National

ગોરખનાથ મંદિર હુમલા કેસના દોષિત અહેમદ મુર્તઝાને ફાંસીની સજા

ગોરખપુરઃ (Gorakhpur) ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર (Gorakhnath Temple) હુમલા કેસમાં દોષિત અહેમદ મુર્તઝાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સોમવારે આ કેસમાં એટીએસ-એનઆઈએ (ATS-NIA) કોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. તાજેતરમાં જ મુર્તઝાને દેશ વિરુદ્ધ યુદ્ધ અને ખૂની હુમલાના આરોપમાં કોર્ટે (Court) દોષિત ઠેરવ્યો હતો. સોમવારે મુર્તઝાને સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATS-ANIની કોર્ટે મુર્તઝાને ફાંસીની સજા સંભળાવી છે.

ગોરખનાથ મંદિરમાં કર્યો હતો જીવલેણ હુમલો
મુર્તઝાએ ગોરખનાથ મંદિરમાં ઘૂસીને સુરક્ષાકર્મીઓ પર ઘાતક હુમલો કર્યો હતો. 4 એપ્રિલે ગોરખનાથ ચોકીના ચીફ કોન્સ્ટેબલ વિનય કુમાર મિશ્રાએ મુર્તઝા વિરુદ્ધ રિપોર્ટ લખ્યો હતો. તેઓ મંદિરના ગેટ નંબર એકના સુરક્ષા પ્રભારી હતા. મુર્તઝાએ પીએસી કોન્સ્ટેબલ અનિલ કુમાર પાસવાન પર હુમલો કર્યો અને તેમની પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો. જ્યારે અન્ય સુરક્ષાકર્મીઓ બચાવમાં આવ્યા ત્યારે મુર્તઝાએ તેમના પર પણ હુમલો કર્યો. આ પછી તેણે હથિયાર લહેરાવતા ધાર્મિક નારા લગાવવાનું શરૂ કર્યું. પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી હથિયાર, લેપટોપ અને ઉર્દૂમાં લખેલી સામગ્રી મળી આવી હતી.

ડેપ્યુટી એસપી સંજય વર્માએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ATSએ આ કેસમાં 25 એપ્રિલ 2022ના રોજ અહેમદ મુર્તઝાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો અને પોલીસ કસ્ટડી લીધા બાદ રિમાન્ડ પણ મેળવ્યા હતા. સરકારી ખર્ચે મુર્તઝા માટે વકીલ રોકાયેલા હતા. 27 સાક્ષીઓને રજૂ કર્યા પછી ATS-NIA કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચી અને સોમવારે દોષિત મુર્તઝાને ફાંસીની સજાની જાહેરાત કરી. આ પહેલા શનિવારે એનઆઈએ-એટીએસ કોર્ટે અહેમદ મુર્તઝાને દોષિત જાહેર કર્યો હતો.

Most Popular

To Top