Charchapatra

પાલિકાની ડાયરીમાં અક્ષમ્ય ભૂલ! ઐતિહાસિક સ્થળોની યાદીમાં કોટ વિસ્તારના જુના અંબાજી મંદિરનો નામોલ્લેખ સમાવિષ્ટ નહિ

તળ સુરતીઓને આઘાત અને આશ્ચર્ય થાય તથા ભાવનાત્મક રીતે લાગણીને ઠેસ પહોંચે તેવાં અધૂરાં અને નમૂનેદાર કામ લોક સ્વરાજ્યની સેવા કરતી જાહેર સ્વાયત્ત સંસ્થા પાલિકાએ ડાયરી છાપકામ દરમિયાન કરેલ છે! સંક્ષિપ્ત અને ટૂંકાક્ષરીમાં…! વર્ષોથી પ્રગટ થતી પાલિકાની ડાયરીમાં ઐતિહાસિક સ્થળોની સમાવિષ્ટ યાદીમાં કોટ વિસ્તારમાં આવેલ પ્રાચીન અંબાજી મંદિર નામાવલીમાં નથી! સુરતનાં કેટલાંક ઐતિહાસિક સ્થળોની યાદીમાં ગોપીતળાવ, મરજાન શામીનો રોજો, ખ્વાજા દાના મશીદ / મિનારો, પાલિકા (સુધરાઈ )બિલ્ડીંગ જે મુગલસરાઈ મુબારક(મુસાફર ખાનું),ચંદ્રપ્રભુ મંદિર, ક્લોક ટાવર, દયાળજી વિદ્યાર્થી આશ્રમ, એન્ડુઝ લાઈબ્રેરી, ચિંતામણી જૈન મંદિર, ડચ કબ્રસ્તાન, ગોરા(અંગ્રેજ)ઓનું કબ્રસ્તાન, આર્મેનીયમ કબ્રસ્તાન, સુરતનો કિલ્લો, બેગમવાડી, એન્જલિકલ ચર્ચ, સોરાબજી જે. જે. ટ્રેનિંગ કોલેજ, વિક્ટોરિયા (રાણી) ગાર્ડન {ગાંધી બાગ }નો સમાવેશ થયેલ છે!ખેર, ભાગળ સ્થિત અંબાજી રોડ ખાતેનું શ્રી અંબાજી માતા મંદિર ૪૦૦ વર્ષ જૂનું અને પ્રાચીન છે! અત્રે છત્રપતિ શિવાજી મહારાજ પણ આવી ચૂક્યા હતા, અલબત્ત, આ જુના જાણીતા અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે હાલ ૧૩ મી પેઢીનાં વારસદાર કૈલાશબા ચંદ્રકાન્ત અંબાજીવાળા પણ હયાત રહેલા છે!

આમ પાલિકા સહિત શહેરીબાવા (નગર સેવકો )ઓની નરી તેમજ ગુનાહિત બેદરકારી અને અક્ષમ્ય ભૂલને  કારણે ઐતિહાસિક સ્થળોની યાદીમાં કોટ વિસ્તારનાં શ્રી અંબાજી માતા મંદિરનો નામ ઉલ્લેખ અને સમાવેશ થયેલ નહીં હોવાનાં કારણોસર પાલિકાનાં પદાધિકારી સહિત ચૂંટાયેલી પાંખનાં લોક પ્રતિનિધિઓએ જગત જનની મા જગદમ્બા સહિત માઈ ભક્તો અને નગરજનોની બિનશરતી જાહેર માફી માંગી પૂરા સન્માન સાથે સદર પૌરાણિક અંબાજી મંદિરનું નામ ઐતિહાસિક સ્થળોની યાદી સહિત ડાયરી તેમજ રેકર્ડ ઉપર ધાર્મિક લાગણી અને લોકમાગણીને માન આપી સત્વરે ઉમેરણ કરવું રહ્યું!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top