર કરે છે અને એનું રક્ત દ્રૌપદીના કેશમાં પૂરે છે. આ નાટકનું નામ ‘વેણીસંહાર’હતું. વાળની કહાની ‘ઘર ઘર’માં સરખી જ છે. ઇસાઇ સંપ્રદાયમાં ઢાંકેલા વાળ દિવ્ય સત્તા સમક્ષ આધીનતાનું પ્રતીક ગણાય છે. ન્યૂ સ્ટેટામેન્ટ લખે છે કે પુરુષ ઈશ્વરમાંથી આવ્યો છે અને સ્ત્રી પુરુષમાંથી આવી છે એટલે સ્ત્રીના માથે અધિકારનું પ્રતીક જરૂરી છે.

ઇસ્લામમાં માથે ઓઢવું એ શુદ્ધતા અને એકાંતતાનું રૂપ છે. કુરાન કહે છે, ‘મુસ્લિમ સ્ત્રીએ એના માથા અને વાળ સહિતનું શરીર ઢાંકવું જોઇએ. માથું ઢાંકેલું હોય તો એના તરફ કોઇનું જાતીય રીતે ધ્યાન ન ખેંચાય.’ જગતના પહેલા ડૉક્ટર હિપોક્રેટિસે (460-370), આજે વિચિત્ર લાગે તેવું વિશ્લેષણ કરેલું કે, ‘વાળ સેક્સુઅલ પ્રવાહી જામી જાય તે પછીની ઊપજ છે. શરીર સમાગમ વખતે વીર્ય બહાર આવે તે સ્ત્રીના લાંબા વાળમાં પ્રસરી જાય.’ આ થિયરી પ્રમાણે હિપોક્રેટિસ આગળ લખે છે, ‘વાળ એ સ્ત્રીના જનનાંગનો વિસ્તાર (એક્સ્ટેન્શન) છે.’

આ માન્યતાઓ સાવ અધ્ધર જ આવી છે એવું પણ નથી. તડકાથી બચવા માણસ સહિતની તમામ પ્રજાતિઓમાં વાળની ઉન્નતિ થઇ છે. તે ઉપરાંત બીજું એક કારણ એ પણ છે કે સેક્સુઅલ સિલેક્શનમાં લાંબા અને તંદુરસ્ત વાળ એ ફળદ્રુપતા અને યુવાનીની નિશાની ગણાય છે. મૈથુનયોગ્ય સાથીની શોધમાં વાળ પહેલી નિશાની છે. જગતની તમામ સભ્યતાઓમાં લાંબા વાળ સ્ત્રીઓ સાથે જ જોડાયેલા છે અને નર માદાના વાળ જોઇને જ એનું ‘મૈથુન સિલેક્શન’ કરે છે. માણસ સિવાયની પ્રજાતિઓમાં પણ માદા વાળની આવી જ ભૂમિકા રહી છે.

અને એટલે જ માનવ સભ્યતામાં સ્ત્રીની સેક્સુઆલિટી ઉપર અંકુશ મૂકવા માટે, એના ઉપર એકાધિકાર જમાવવા માટે એના વાળને ધાર્મિક માન્યતાઓ અને પરંપરા સાથે જોડી દેવાયા હતા. પરંપરાગત પરિવારોમાં આજે પણ સ્ત્રીઓ-છોકરીઓને ટૂંકા વાળ રાખવા દેવામાં આવતા નથી કારણ કે લાંબા વાળ એ સ્ત્રીત્વની નિશાની છે, જયારે ટૂંકા વાળ એ નારીત્વ સામેના બળવાની નિશાની છે. એવી છોકરીઓને તો ટોમ-બોય પણ કહે છે.

વિધવા- વિવાહ પર 1982માં આવેલી નિર્માતા-નિર્દેશક રાજ કપૂરની ‘પ્રેમરોગ’ફિલ્મમાં અકાળે વિધવા થયેલી રમા (પદ્મિની કોલ્હાપુરે)ના વાળ ઉતારવાનો એક પ્રસંગ છે. તેની માતા છોટી મા (નંદા) અને તેનો ભાઈબંધ દેવધર (ઋષિ કપૂર)ને આ વિધિથી બહુ પીડા થાય છે. દેવધરથી રહેવાતું નથી અને તે રમાને ‘બચાવવા’માટે રાજા ઠાકુર સામે ઊભો થઇ જાય છે અને કહે છે, ‘રીતરિવાજ ઇન્સાન કી સહુલિયત કે લીયે બનાયે જાતે હૈ… ઇન્સાન રીત-રિવાજો કે લીયે નહીં.’

Most Popular

To Top