Gujarat Election - 2022

મોદીનો અમદાવાદમાં 32 કિ.મી.નો રોડ શો, લોકો ઉમટી પડ્યા

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની (Gujarat) મુલાકાત દરમ્યાન બીજા તબક્કાની 93 બેઠકો માટે કાલોલ , બોડેલી – છોટા ઉદેપુર અને હિંમતનગર ખાતે ત્રણ સભાઓ ગજવી હતી.તે પછી તેઓ સીધા અમદાવાદ (Ahmedabad) આવી પહોચ્યા હતા. અહીં પીએમ મોદીએ અમદાવાદમા નરોડા ગામ ખાતેથી ચાંદખેડા આઈઓસી રોડ સુધીનો 38 કિમી લાંબો મેગા રોડ શો યોજયો હતો. જેમા અમદાવાદ શહેરની લગભગ બધી જ બેઠકોને આવરી લીધી હતી. પીએમ મોદીને જોવા માટે રોડ શો દરમ્યાન લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. માર્ગ પર ‘મોદી મોદી’ ના નારા લાગ્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ રોડની બન્ને બાજુએ ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યુંહતું.

નરોડાથી ચાંદખેડા સુધી હાઇવે પર ઠેર ઠેર પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. નરોડા ગામમાં પીએમ મોદીના રોડ શૉ જોવા રસ્તા પર દુકાન, ઓફીસ, કોમ્પલેક્ષ બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કાફલો પસાર થયા બાદ મોદીની પાછળ પણ દોડતા લોકો જોવા મળ્યા હતા.માર્ગમાંએક સ્થાને એમ્બ્યૂલન્સ વચ્ચે આવી જતાં પીએમ મોદીના સલામતી રક્ષકોએ એમ્બયૂલન્સને જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો.

પીએમ મોદી જીપકારમાં ઊભેલા હતા.તેમની સાથે એસપીજીનો કાફલો હતો. આ ઉપરાંત સમગ્ર રૂટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ પણ સલામતી વ્યવસ્થામાં જોડાયા હતા. જયારે કેટલાંક સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરાયા હતા. જયારે સમગ્ર રૂટ પર 10 હજાર કરતાં વધુ પોલીસનો કાફલો સલામતી વ્યવસ્થા ગોઠવાયો હતો. પીએમ મોદીએ ત્રણ સ્થાનો પર રોકાઈને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં શ્યામ શિકર ચાર રસ્તા પાસે સરદાર પટેલની પ્રતિમાને, અનુપમ બ્રિજ પાસે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને તથા સુભાષ બ્રિજ ચાર રસ્તા-આરટીઓ સર્કલ પાસે નેતાજી સુભાષચંન્દ્ર બોજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ રોડ શો દરમ્યાન મોદીએ યુવા તેમજ મહિલા મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકિય જાણકારોના કહેવા મુજબ અમદાવાદમાં અષાઢી બ્રિજની જમાલપુર જગન્નાથજી મંદિરની રથયાત્રા કરતાં પણ આ રોડ શો સોથી લાંબો મેગા રોડ શો મનાય છે. જ્યાં તેઓ ઓપન જીપમાં સવાર થઈ રોડ શો કરી રહ્યા છે.

Most Popular

To Top