Gujarat

આ મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે, સી.આર. પાટીલે આપ્યા સંકેત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા અપડેટ જાણવા મળ્યા છે. આ વખતે ચૂંટણી ગત વખત કરતા 15 દિવસ વહેલી યોજાઈ તેવી શક્યતા છે. આ વખતે ડિસેમ્બરના બદલે નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આણંદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવનાના પગલે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો હતો. પાટીલે કહ્યું કે, આ વખતે ચૂંટણી 12 દિવસ વહેલી યોજાય તેવી શક્યતા છે. 2017ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી અને હવે મારો અંદાજ છે કે નવેમ્બરમાં ચૂંટણી થશે.

તમને જણાવી દઈએ કે આજે પહેલાં નોરતે સોમવારના દિવસે ગુજરાતના આણંદમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ભારતમાતા સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાયની મૂર્તિનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 3.50 કરોડના ખર્ચે બનાવાયેલા શ્રી કમલમનું ઉદ્દઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોને સંબોધતી વખતે સી આર પાટીલે ચૂંટણી વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.

અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં આગામી નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી 10 થી 12 દિવસ વહેલી યોજાઈ તેવી શક્યતા છે. જો કે સી.આર. પાટીલે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી કઇ તારીખે થશે તે હું કઈ કહી શક્તો નથી. પરંતું તે નવેમ્બરમાં થાય તેવું મને લાગે છે. સી.આર. પાટીલે આ સાથે જ ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે હોવાની ટીપ્પણી કરી હતી. જે આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર કરી હતી. આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું હતું કે, દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે. 

સી.આર. પાટીલની જાહેરાતને પગલે વિવાદ
દરમિયાન રાજકીય પક્ષો અને તંત્ર સાથે ચૂંટણી પંચ બેઠક કરે તે પહેલાં જ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા નવેમ્બરના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થશે અને ડિસેમ્બરમાં નવી સરકાર કામકાજ શરૂ કરશે તેવી જાહેર કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. સામાન્ય રીતે ચૂંટણી શિડ્યૂલ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાતું હોય છે. અતિ આત્મવિશ્વાસમાં પાટીલે કરેલી જાહેરાતના પગલે વિવાદ ખડો થયો છે.

Most Popular

To Top