Gujarat

હવામાન વિભાગનું પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ: સમગ્ર રાજ્યને મેઘરાજાએ ઘમરોળ્યું છે. ભારે વરસાદના (Heavy Rain) કારણે અમદાવાદ (Ahmedabad) અને જૂનાગઢ (Junagadh) સહિત અનેક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે અમદાવાદ-જૂનાગઢમાં વરસાદ બંધ થતાં ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. ત્યારે રવિવારે પણ ઘણાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. રવિવારની વહેલી સવારથી જ ભાવનગર, રાજકોટ, ભરૂચ અને અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગે રેડએલર્ટ આપ્યું છે.

ભાવનગર, સુરત, જામનગર, સુરેન્દ્રનગર તેમજ અમરેલીમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. જ્યારે ધણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન ખોરવાયું છે. ખંભાળિયામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે 34 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્તા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા જેનાં કારણે  67 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. જિલ્લા કલેક્ટર સહિતનાં તમામ અધિકારીઓ NDRF અને SDRFની ટીમો સાથે રાહત-બચાવ કાર્યમાં જોડાયા છે. ફસાયેલા તમામ લોકોને રેસ્કયુ કરવામાં આવી રહ્યાં છે તેમજ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

શનિવારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા એરલાઈન્સનો સંપર્ક કરવાની મુસાફરોને સલાહ આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર ભારે પાણીનો ભરાવો થયો હતો અને લોકોને પાર્કિંગને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેનો વીડિયો પણ સામે આવ્યો છે. શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં પાણીનો ભરાવો થયો હતો જોકે હવે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે.

અમરેલીનાં લીલામાં અચાનક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. બજારની વચ્ચે નદી વહેતી જોવા મળી હતી.સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ બેકાબૂ મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે અકસ્માતની ભયાનક તસવીર સામે આવી છે.

Most Popular

To Top