National

સતત ત્રીજા મહિને GST વસૂલાત રૂ. 1.5 લાખ કરોડને પાર

નવી દિલ્હી: જીએસટીની (GST) વસૂલાત સતત ત્રીજા મહિને રૂ. ૧.૫૦ લાખ કરોડને વટાવી ગઇ છે, જેણે મે મહિનામાં ૧૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો એ મુજબ આજે જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ જણાવ્યું હતું.

આ વસૂલાતો તમામ રાજ્યોમાં ગયા વર્ષથી જોવા મળી રહેલ સારો આર્થિક દેખાવ ચાલુ રહ્યો હોવાનું પ્રતિબિંબ પાડે છે. મે મહિનામાં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ની આવક રૂ. ૧પ૭૦૯૦ કરોડ થઇ છે જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૨૮૪૧૧ કરોડ છે જયારે સ્ટેટ જીએસટી રૂ. ૩૫૮૨૮ કરોડ છે. એકત્રિત જીએસટી રૂ. ૮૧૩૬૩ કરોડ છે (જેમાં આયાતી સામાન પર વસૂલાયેલ રૂ. ૪૧૭૭૨ કરોડનો સમાવેશ થાય છે) અને સેસ રૂ. ૧૧૪૮૯ કરોડ છે(જેમાં આયાતી સામાન પર વસૂલાયેલ રૂ. ૧૦૫૭ કરોડ સમાવિષ્ટ) એમ નાણા મંત્રાલયના એક નિવેદને આજે જણાવ્યું હતું. મે ૨૦૨૩માં થયેલી આવક ગયા વર્ષના આ જ મહિનામાં જીએસટીની થયેલી આવક કરતા ૧૨ ટકા વધારે છે એમ પણ મંત્રાલયે જણાવ્યું હતું.

મે મહિનો એ સતત ત્રીજો મહિનો છે કે જયારે વેચાયેલા સામાન અને અપાયેલી સેવાઓ પરનો આ વેરો દેશમાં રૂ. ૧.પ૦ લાખ કરોડનો આંકડો વટાવી ગયો છે. હાલમાં પુરો થયેલો મે મહિનો એ સતત ૧૪મો મહિનો છે કે જ્યારે જીએસટીની માસિક આવક રૂ. ૧.૪૦ લાખ કરોડ કરતા વધુ થઇ હોય અને ૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ જયારે જીએસટીનું અમલીકરણ થયું ત્યારથી પાંચમી વખત જીએસટીની વસૂલાત રૂ. ૧.પ૦ લાખ કરોડ કરતા વધુ થઇ છે. એપ્રિલમાં જીએસટીની આવક રૂ. ૧.૮૭ કરોડની વિક્રમી ઉંચાઇએ પહોંચી હતી જ્યારે માર્ચમાં જીએસટીની આવક રૂ. ૧.૬૦ લાખ કરોડ થઇ હતી.

Most Popular

To Top