Gujarat

ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી, એક વર્ષમાં ગુજરાતીઓએ આટલા કરોડ ગુમાવ્યા..

અમદાવાદ: ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટ (Online Payment) ટ્રાન્ઝેક્શનનું (Transaction) પ્રમાણ ખૂબ જ વધ્યું છે, તેની સાથે ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. ગુજરાતમાં છેલ્લાં 1 વર્ષના સાયબર ફ્રોડના (Cyber fraud)ચોંકાવનારા આંકડા તાજેતરમાં બહાર આવ્યા છે. જેમાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં (Gujarat) સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ રૂપિયા 7 કરોડથી વધુની રકમ ગુમાવી છે, જ્યારે પાછલાં ચાર વર્ષની વાત કરીએ તો આંકડો 28 કરોડ પર પહોંચ્યો છે. નોટબંધી બાદથી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. હવે લોકો એક ક્લિક પર બેન્કિંગ કરી રહ્યાં છે. લોકો બેન્કમાં ધક્કાં ખાવાનું લોકો હવે પસંદ કરતા નથી. પેમેન્ટ લેવું, પેમેન્ટ આપવું તમામ કામ લોકો ઘરે બેઠાં મોબાઈલની મદદથી કરવા લાગ્યા છે. કહેવાય છે કે સુવિધા જ તકલીફનું પણ કારણ બનતી હોય છે, તે જ પ્રમાણે ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડ નામનો રાક્ષસ હવે લોકોને સતાવી રહ્યો છે.

  • કુલ 2.49 લાખ સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ
  • 10 હજારથી વધુ માત્ર ગુજરાતીઓ જ છે
  • પેટીએમથી વર્ષ 2018-19માં 2.22 કરોડ રૂપિયા ગુમાવ્યા

નાનકડી ભૂલથી જીવનની મૂડી થઇ શકે સફાચટ
લોકો બેન્કમાં જઇ નાણાની લેવડ- દેવડમાં આળસ અનુભવતા હોય છે. તેમનો આ જ આળસ તેમના જીવનની ભેગી કરેલી સમગ્ર મૂડી પર ભારે પડે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં માત્ર આંખના પલકારા જેટલા સમયમાં તમે વર્ષોની મહેનત ગુમાવી શકો છો. આ તમામ સંજોગોમાં સાવધાની રાખવી ખૂબ જ આવશ્યક બની જાય છે. નાણાની અદ્યતન સાયબર ટેક્નોલોજીથી લાભ તો થાય જ છે પરંતુ તેમાં તમારી એક નાનકડી ભૂલથી એકઠી કરેલ મૂડી ગણતરીની મિનિટમાં સફાચટ થઇ શકે છે. જો કે તેમાં કોઇ શક નથી કે સાયબર ટેક્નોલોજીથી નાણાકીય લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઇ છે. હવે બેંકમાં કે કોઇ વ્યક્તિને રૂબરૂ મળી નાણા આપવા જવું પડે તેવું ઓછું બને છે. હાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી મોબાઇલ એપ્લિકેશન્સથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સરળ બન્યુ છે. આ સમયગાળામાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડથી વર્ષ 2018-19માં 3477 ઘટનામાં 2.22 કરોડ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા.

લોકસભામાં ઘટનાઓની લિસ્ટ જાહેર કરાઇ
લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી ઘટનાઓની માહિતી પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ હતી. તેમજ આ બંને વર્ષોમાં માત્ર ગુજરાતીઓએ નાણાકીય બાબતે 8.76 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા. જો કે કોરોના કાળમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધ્યો છે. દેશમાં આ ક્રેઝ વધવાની સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ કુલ 10,881થી વધુ સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં વર્ષ 2020-21માં સાયયબર ફ્રોડની 4746 ઘટનામાં 12.37 કરોડ રૂપિયા જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીના સમયગાળામાં 2281 ઘટનામાં 6.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

એક OTPથી બની શકો છો સાયબર ફ્રોડનો ભોગ
આજકાલ એક કોલ માત્રથી તમારી સાથે ફ્રોડ થઇ શકે છે. આપણે જેટલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની માહિતી રાખીએ છીએ તેટલુ જ તેના વિશે થતી ગેરરીતિથી પણ વાકેફ હોવું જોઇએ. કોઇ પણ અજાણ વ્યક્તિ તમારા બેન્કની ડિટેલ્સ તથા ઓટીપી માંગે તો તે અંગે સાવચેતી રાખવી જોઇએ. સમગ્ર દેશમાં આ સમયગાળામાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. જેમાં લોકસભાના સત્રમાં આપવામાં આવેલી વિગતો અનુસાર કુલ 2.49 લાખ ઘટના નોંધાઇ છે. જ્યારે 789.11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ ચૂકી છે. તેનુ મુખ્ય કારણ એ છે કે અજ્ઞાત વ્યક્તિને ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર-પાસવર્ડ, ઓટીપી આપવાથી જ મોટાભાગની સાયબર ફ્રોડની ઘટનાઓ થતી હોય છે. લોકો ગણતરીની મિનિટમાં બેંકમાં કરેલી બચત ગુમાવી દે છે. અજ્ઞાત વ્યક્તિનો ઓટીપી માટે ફોન આવતા અનેક લોકો તે આપી દે છે જે સૌથી મોટી ભૂલ હોય છે.

Most Popular

To Top