Charchapatra

ગુરુકૃપા

એક દિવસ આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘ચાલો, મને જણાવો ગુરુકૃપા એટલે શું?’ શિષ્યો બોલ્યા,‘ગુરુની કૃપા એટલે ..ગુરુના આશિષ, જેનાથી જે માંગો …જે ઈચ્છો …જે ચાહો તે મળી જાય…ગુરુકૃપાથી સુખ,સમૃધ્ધિ , નોકર ચાકર, ઘર ગાડી બધું જ પ્રાપ્ત થાય.’ ગુરુજી બોલ્યા, ‘સાવ ખોટું! હું કયારેય તમને કોઈને પૈસા , સગવડો, સાધનો , ઘર, ગાડી મળે તેવા આશિષ આપતો જ નથી અને કોઈ ગુરુ કયારેય એવા આશિષ આપતા જ નથી.આ બધું તો તમને તમારી મહેનત અને કર્મ અને ભાગ્યના આધારે જ મળે છે. શિષ્યે કહ્યું, ‘તો ગુરુજી અમને સાચા ગુરુની ગુરુકૃપા વિશે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘કયારેક તમને ચાલતાં ચાલતાં ઠોકર વાગે અને છતાં તમે પડો નહિ તે ગુરુકૃપા છે…ગિરદીવાળી જગ્યામાં ધક્કામુક્કીમાં તમે નીચે પડતાં બચી જાવ કે તમારો ખોવાયેલો સામાન મળી જાય તે ગુરુકૃપા છે.

ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે ભાગ્યની આડે પાંદડું આવે અને ભોજનનાં પણ ફાંફાં થઇ જાય ત્યારે મીઠું રોટલો મળી રહે તે ગુરુકૃપા છે.ચારે બાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ જાવ …જીવનમાં ચારે બાજુ અંધકાર છવાઈ જાય…કોઈ માર્ગ ન દેખાય ત્યારે હારીને તમે હતાશ ન થાવ, પણ હિંમતથી સામનો કરવાનો વિશ્વાસ રાખી શકો, આ વિશ્વાસ અને આ હિંમત ગુરુકૃપા છે.’ એક શિષ્યે પૂછ્યું, ‘શું ગુરુકૃપા બધાને મળે કે જેની પર મુશ્કેલી આવે તેને જ…’ ગુરુજી બોલ્યા, ‘ગુરુકૃપા બધા માટે , દરેક શિષ્ય માટે એકસરખી જ વરસે છે, જેને જયારે જે રીતની જરૂર હોય તે પ્રમાણે ગુરુકૃપા કરે છે.જયારે તમે કોઈ માર્ગ પર મહેનત કરતાં આગળ વધતાં થાકી જાવ ત્યારે અચાનક કોઈ રસ્તો ખૂલી જાય …કયાંક નિષ્ફળતા મળે અને નિરાશા ઘેરી વળે ત્યારે અચાનક એક આશાનું કિરણ દેખાય તે ગુરુકૃપા છે.

જયારે બધાં સગાંવ્હાલાં ,મિત્રો ,સ્વજનો મુશ્કેલીના સમયે સાથ છોડી જતા રહે,સાવ એકલા થઈ જાવ ત્યારે સદ્ગુરુની પ્રેરણાથી કોઈ એક દોસ્ત હાથ પકડી મદદ કરવા આગળ આવે તે ગુરુકૃપા છે. કોઈ એક સાથી, દોસ્ત કે સ્વજન વિશ્વાસ બતાવે કે, ‘આગળ વધ, હું તારી સાથે છું.’આ પ્રેરણા આપનાર વ્યક્તિ ગુરુકૃપા છે. જયારે જીવનમાં સફળતાના શિખર પર હો છતાં નમ્રતા ન છોડો …અભિમાન ન આવે તે ગુરુકૃપા છે. પ્રાપ્ત કરેલી લક્ષ્મી સારા માર્ગે વાપરવાની પ્રેરણા મળે તે ગુરુકૃપા છે અને ભલે જીવનમાં પૈસા, સમૃધ્ધિ, ગાડી બંગલા ન હોય, છતાં તમે ખુશ રહી શકો, સુખી અને સંતોષી રહી શકો તે ગુરુકૃપા છે.’ગુરુજીએ ગુરુકૃપા વિષે ઊંડાણથી સમજ આપી.

Most Popular

To Top