Columns

ગુરુજીની ત્રણ સલાહ

પ્રાર્થના બાદ ગુરુજીએ રોજની જેમ પોતાનું પ્રવચન શરૂ કર્યું અને બોલ્યા, ‘શિષ્યો, આજે હું કોઈ એક વિષય પર વાત નથી કરવાનો. આજે હું તમને જીવનમાં હંમેશા અને જીવનના કોઈ પણ તબકકે કામ લાગે તેવી ત્રણ સલાહ આજે આપવાનો છું અને તેને તમે મનમાં ગાંઠ બાંધી લેજો, હંમેશા યાદ રાખજો.’ શિષ્યો ગુરુજીની જીવનોપયોગી ત્રણ સલાહ જાણવા ઉત્સુક બન્યા.ગુરુજી બોલ્યા, ‘સૌથી પહેલી સલાહ છે -હંમેશા યાદ રાખો કે તમારા જીવનમાં એક વસ્તુ સતત ઘટી રહી છે.તે છે તમારું આયુષ્ય.તમારી પાસે રહેલો સમય.એટલે તે આયુનો તમારી પાસે રહેલા સમયનો હંમેશા સદુપયોગ કરજો અને તેને નકામા કામમાં વેડફતા નહિ અને આયુષ્યના બાકી રહેલા કિંમતી સમયનો સદુપયોગ કરવા માટે જરૂરી છે નીરોગી રહેવું …નિયમિત રહેવું.

માટે હંમેશા તનના સ્વાસ્થ્ય માટે સજાગ રહી ખોરાક અને કસરત પર ધ્યાન આપજો અને મનના સ્વાસ્થ્ય માટે પ્રભુભક્તિ અને ધ્યાન કરજો.’ પહેલી મહત્ત્વપૂર્ણ સલાહ સાંભળ્યા બાદ શિષ્યો ગુરુજીની બીજી સલાહ સાંભળવા તત્પર બન્યા. ગુરુજીએ આગળ કહ્યું, ‘શિષ્યો, મારી બીજી સલાહ છે -હંમેશા યાદ રાખજો કે તમારા જીવનમાં એક વસ્તુ એવી છે જે સતત વધી રહી છે તે છે તમારા મનની ઇચ્છાઓ.તૃષ્ણાઓ. અપેક્ષાઓ. આ મનની ઇચ્છાઓ પર કાબૂ રાખવો જરૂરી છે. એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ચાર ફૂટી નીકળે છે.

મનની તૃષ્ણાનો કોઈ અંત નથી તે સમજી લેજો અને બને તેટલી ઇચ્છાઓ અને અપેક્ષાઓ ઓછી રાખજો.અન્યના સુખ અને સંસાધનો જોઇને મનમાં લાલસા જાગવા દેતાં નહિ.સજાગ રહેજો કે ઈચ્છાઓનો ભાર આપણને જ કચડે છે, માટે સંતોષ રાખી આગળ વધજો.’ ગુરુજીની બંને સલાહ ગાંઠ બાંધી લીધા બાદ શિષ્યો તૈયાર થઇ ગયા ત્રીજી સલાહ સાંભળવા; ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, હવે વાત કરું ત્રીજી સલાહની.

ત્રીજી સલાહ છે તમારા જીવનમાં એક વસ્તુ છે, જે કયારેય બદલાશે નહિ.હંમેશા એકસરખી રહેશે અને તે છે વિધિનું વિધાન.આપણા જીવનમાં વિધાતાએ જે લખ્યું છે તે મુજબ જ થશે તે કયારેય બદલાવાનું નથી.કોઈ તેને બદલી શકવાનું નથી.માટે જીવનમાં જે થાય,જે મળે,જે છૂટી જાય,સારું થાય કે કંઇક ખરાબ થાય તે બધાનો જ સ્વીકાર કરી લેવો.વિધિના વિધાનની સામે લડવું અને તેને બદલવું શક્ય નથી એટલે સ્વીકાર અને સમર્પણ જ શ્રેષ્ઠ રસ્તો છે. ‘ઈશ્વર જે કરે તે સારા માટે જ કરે છે તેમ માની આગળ વધવું.’ ગુરુજીએ ત્રણ અણમોલ સલાહ શિષ્યોને આપી.

Most Popular

To Top