Gujarat

કોંગ્રેસવાળાઓએ હવે મને ગાળો ભાંડવાનો કોન્ટ્રાકટ બીજાને આપ્યો છે : મોદી

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગુજરાતના (Gujarat) ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવા ઉપરાંત રાજકીય વિરોધીઓ પર પણ પ્રહાર કરવાની તક પણ જતી કરી નથી. ગઈકાલે ભરુચમાં (Bharuch) તેમણે અર્બન નકસલી ગુજરાતમાં નવા વાઘા ધારણ કરીને પગપેસારો કરી રહ્યાં છે તેમ કહીને આડકતરી રીતે આપ પર પ્રહાર કર્યા હતાં.

આજે રાજકોટ (Rajkot) નજીક જામકંડોરણા ખાતે જનરેલીમાં પણ પીએમ મોદીએ આપનું નામ લીધા વગર કોંગ્રેસ (Congress) તથા આપ (AAP) પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ મને ગાળો ભાંડવાનો કોન્ટ્રાકટ આઉટ સોર્સિંગથી બીજાને આપ્યો છે. પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરો તથા ગુજરાતની પ્રજાને સાવધાન રહેવા જણાવ્યુ હતું. ગઈકાલે આપના ગોપાલ ઈટાલીયા પીએમ મોદી માટે અપમાનજનક શબ્દો બોલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પગલે મોદીએ આપનું નામ લીધા વગર તેને વળતો જવાબ આપ્યો છે. જામકંડોરણામાં પીએમ મોદી સભા સ્થળે પહોંચતા પહેલા કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને રોડ શો યોજાયો હતો.

પીએમ મોદીએ જામકંડોરણાની સભામાં કહ્યું હતું કે હું દિલ્હીમાં બેઠો છું એટલે મને વધારે દૂરનું દેખાય છે. દિલ્હીમાંથી ગુજરાત માટે કેવા કેવા ખેલ ચાલે છે તેની પણ મને ખબર પડે છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા. ભૂતકાળની ચૂંટણી તમે જોઈ હશે. તે લોકો ગુજરાતના હિતોની વિરુદ્ધમાં એડીચોટીનું જોર લગાવતા રહ્યા છે. પાછલા 20 વર્ષ મને પણ હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. ગુજરાતને પણ બદનામ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. પરંતુ સોનાની જેમ તપીને સ્વર્ણની જેમ ગુજરાત આજે બહાર નીકળ્યું છે.

કોંગ્રેસની નવી ચાલ ઓળખી લેજો
મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરાતં કહ્યું હતું કે, વોટ માટે કેવા કેવા ખેલ ચાલતા હતા તેની કોઈ સીમા નહોતી. તેમના બધા ખેલ નકામા ગયા. બધી ચૂંટણીમાં મારા માટે એવા શબ્દો વપરાય. કશું બાકી ન રાખ્યું હોય. ગુજરાત દાંત ભીડી કચકચાવીને જવાબ આપે તોય સુધરતા નહોતા. આ વખતે તેમણે નવી ચાલ શરૂ કરી છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતી અને કરે તોય મોદી પર રાજકીય હુમલો નથી કરતી, અપશબ્દોનો ઉપયોગ કરતી નથી. એક સમયે મને મોતનો સોદાગર પણ કહ્યો હતો. કોંગ્રેસે એક નવી ચાલાકી કરી છે, બોલવું નહીં, હોબાળા કરવા નહીં અને ચૂપચાપ ખાટલા બેઠક કરવી, ગામડે ગામડે પોતાના લોકોને પહોંચાડી દેવા. હવે કોંગ્રેસે મને ગાળો ભાંડવાનો કોન્ટ્રાકટ આઉટ સોર્સિંગથી બીજાને આપી દીધો છે. કોંગ્રેસ તથા તેના મળતિયાઓની ચાલાકી સમજી લેજો.

રંગ રાખ્યો આજે કાઠિયાવાડે
જામકંડોરણાની સભામાં મહિલાઓએ મોદી પર પુષ્પવર્ષા કરી હતી. મહિલાઓ દ્વારા ‘મોદીજી તમે ભલે પધાર્યા’ ગીત ગાવામાં આવ્યુ હતું. હું પહેલો પ્રધાનમંત્રી છું, જે જામકંડોરણા આવ્યો છું. જામકંડોરણામાં પહેલા ક્યારેય આવુ દ્રશ્ય જોવા મળ્યું નહીં હોય. આજે દેશના બે મહાન મહાપુરુષોની જયંતી છે. જે કામ જયપ્રકાશ નારાયણના અધૂરુ મૂકીને ગયા, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું કામ આપણે કરવાનું છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું અમે બીડુ ઉપાડ્યું છે. સરકારના વડા તરીકે મેં ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું. તેના 21 વર્ષ પૂરા થયા છે. તેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી.

રાજકોટે મને આર્શીવાદ આપીને મોકલ્યો હતો. મારું સૌભાગ્ય છે કે, અહીં પ્રવેશતા જ મને કરસનબાપાના આર્શીવાદ મળ્યાં છે. આ ભૂમિ જલારામ બાપાની ભૂમિ છે. ખોડિયાર માતાના આર્શીવાદ છે. આજે અનેક સાથીઓને મળવાનું થયું. મહિનાઓ, વર્ષો વીત્યા પણ ગુજરાતના આયોજન નવા શિખરો સર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં, નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં, પરંતુ તમારી દિવસરાતની મહેનત છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે તેના માટે કચ્છ, કાઠિયાવાડ અને રાજકોટની ઘરતીને નમન કરું છું. ગુજરાતની આશા, અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો છે અને આદેશ માટે જાત ખપાવી દેવાનો અમારો પ્રયત્ન છે. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કરી છે.

કોંગ્રેસની જમાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતી નથી
સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે,’ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની અમારી કાર્યવાહી સામે એક ટોળું કાગારોળ મચાવે છે’. ભારત સરકારની સંસ્થાઓને આ ટોળું બદનામ કરે છે. તમારા પર જે આરોપ લાગ્યો છે તેનો જવાબ આપો. વડાપ્રધાને કહ્યું હતું કે તમે દેશની પ્રજાનું જે લૂંટ્યું છે તે તમારે પરત આપવું પડશે. જે તમે લૂંટયું છે તે પાછું જનતાને આપવું જોઈએ કે નહીં ? પહેલા રોજગાર માટે વલખા મારતુ હતું ગુજરાત, આજની સરકારે પરિસ્થિતિ બદલી અભાવનો પ્રભાવ ન પડે તે માટે પ્રયાસ કર્યો. ખેડૂત ભાઇઓ વરસાદ મોડો આવે કે ઓછો પડે તો તેમની આખી મહેનત પાણીમાં જતી.

વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી, હુલ્લડોની ભરમાર રહેતી. પહેલા ગુજરાતના લોકો ભય અને આતંકના વાતાવરણમાં જીવતા. આજે કોરોના કાળના બે વર્ષ પછી નવરાત્રિમાં દાંડિયાની રમઝટ ગુજરાતીઓએ બોલાવી છે. એક સમયે ગુજરાતના લોકો પ્રવાસે બહાર ફરવા જતા હતા, હવે ચક્ર બદલાયું અને વિશ્વના કેટલાયે દેશોના રાજદૂતો ગુજરાતમાં આવ્યા અને ગરબા પણ રમ્યા છે. ગુજરાતના ગરબાની રમઝટ આખી દુનિયામાં જોવા મળી છે. સ્ટેય્યુ ઓફ યુનિટી જોવા આખી દુનિયા આવી રહી છે ત્યારે એક જમાત હજુ સુધી ત્યાં ગઈ નથી. ખબર નહીં, તેમને શું તકલીફ છે. કોંગ્રેસવાળાઓને પૂછજો કે, તમે સરદારના સ્ટેચ્યુને જોવા ગયા કે નહીં.

આજે ગુજરાત શિક્ષણનું હબ બન્યુ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાત અને વિકાસને અતુટ નાતો છે.ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. આજે ગુજરાતની ઓળખ એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત. વિકાસ અને ગુજરાતનો એક અલગ સબંધ બન્યો છે. આજે કોઇ પણ સેકટરમાં આંકડાથી સમજી શકો કે આપણા ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે. ગુજરાત આજે ક્ષિક્ષણનું હબ બન્યુ છે. અન્ય રાજયોના વિદ્યાર્થીઓ હવે ભણવા માટે ગુજરાતની પસંદગી કરે છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 26 એન્જિનિયરિંગની કોલેજો હતી અને આજે 130 એન્જિનિયરિંગ કોલેજ છે.

20 વર્ષ પહેલા ગુજરાતમાં 9 M.C.A કોલેજ હતી આજે 65 કોલેજો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 300 ITI હતી આજે 600 છે. 20 વર્ષ પહેલા માત્ર 30 M.B.A કોલેજ હતી આજે 100 કોલેજ છે. 20 વર્ષ પહેલા 13 ફાર્મસી કોલેજ હતી આજે 75 કોલેજ છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી આજે 100 યુનિવર્સિટી. 20 વર્ષ પહેલા 800 કોલેજ હતી આજે 3 હજાર કોલેજ છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ છે. હવે માતૃભાષામાં એન્જિનિયરિંગ શરૂ કરાવ્યું. 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આજે દેશમાં નહીં દુનિયામાં પણ નામના મેળવી રહ્યા છે. રાજકોટ ગુજરાતના વિકાસમાં ચમકતા તારા જેવુ છે. વિશેષ રુપે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, 85 હજાર MEME, 150થી વધુ ઉદ્યોગો, ઓટોમોબાઇલ સ્પેરપાર્ટસ, ફર્નિચર ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. ઓટોહબ સહિતના ક્ષેત્રમાં ગુજરાત નવા શિખરો સર કરી રહ્યું છે. રાજકોટને વિશ્વ સાથે જોડવા આંતરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાયું. હવે લોકો રાજકોટથી ગમે ત્યારે સુરત જઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે આજે ગુજરાતને આધુનિક અને મલ્ટિમોડલ ઇન્ફાસ્ટ્રકચરનો લાભ મળી રહ્યો છે. આજે ગુજરાતની ઓળખ ફોર લેન, સીકસ લેન, આઠ લેન નો હાઇવેની ઓળબ બન્યું છે. અમારા રાજકોટ, મોરબી, જામનગરના ભાઇઓ નાના કારખાના ચલાવવાનું શરૂ કરો આજે તમે ગાડીઓના સ્પેર પાર્ટ બનાવો છો એ દિવસ દૂર નહીં હોય તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ બનાવવાનો ઓર્ડર આવે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે સુશાસન પર ધ્યાન આપ્યું છે. કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. પહેલા ગુજરાતમાં છાશ વારે કરફ્યુ થતાં. બેટ દ્વારકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દૂર કર્યુ છે.

Most Popular

To Top