Dakshin Gujarat

ઝઘડિયામાં વાવાઝોડાથી કેળના થડ નમતાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ

ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં છેલ્લા અઠવાડિયાથી બેસુમાર પવનના પગલે કેટલાક ઠેકાણે કેળાની થડ નમી જતાં ખેડૂતોને (Farmer) ભારે નુકસાનીની ભીતિ દેખાઈ રહી છે. જો કે, સમગ્ર મુદ્દે કેળાના પાક થયેલા નુકસાની માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જાણકારી મળ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે એમ મનાઈ રહ્યું છે. ભારે વરસાદના (Heavy Rain) પગલે ઝઘડિયા તાલુકામાં તાલુકામાં કેળાનું વધારે પ્રમાણમાં વાવેતર કરાતા હાલમાં પવનના સુસવાટાથી કેળના થડ નમી જતાં ખેડૂતો માટે કફોડી હાલત ઊભી થઇ છે. ઝઘડિયાના રાણીપુરા ગામે નર્મદા નદીના પટ્ટા પર કેટલાક ખેતરોમાં કેળના થડ પવનને કારણે નમી ગયા છે. વાવાઝોડાને કારણે કેળના પાકને નુકસાન થતાં ખેડૂતો લાચર બની ગયા છે.

સાંબા ખાતે કૃષિ લાઇનના વીજપોલનું સમારકામ નહીં કરાતાં ખેડૂતોને આર્થિક ફટકો
અનાવલ: મહુવા તાલુકાના સાંબા કૃષિ વીજલાઈનના વીજપોલ ધરાશયી થવાની અનેક રજૂઆતો બાદ પણ વીજકંપની દ્વારા બેદરકારી દાખવી સમારકામ નહીં કરાતાં ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડતો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા લેખિત ફરિયાદ કરાઈ છે. જ્યારે બીજી બાજુ પાક સુકાતાં ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના સાંબા ગામે વરસાદમાં વીજપોલો તૂટી ગયા હતા. જે વીજપોલો તૂટી જતાં સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં વીજકંપનીના જવાબદાર અધિકારીઓ બેજવાબદાર રહેતા હોય એમ આ બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી. મોંઘાદાટ બિયારણો વચ્ચે ખેડૂતો હાલ મોંઘવારીનો માર સહન કરી શક્યા નથી. વીજકંપની દ્વારા કૃષિ વીજલાઈનની ગંભીર બાબતોમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતો માટે ડાંગરની ખેતીમાં પાણીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે વિજલાઈન નહીં ચાલતાં સિંચાઇની અસુવિધાને લીધે પાકમાં નુકસાન સાથે આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે સાંબા ગ્રામ પંચાયત દ્વારા વીજકંપનીને આ સમારકામની કામગીરી બાબતે લેખિત જાણ કરવામાં આવી છે. વીજકંપનીના અધિકારીઓને ખેડૂતોની પાણીના પોકાર સાથેની વેદના ક્યારે સમજાશે એ જોવું રહ્યું!

Most Popular

To Top