Columns

PM in Europe: ભારત માત્ર USA, જાપાન કે ઑસ્ટ્રેલિયા સાથે જ દોસ્તી રાખવા નથી માગતોનો સંદેશો પહોંચાડતી યાત્રા

આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે. જો કે ભારત પહોંચીને તરત જ કામે ચઢી જવાના હતા એવા રિપોર્ટસ પણ હતા કારણ કે ગરમી અને વરસાદને લગતી કામગીરીની બેઠકો યોજાવાની હતી. આપણે વાત કરવાની છે તેમના યુરોપના પ્રવાસની મહત્તા અને કારણો અંગે જેમાં સ્વાભાવિક રીતે જ યુદ્ધમાં સપડાયેલા યુરોપનો મુદ્દો પણ હોય.  જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ – આ ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે ગયેલા વડા પ્રધાનનો આ વર્ષનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો.

65 કલાકની આ મુસાફરીમાં વડા પ્રધાને યુરોપિયન નેતાઓ સાથે લગભગ 25 જેટલી બેઠક કરી. યુરોપીય નેતાઓ પણ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે જેની પૃષ્ઠભૂમિમાં આ યુરોપનો પ્રવાસ નિયત કરાયો. યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેલ લેયન પણ આ પ્રવાસમાં સામેલ હતા. તેમણે જ રશિયાના આક્રમક વલણ સામે મોરચો ઘડવાની વાત મૂકી હતી. ભારતે તેમની વાત શાંતિથી સાંભળી પણ ખરી. મોદીએ રશિયન પક્ષના આકલન માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની આગેવાની પણ કરી. ભારતે યુદ્ધને મામલે પોતાની પ્રતિક્રિયા યુનાઇટેડ નેશનમાં પણ સ્પષ્ટ જ રાખી હતી.  એ સમજવું રહ્યું કે આ પ્રવાસમાં મોદીએ પૂરેપૂરો પ્રયાસ કર્યો કે જે રીતે કેન્દ્ર સરકારે યુક્રેનને મામલે રશિયાની સીધેસીધી આકરી ટીકા ન કરીને વિશ્વ નેતાઓની નારાજી વહોરી લીધી હતી તે મામલે બધું જરા થાળે પાડી શકાય.

જર્મનીની વાત કરીએ તો યુરોપના અન્ય રાષ્ટ્રોની સરખામણીએ યુરોપ ભારત માટે બહુ અગત્યનો ભાગીદાર છે. દ્વિપક્ષી સંબંધોની દ્રષ્ટિએ જર્મનીનું આગવું મહત્ત્વ છે. વળી યુરોપિયન યુનિયનમાં પણ તેની ચાવીરૂપ ભૂમિકા છે. 2000ની સાલથી ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલતી આવી છે.  2011માં આ ભાગીદારી વધુ ઘનિષ્ઠ થઇ કારણ કે સરકારી વડાઓએ મળીને ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલ લૉન્ચ કરી. જર્મનીએ આ પ્રકારની સંવાદની શક્યતા બહુ ઓછા રાષ્ટ્રો સાથે ખડી કરી છે અને ભારત તેમાંનો એક દેશ છે. વડા પ્રધાન ત્યાં હતા તે દરમિયાન છઠ્ઠી ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલનું આયોજન થયું જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ઝ સાથે વાતચીત થઇ. ભારતની રશિયા પરની આધીનતા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ કારણ કે જર્મનીએ રશિયાના આક્રમક વલણ સામે વ્યૂહાત્મક પસંદગી કરી છે તથા એનર્જીને મામલે પોતે રશિયા પર આધાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. 

વડા પ્રધાન વિદેશ પ્રવાસે જાય અને ત્યાં જેટલી પણ સંખ્યામાં ભારતીયો હોય તેમને સંબોધવાનું ચૂકી જાય તે શક્ય નથી. વળી ભાજપની લીટી લાંબી કરવાનું તો ઠીક પણ કોંગ્રેસ (પક્ષનું નામ લીધા વિના) પર આકરા પ્રહાર કરી તેમની લીટી ભૂંસવાનું તે ભૂલે તેમ નથી. જર્મનીમાં પણ તેમણે એ જ કર્યું.  કઇ રીતે ભાજપાએ રાજકીય અસ્થિરતાને એક બટન દબાવીને જ ગાયબ કરી દીધી છે તે વાત તેમણે કરી અને ભારતીય મતદારોની શક્તિની વાહવાહી કરી. જર્મનીની મુલાકાત પછી G-7માં ભારતની ગણતરી જર્મની કરશે કે નહીં તે જોવું રહ્યું.

ડેનમાર્કના ડેનિશ વડા પ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે નરેન્દ્ર મોદીને 2020ના સપ્ટેમ્બરમાં યોજાયેલા વર્ચ્યુઅલ સમિટ પછી સારાસારી જ રહી છે.  ફ્રેડરિક્સન પણ ભારતની મહેમાનગતિ માણી ચૂક્યા છે. ભારત નોર્ડિક સમિટના કેન્દ્રમાં નાટો સાથે જોડાવા માગતા બે નોર્ડિક દેશનું વલણ પણ અગત્યનું ગણાય. નોર્ડિક દેશો સંશોધન, ક્લીન એનર્જી, ગ્રીન ટેક્નોલોજી, માનવાધિકાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં બહુ પાયારૂપ કામ કરતા હોય છે. ભારત જો તેમની સાથે હાથ મિલાવે તો આ તમામ પાસાંઓ મજબૂત કરવાનું તેને માટે આસાન થઇ જાય. વળી ભારતમાં આ તમામ ક્ષેત્રે પૂરતી તકો છે અને મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ સિટી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ક્લીન ગંગા જેવી યોજનાઓમાં આ દેશોનું યોગદાન બન્ને તરફી રાષ્ટ્રો માટે લાભદાયી હોઇ શકે છે.

મોદીની માફક મેક્રોન પણ ફ્રાંસમાં ફરી વડા તરીકે ચૂંટાઇ આવ્યા અને તેમને માટે પણ બીજી વારની જીત અઘરી હતી. ભારત અને ફ્રાંસ વચ્ચેની દોસ્તી હંમેશાં સારી રહી છે અને 1998થી બન્ને વ્યૂહાત્મક ભાગીદારીમાં રહ્યા છે. પોખરણ પરીક્ષણ બાદ ભારતની ટીકા ન કરનારા ગણતરીનાં રાષ્ટ્રોમાંથી એક ફ્રાંસ પણ હતું.  પુલવામા હુમલા પછી પાકિસ્તાન સ્થિત હાફીઝ સઇદને વૈશ્વિક આતંકીની યાદીમાં મૂકવામાં ફ્રાંસે જરાય વાર નહોતી લગાડી. રશિયા અને યુક્રેન બન્નેના વડા સાથે વાતચીતનો દોર જાળવવામાં પણ મોદી અને મેક્રોને સરખો જ અભિગમ રાખ્યો છે.  યુરોપિયન યુનિયનની પ્રેસિડન્સી આ વર્ષે થવાની છે ત્યારે ભારત અને ફ્રાંસ વચ્ચેની વાતચીત અગત્યની હોય તે સ્વાભાવિક છે.

મૂળે તો યુરોપિયન દેશોનો હંમેશાંથી એમ લાગ્યું છે કે મોદી સરકારે US, જાપાન, ઑસ્ટ્રેલિયા જ નહીં પણ UAE જેવા યુરોપથી નાના અને ભૌગોલિક રાજનીતિમાં ઓછા મહત્ત્વના કહેવાય એવા રાષ્ટ્રોની સાથે સંબંધ જાળવવા પર વધારે ભાર મૂક્યો છે. યુરોપિયન દેશોની આ અલગાવની લાગણી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ આ બેઠક કરવી અનિવાર્ય હતી.  ભારતે યુરોપ સાથેના સંબંધોમાં વ્યાપાર વાણિજ્ય પર જ ભાર મૂક્યો હતો. 90ના ઉત્તરાર્ધમાં યુરોપિયન દેશો સાથે રાજકીય સંવાદ અને મંત્રી સ્તરીય બેઠકોને પણ શરૂ કરાયા.  પર્યાવરણના બદલાવ, સુરક્ષા અને રાજકારણ, સ્વાસ્થ્ય, સ્પેસ અને પરમાણુ નિર્ણયો, IT અને કોમ્યુનિકેશનને મામલે ભારત અને યુરોપના સંબંધો વિસ્તર્યા છે. ભારત માત્ર USA કે જાપાનને જ મહત્ત્વ નથી આપતું તે સાબિત કરવા માટે પણ વડા પ્રધાનની આ યુરોપ યાત્રા બહુ અગત્યનું પગલું હતી. 

Most Popular

To Top