Feature Stories

આ ગણેશોત્સવમાં છવાશે ‘ગુજરાતમિત્ર’ વાંચતા ગણપતિ

જલ્દી જ હવે ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે. બીજા તહેવારોની જેમ સુરતીઓ રંગેચંગે આ ઉત્સવની ઉજવણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આમ તો દરવર્ષે અલગ-અલગ થીમ પર સુંદર અને આકર્ષક તથા સબસે હટકે ગણેશજીની પ્રતિમાઓ જોવા મળે છે. આ વખતે અડાજણના નીરવભાઇ કે જેમની સવાર જ ગુજરાતમિત્ર છાપાથી થાય છે. તેમણે પોતાનો ગુજરાતમિત્ર પ્રત્યેનો પ્રેમ ગણેશજીની પ્રતિમામાં પ્રગટ કર્યો છે. દેશ-દુનિયાના સમાચારો જાણવા માટે ગણેશજી ગુજરાતમિત્ર છાપું વાંચી રહ્યા છે તેવી થીમ પર ગણેશજીની પ્રતિમા બનાવી છે.

ગણેશજી પણ દેશ-દુનિયાના સમાચાર જાણવા ગુજરાતમિત્ર વાંચે છે
159 વર્ષથી સુરતીઓનો ભરોસો બનેલા ગુજરાતમિત્રની લોકપ્રિયતા આ વખતે ગણેશ ઉત્સવમાં પણ જોવા મળશે. અડાજણ વિસ્તારમાં રહેતા નીરવ ઓઝાએ ગુજારમિત્ર વાંચતા ગણેશજીની પ્રતિમા તૈયાર કરાવી છે. તેમણે જણાવ્યું કે તેમના ઘરે દાદા-દાદી ગોપીપુરામાં રહેતાં હતા ત્યારથી અત્યાર સુધી એટલેકે, લગભગ 50 વર્ષથી સુરત-દેશ-દુનિયાના સચોટ સમાચાર જાણવા માટે ગુજરાતમિત્ર મંગાવામાં આવે છે. તેમના પરિવારને ગુજરાતમિત્ર માટે લાગણી બંધાઈ ગઈ છે. તેમનો આ છાપા પ્રત્યેનો પ્રેમ આ વખતે ગણેશ પ્રતિમામાં છલકાયેલો દેખાઈ રહ્યો છે. ગણેશજીની માટીની પ્રતિમા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તેન ગામમાંથી લાવવામાં આવી છે. આ મૂર્તિમાં ગણેશજી ના હાથમાં ગુજરાતમિત્ર છાપું છે ગણેશજી આ છાપું વાંચી રહ્યા છે. મૂર્તિ દોઢ ફૂટની છે અને ગણેશજીના હાથમા નું ગુજરાતમિત્ર 5થી 6 ઇંચનું છે. આ છાપું 22 ઓગસ્ટ-2022નું એટલે કે 5 દિવસ પહેલાંનું છાપું છે. છાપું સ્કેનિંગ કર્યા બાદ કલર પ્રિન્ટ માઈક્રો સાઈઝમાં કરી છે. એ રીતે છાપું નાની સાઈઝનું બનાવ્યું છે. ગણેશજીની પ્રતિમાને ન્યુઝ પેપર જેવા રંગની સફેદ ધોતી અને ક્રીમ કલરનો કુર્તો પહેરાવવામાં આવ્યો છે. આ મૂર્તિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઝલક પણ જોવા મળે છે. જેઠાલાલના પિતા બાપુજીની જેમ જ આ પ્રતિમાને સફેદ કલરની ધોતી અને બાપુજી જેવી જ ગામઠી ટોપી પહેરાવવામાં આવી છે. આ મૂર્તિની થીમ એવી છે કે ન્યુઝ પેપરમાં થી શહેર, દેશ-દુનિયમાં શું ચાલી રહ્યું છે તેના સમાચાર જાણવા મળે છે.લોકોને છાપા તરફ વળવા માટે આ મૂર્તિ દ્વારા જાગૃતતાનો મેસેજ આપવામાં આવ્યો છે.

મારા ઘરે 50 વર્ષથી વંચાય છે ‘ગુજરાતમિત્ર’ : નીરવભાઇ


ઇલેક્ટ્રિક એન્જીનીયર નીરવભાઈએ જણાવ્યું કે મારા દાદા ચંદ્રવદન અને દાદી ચતુરાબેનને સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે ગુજરાતમિત્ર છાપું વાંચવા જોઈતું. મને પણ આ જ છાપું ગમે. સવારે ગુજરાતમિત્રના ફર્સ્ટ પેજ અને લાસ્ટ પેજ વંચાય છે બાદમાં દિવસમાં જ્યારે ફુરસદ હોય ત્યારે રાશી ભવિષ્ય અને પૂર્તિમાં સત્સંગ પૂર્તિ અચૂક વંચાય. આ ઉપરાંત દર્પણ પૂર્તિ અને સન્નારી તથા સિટી પ્લસ પૂર્તિ વાંચવામાં આવે છે. નીરવભાઇએ જણાવ્યું કે તેમને ક્રિએટીવીટી પ્રત્યે પહેલાથી જ લગાવ હતો અને તેમની સોસાયટીમાં ગણપતિની સજાવટનું કામ તેઓ જ કરતાં. આ રીતે એન્જીનીયર હોવા છતાં સજાવટના બિઝનેસમાં તેઓ આવી ગયા.

Most Popular

To Top