Gujarat

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી યથાવત, નવા 2220 કેસ નોંધાયા

અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં દિવસે દિવસે કોરોના પોતાનો પકડ મજબુત કરી રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. ત્યારે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં છે તે આગામી તા. 15 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં આજે નવા 2220 કેસ (Case) નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 4, અને વડોદરામાં એક મળી વધુ 10 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4510 થયો છે. આજે 1988 દર્દીઓ સાજા (Recover) થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 94.51 ટકા પર આવ્યો છે.

સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂનો અમલ લંબાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા આજે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ આગામી 15મી એપ્રિલ સુધી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગેની વિગતો આપી છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 606, સુરત મનપામાં 563, વડોદરા મનપામાં 209, રાજકોટ મનપામાં 164, ભાવનગર મનપામાં 38, ગાંધીનગર મનપામાં 26, જામનગર મનપામાં 27 અને જૂનાગઢ મનપામાં 5 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,236 વેન્ટિલેટર ઉપર 147 અને 12,116 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે 1,93,968 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 47,45,494 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,43,855 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ કુલ 53,89,349 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 11,107 વ્યકિતઓનું રસીકરણ કરાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રાસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

IIMમાં 70 પોઝીટીવ- જીટીયુના વાઇસ ચાન્સેલર સહિત દસ કર્મચારીઓ પોઝિટિવ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. અમદાવાદના શૈક્ષણિક ઇન્સ્ટિટયૂટ આઇઆઇએમમાં અને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીમાં કોરોનાએ માઝા મૂકી છે. જેના પગલે શૈક્ષણિક આલમમાં સહિત સમગ્ર અમદાવાદમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર, કર્મચારીઓ સહિત 70થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. બે-ત્રણ દિવસ પહેલા આઈઆઈટીમાં 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા.

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, અને સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ અસરકારક હોવાનું તબીબી આલમના સુત્રો જણાવી રહ્યા છે. અમદાવાદના આઇ.આઇ.એમમાં 70 જેટલા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના પગલે કેમ્પસને બંધ કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર, કર્મચારીઓ સહિત 70થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જીટીયુના કુલપતિ નવીન શેઠ હાલમાં હોમ કોરેન્ટાઈન થયા છે, ત્યાં રજીસ્ટાર કે.એન. ખેર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફના 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં જીટીયુમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top