Dakshin Gujarat

વ્યારાની અરુણાચલ સોસાયટીમાં ચોમાસામાં ગટર ખોદકામથી વરસાદી પાણી ભરાતાં રહીશો ત્રાહિમામ

વ્યારા: વ્યારાના (Vyara) કાનપુરાની અરુણાચલ સોસાયટીમાં ચોમાસા દરમિયાન ગટર લાઇનના નામે પરવાનગી વિના કરેલ ખોદકામથી સોમવારે પાણી ભરાતા રહીશોને આખો દિવસ ઘરે ગોંધાઈ રહેવું પડ્યું હતું. ખાડો ખોદી કોન્ટ્રાક્ટર (Contractor) અધૂરું કામ મૂકી ભાગી છૂટ્યો હતો. આથી વ્યારા તાલુકા પંચાયત કચેરી દ્વારા કરાતા ભ્રષ્ટાચાર અંગે પબ્લિક પોલિસી, પબ્લિક એકાઉન્ટિબિલિટી, પ્યોરિટી ઈન એડમિનિસ્ટ્રેશન અને પ્રોબિટી ઈન ગર્વનન્સ નીચે, પીસી એક્ટ નીચે, વિસલ બ્લોઅર એક્ટ અને રૂલ્સ હેઠળ અનિલ ગામીત (અ.મ.ઈ.તાલુકા પંચાયત વ્યારા), કાનપુરાનાં તલાટી કમ મંત્રી તેમજ સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને સ્થાનિક રહીશોએ ફરિયાદ કરતાં ખાનગી સોસાયટીના નામે બિનજરૂરી ખર્ચ કરી ગેરરીતિઓ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાનપુરા ગામે અરુણાચલ સોસાયટી અને તેની સાથેની અન્ય એક સોસાયટીમાં હાલમાં ચાલી રહેલ ગટર લાઇનના કામમાં ડુપ્લિકેશન થયેલ મામ પંચાયત વિભાગ,વ્યારાના બે પત્રોથી જણાય છે. પંચાયત વિભાગ,વ્યારાના તા.૨-૯-૨૦૨૧ના પત્રથી અપાયેલી તાંત્રિક મંજૂરીમાં કાનપુરા ગામે અરૂણાચલ સોસાયટીથી ચીખલી રોડ સુધી ગટર લાઈનનું કામ રૂ.૨.૭૦ લાખના ખર્ચે ૧૫મા નાણાં પંચ યોજના ગ્રાંટ ૨૦૨૦-૨૧નું છે. આજ કચેરીના તા.૨-૯-૨૦૨૧ના પત્ર દ્વારા અપાયેલી વધુ એક તાંત્રિક મંજૂરીમાં કાનપુરા ગામે પંચવટી નગરથી મીંઢોળા નદી સુધી ગટર લાઈનનું કામ નાળા સાથે રૂ.૩.૫૦ લાખના ખર્ચે ૧૫મા નાણાપંચ યોજના ગ્રાંટ ૨૦૨૦-૨૧ની છે. આમ બંને પત્રોમાં એક જ કામ જુદી જુદી રીતે દર્શાવાયું છે.

છેલ્લા ૧૦ વર્ષનાં કામોનું સ્પેશિયલ ઓડિટ કરી પીસી એક્ટ નીચે ગુનો નોંધવાની માંગ
વ્યારા: વ્યારા તાલુકા પંચાયત કચેરી દ્વારા છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન સરકારી ગ્રાંટ વાપરીને થયેલાં કામોનું સ્પેશિયલ ઓડિટ કરી ગંભીર ગુનાહીત કૃત્ય કરનારાઓ સામે પીસી એક્ટ નીચે ગુનો નોંધી આવક કરતાં વધારાની સંપત્તિ એકઠી કરનારની સંપત્તિની તપાસની માંગ કરાઈ છે.

એસ.ઓ. અનિલ ગામીત રજા પર છે: દીપ્તિ રાઠોડ
વ્યારા તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ દીપ્તિ રાઠોડે જણાવ્યું હતું કે, એસ.ઓ. અનિલ ગામીત રજા પર છે. સ્થળ પર ટેક્નિકલ માણસોને મોકલી તપાસ કરાવું છું.

એસ.ઓ. અનિલ ગામીતનો ફોન બંધ આવ્યો
વ્યારાની અરુણાચલ સોસાયટીમાં ચોમાસામાં ગટર ખોદકામથી પાણી ભરાતાં રહીશોના વિવાદ મામલે તાલુકા પંચાયતના એસ.ઓ. અનિલ ગામીતનો સંપર્ક કરતાં તેઓનો ફોન બંધ આવ્યો હતો.

Most Popular

To Top