Entertainment

‘વિક્રમ વેધા’ માં રિતિક-સૈફની જોડીનું કામ પૈસા વસૂલ છે!

ફિલ્મનું નામ ‘વિક્રમ વેધા’ છે પરંતુ એ ‘વિક્રમ’ સૈફ કરતાં ‘વેધા’ બનતા રિતિકની વધુ છે. સૈફ અલી ખાનનું કામ સારું હોવા છતાં રિતિક પોતાના દમદાર અભિનયથી વધુ છવાયેલો રહે છે. આમિર ખાને ફિલ્મ ના કરીને ભૂલ કરી હોવાનું સાબિત કરે છે. રિતિક પોતાના અંદાજથી દર્શકોનું દિલ જીતવાનો પૂરો પ્રયત્ન કરે છે. 2017ની આ નામની તમિલ ફિલ્મ એશિયાની પ્રથમ પતિ-પત્નીની નિર્દેશક બેલડી પુષ્કર- ગાયત્રીએ જ નિર્દેશિત કરી હતી. હિન્દીમાં એને બનાવતી વખતે એમણે ‘વિક્રમ અને વેતાળ’ પ્રેરિત વાર્તા અને પ્રસંગોને એકસરખા જ રાખ્યા છે.

માત્ર કલાકારો બદલ્યા છે. મૂળ ફિલ્મ જેટલો ન્યાય રીમેકને આપી શક્યા નથી. રિતિક-સૈફ પોતાના તરફથી બનતું બધું જ કરી ચૂકતા હોવા છતાં તમિલમાં કામ કરનાર આર. માધવન અને વિજય સેતુપતિને અભિનયમાં પૂરી ટક્કર આપી શક્યા નથી. વિજયની ‘વેધા’ ની ભૂમિકા આઇકોનિક ગણાઇ ચૂકી છે. રિતિકે વિજયથી અલગ રીતે ભૂમિકા નિભાવી છે. તેણે વિજયની નકલ કરવાનો જરા પણ પ્રયત્ન કર્યો નથી. પોતાને એક નવા જ ‘વેધા’ના રૂપમાં રજૂ કર્યો છે. તેણે પહેલી વખત ખૂંખાર ગેંગસ્ટરને પડદા પર સાકાર કર્યો છે. તે ‘વેધા’ તરીકે 3 અલગ અંદાજમાં દેખાયો છે.

પરંતુ મૂળ ફિલ્મમાં છે એવું તેની ગેંગના સાથીઓ સાથેનું જોડાણ દેખાતું નથી. રિતિકનો અભિનય અને એક્શન જબરજસ્ત છે. તે પડદા પર આવે છે ત્યારે દ્રશ્યમાં જાન આવી જાય છે. વિલન હોવા છતાં સાચો હીરો એ જ લાગે છે. તે ના હોય એવાં દ્રશ્યો સામાન્ય લાગે છે. જો રિતિક એક રીમેકમાં આટલી મહેનત કરી શકતો હોય તો અસલમાં કેટલી કરી શકે એ સમજી શકાય એમ છે. તેના શ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મોની યાદીમાં ‘વિક્રમ વેધા’ ઘણી આગળ રહેશે. તેનું પાત્ર સ્ટાઇલીશ અને હેન્ડસમ છે એટલે ઉત્તર પ્રદેશની બોલીમાં જામતું નથી. તેના લહેજાને કારણે કેટલાક સંવાદ હાસ્યાસ્પદ લાગે છે. તેના પાત્રને વધારે પડતું ખતરનાક બતાવવામાં આવ્યું છે પણ પડદા પર એટલું લાગતું નથી. એક દ્રશ્યમાં વેધા સરાજાહેર નેતાની હત્યા કરે છે તે ડરાવી શકતું નથી.

ફિલ્મ હિન્દીમાં તમિલથી લાંબી થઇ ગઇ છે. કેટલાંક દ્રશ્યો નવા ઉમેર્યાં છે. જે ફિલ્મને કંટાળાજનક બનાવે છે. જેમ કે પોલીસ અધિકારીના મૃત્યુ પછી એમને સલામી આપવાનું દ્રશ્ય બિનજરૂરી લાગે છે. એ જ રીતે ‘અલ્કોહોલિયા’ ગીત સારું હોવા છતાં ખોટી જગ્યાએ આવતા ગતિમાં અવરોધક બને છે. ગીતને માત્ર પ્રચાર પૂરતું સીમિત રાખી શકાયું હોત. શતક અને ચંદાની પ્રેમવાર્તા વધુ સારી રીતે બતાવવાની જરૂર હતી. એમના પાત્રોને વધારે વિકસાવવામાં આવ્યા નથી. નવાઇ લાગે એવી વાત એ છે કે વિક્રમને વેધા વિશે એટલી જાણકારી નથી જેટલી વેધાને હોય છે અને વિક્રમ એનું એન્કાઉન્ટર કરવા જઇ રહ્યો હોવા છતાં અપરિચિત છે. સ્લો મોશનનાં દ્રશ્યો વધારે પડતાં છે.

નાની- નાની ઘણી ખામીઓ હોવા છતાં વાર્તા રસપ્રદ હોવાથી બહુ અસર થતી નથી. પહેલો ભાગ વધુ પડતો ખેંચવામાં આવ્યો છે કેમ કે વેધાની વાર્તા કહેવાની ગતિ ધીમી છે. ઇન્ટરવલ પછી ફિલ્મ ઝડપથી આગળ વધે છે. ક્લાઇમેક્સ ચોંકાવી દે એવો સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. દર્શકો તાળીઓ અને સીટીઓ મારવા મજબૂર બને છે. એ માનવું પડશે કે રિતિક અને સૈફ સામસામે આવે ત્યારે પડદા પર રંગ જામે છે. રિતિક એના પર હાવી ના થઇ જાય એવી રીતે સૈફ અલી ખાન પોતાની સંવાદ અદાયગી અને એક્શનથી પ્રભાવિત કરી જાય છે.

હળવા દ્રશ્યો પણ આપે છે. તે શરૂઆતમાં ફિલ્મને દિલચશ્પ બનાવે છે પણ પછી રસ ઓછો થવા લાગે છે. સૈફની પત્ની તરીકે રાધિકા આપ્ટે નાની ભૂમિકામાં અસર છોડી જાય છે. બાકી સહાયક કલાકારો તમિલ ફિલ્મની સરખામણીએ ઠીક કહી શકાય એવા જ છે. રિતિકના પીછો કરવાનાં દ્રશ્યો દિલધડક છે. બેકગ્રાઉન્ડ સંગીત સારું છે. રાજ કપૂરના ‘જીના ઇસી કા નામ હૈ’ ગીતનો સરસ ઉપયોગ થયો છે.

‘વિક્રમ અને વેતાળ’ની આધુનિક દુનિયામાં લઇ જતી ચોર-પોલીસની વાર્તાવાળી આ ફિલ્મ જેમણે તમિલમાં કે હિન્દીમાં ડબ થયેલી જોઇ છે એના માટે નથી. પહેલું કારણ એનું સસ્પેન્સ એ જાણે છે અને બીજું તમિલ જેવી દમદાર નથી. બોલિવૂડે હવે રીમેકનું વળગણ છોડવું જોઇએ એવો મત વ્યક્ત કરવો જ પડશે. અલબત્ત તમિલ ફિલ્મ કરતાં વધુ એક્શન દ્રશ્યો છે. તેથી રિતિક-સૈફના ચાહકોને પસંદ આવે એવી પૈસા વસૂલ ફિલ્મ છે. બંને અભિનેતાઓએ પોતાને ચૂકવેલી ફીના પૈસા વસૂલ થાય એવું કામ કર્યું છે. છતાં નિર્માતાના પૈસા વસૂલ થાય એમ લાગતું નથી. ફિલ્મ પહેલા દિવસે માત્ર રૂ.11 કરોડ જ મેળવી શકી હતી. આથી વધુ કમાણી અક્ષયકુમારની ફ્લોપ ફિલ્મો કરી જાય છે.

Most Popular

To Top