Columns

ગાય અને હિન્દી ભાષાની સેવા અને રક્ષા માટે બહારના સેવકો અને રક્ષકોની કેમ જરૂર પડે છે?

હિન્દી ભાષાના કોઈ દુશ્મનો હોય તો એ હિન્દી હઠાગ્રહીઓ છે. હિન્દી હઠાગ્રહીઓ બે પ્રકારના છે. એક એ છે જેઓ શાસ્ત્રશુદ્ધ હિન્દીનો આગ્રહ સેવે છે અને બીજા એ છે જેને અંગત જીવનમાં હિન્દી ભાષા સાથે કોઈ લેવાદેવા નથી, પોતે હિન્દી જાણતા નથી, બોલતા નથી, સંતાનોને હિન્દી ભાષામાં ભણાવતા નથી; પણ આગ્રહપૂર્વક કહેશે કે દેશની એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ અને તે હિન્દી જ હોઈ શકે. આ બન્ને પ્રકારના હઠાગ્રહીઓએ હિન્દી ભાષાની કુસેવા કરી છે. એમાં વળી પહેલા પ્રકારના કેટલાક હિન્દી હઠાગ્રહીઓ તો પોતાને આજકાલ હિન્દીસેવી કે હિન્દીરક્ષક તરીકે ઓળખાવે છે. હિન્દી એક એવી ભાષા છે જેને સેવકોની જરૂર પડે છે. સાધારણપણે સેવાની જરૂર એને પડતી હોય છે જે અશક્ત હોય. હકીકત તો એ છે કે કહેવાતા હિન્દીસેવી હિન્દીજીવી છે. તેમનો ગુજારો હિન્દી થકી ચાલે છે.

ઉદાહરણ આપવું હોય તો ગોસેવકો અને ગોરક્ષકોનું આપી શકાય. ભારતમાં મુસલમાનોની વસ્તીને કારણે માત્ર અને માત્ર ગાય એટલી લાચાર છે કે તેની રક્ષા અને સેવા કરવી પડે એમ છે. બીજા પશુઓની સેવા કે રક્ષા કરવાની જરૂર નથી, માત્ર ગાયની સેવા અને રક્ષા કરવી પડે એમ છે. આ વિચિત્ર વાત નથી? બીજા કોઈ પશુની સેવા અને રક્ષા કરવી નથી પડતી અને એકલી ગાયની જ કેમ રક્ષા કરવી પડે છે? હકીકતમાં પોતાની જાતને કોઈક જગ્યાએ જોતરવા માટે અને એ દ્વારા હિત સાધવા માટે ગાય એક સાધન છે. રમત બહુ સરળ છે. ગાય હોય કે ભાષા, પહેલા એને આદરણીય બનાવો, રાષ્ટ્રીય અને ધાર્મિક ઓળખ એના ઉપર આરોપો, એને રાષ્ટ્રીય-પ્રજાકીય વજૂદનો હિસ્સો બનાવો અને પછી? પછી એને નિરાધાર લાચાર અબળા બનાવો. વળી દુશ્મનો તો હોવા જ જોઈએ એટલે તેનાં દુશ્મનો ઓળખી કાઢો અને જરૂર પડે તો પેદા કરો. અને એ પછી? એ પછી દેખીતી રીતે એ લાચાર નિરાધાર દુશ્મનગ્રસ્ત અબળાને સેવકોની અને રક્ષકોની જરૂર પડશે.

આમ હિન્દી ભાષાની હાલત આ દેશમાં ગાય જેવી છે. ગાયની માફક જ ભારતની બીજી કોઈ ભાષાને રક્ષકો અને સેવકોની જરૂર પડતી નથી, માત્ર હિન્દીને જ પડે છે. જ્યાં કોઈ પ્રયાસના પાયામાં લઘુતાગ્રંથિ હોય ત્યાં કોઈ ભવ્ય નિર્માણ થઈ શકે ખરું? છાતી કુટનારા રોતલાઓ શું સેવા કરવાના અને શું રક્ષા કરવાના! ગાય અને હિન્દી ભાષા સદૈવ દયાજનક અવસ્થામાં રહે એમાં તેમનો સ્વાર્થ છે કે જેથી તેને સેવકોની અને રક્ષકોની જરૂર પડે. હિન્દીસેવકો અને હિન્દીરક્ષકો તેમના તત્સમ શબ્દોના હઠાગ્રહને પરિણામે હિન્દીને પ્રજાથી દૂર લઈ ગયા છે તે ત્યાં સુધી કે હિન્દી પ્રદેશના હિન્દી બોલનારા લોકો પણ હવે હિન્દસેવકો/રક્ષકોની હિન્દીથી દૂર જઈ રહ્યા છે.

આ સેવકો/રક્ષકો દૈશ્ય (અવધી, મગધી, મૈથિલી, વ્રજ જેવી દેશી ભાષાઓમાંથી આવેલા) શબ્દોને પણ નકારી રહ્યા છે. તેઓ કહે છે કે નથી જોઈતી આવી ઝનૂનીઓની ફેકટરીઓમાં નિર્માણ પામેલી હિન્દી જે કૃત્રિમ છે અને એમાં અમને પોતીકાપણું લાગતું જ નથી. શા માટે હિન્દીસેવકો/રક્ષકો આવું કરી રહ્યા છે એ પ્રશ્ન અસ્થાને છે. પોતાને વ્યસ્ત રાખવા માટે વાડાઓ અને દીવાલો બાંધતી રહેવી જોઈએ. ટૂંકમાં ગોસેવા/રક્ષા અને હિન્દીસેવા/રક્ષા શુદ્ધ રાજકારણ છે અને પેટકારણ છે. તેના દ્વારા રાજપાટ મળે અને પેટ ભરાય.

બીજા પ્રકારના હઠાગ્રહીઓ બેગાનો કી શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવા છે. તેમને હિન્દી કે ગાય કોઈ સાથે અંગત જીવનમાં લેવાદેવા નથી, તેના વિષે કાંઈ જાણતા નથી, જાણવાની તસ્દી લેતા નથી, અંગત ઘસરકો ન થાય તેની પૂરી તકેદારી રાખે છે, પણ બસ તેની રક્ષા થવી જોઈએ. એલા ભાઈ સાચી રક્ષા તો ત્યારે થશે જ્યારે તું તેને તારા અંગત જીવનમાં સ્થાન આપીશ. જે કોઈ ચીજ તમારા અંગત જીવનનો હિસ્સો છે તેની રક્ષા અને સેવા તમે ખુદ કરો છો કે નહીં?  તમે માબાપની સેવા કરો છો કારણ કે એ તમારાં પોતાનાં છે અને તમે (જો દીર્ઘદૃષ્ટિ ધરાવતા હો તો) નોકરના હિતની રક્ષા કરો છો કારણ કે તેના હિતમાં તમારું વ્યાપક હિત જોડાયેલું છે. તો કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં અંગત જીવન અને તેનો સ્વાર્થ આવે છે ત્યાં સેવા અને રક્ષા બન્ને તમે પોતે કરી લો છો. એમાં તો તમને બહારના રક્ષકો અને સેવકોની જરૂર પડતી નથી.

તો પછી ગાય અને હિન્દી ભાષાની સેવા અને રક્ષા માટે બહારના સેવકો અને રક્ષકોની કેમ જરૂર પડે છે? કારણ એ બન્ને સાથે તેમને કોઈ લેવાદેવા નથી, કોઈ પ્રકારની સાચી નિસ્બત નથી. જ્યાં પોતીકાપણું ન હોય, જ્યાં સાચો પ્રેમ ન હોય, જ્યાં સ્વાર્થનો સંબંધ ન હોય, જેની સાથે ભવિષ્ય જોડાયેલું ન હોય તેમાં માણસ પોતે જોતરાતો નથી. તમારી પોતાની જિંદગીની પ્રાથમિકતાઓ ઉપર નજર કરી જુઓ. પણ હા, ખુદ જોતારાયા વિના અને પોતાના દ્વારા અપનાવ્યા વિના જો કોઈ પોતાને ગમતી ચીજ બચાવી આપતું હોય તો એવા રક્ષકો અને સેવકોને તેઓ મદદ કરવા તૈયાર છે. ગાય અને હિન્દી ભાષાનો અંગત જીવનમાં કોઈ ખપ નથી (જો ખપ હોત તો સેવા અને રક્ષા ખુદ કરત) પણ એ ગમે છે એટલે રક્ષકો અને સેવકોને તેઓ મદદ કરે છે. તો ટૂંકમાં આ દેશમાં ગાય અને હિન્દી ભાષા પ્રેમ વિનાના પ્રેમીઓ અને પ્રેમના દેખાડાનો ધંધો કરનારા સેવકો/રક્ષકોનો શિકાર બની ગયાં છે.

Most Popular

To Top