Vadodara

જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ઉપર નદી કિનારે ઠલવાતો કચરો નદીને દુષિત કરી રહ્યો છે

વડોદરા: જામ્બુઆ નજીક લેન્ડ ફીલ સાઈટ ઉપર શહેર આખાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કચરાનો ઢગ એટલો મોટો થઇ ગયો છે કે હવે એજન્સીઓ દ્વારા કચરો જામ્બુઆ નદીના કિનારે જ ઠલવાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ કચરો નદીને પણ દુષિત કરી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. કુદરતી સ્ત્રોત નજીક કચરો ન ઠલવાય તે માટે NGT નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગાઇડલાઇન આપવામાં આવી છે છતાં તેનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.

જામ્બુઆ લેન્ડ ફીલ સાઈટ ઉપર એક જ મહિનાના સમયગાળામાં 3 વખત આગ લાગવાનો બનાવ બન્યો છે. બે દિવસ અગાઉ લાગેલ આગ નદી કિનારે ઠાલવાયેલ કચરામાં લાગી હતી. આ કચરાના ઢગલાની ઉપરથી હાઈ ટેંશન લાઈન પસાર થઇ રહી છે. કચરાના ઢગલાનું તેનાથી અંતર ખુબ ઓછું હોવાથી ઉદ્યોગોમાં આ લાઈન થકી મળતો પુરવઠો પણ બંધ કરી દેવો પડ્યો હતો. ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓના મનસ્વી પણાના કારણે કચરાના ઢગલા નદી કિનારે ઠલવાઇ રહ્યા છે.

સોલિડ વેસ્ટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મીલીભગત કરી અથવા તો તેઓના છુપા આશીર્વાદના પગલે કેટલીક એજન્સી દ્વારા પ્રોસેસ પ્લાન્ટ ચલાવવામાં આવતો નથી. કેટલાક પ્લાન્ટ હાલ સુધી ઓપરેશનમાં પણ આવ્યા નથી. જ્યારે કેટલાક પ્લાન્ટ બંધ હાલતમાં છે. જેને લઈને કચરાના પહાડ વધુ મોટા થઈ રહ્યા છે. કચરાની આવક સામે પ્રોસેસિંગ ધીમું થવાથી હવે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓના નાક નીચે જ કચરો નદી કિનારે અને હાઈટેન્સન લાઈનની નીચે ઠાલવવામાં આવ્યો છે.

આ કચરાના ઢગલા ધીમે ધીમે નદી કિનારા સુધી અને હાઈટેન્સન લાઈન નીચે સુધી પથરાઈ ગયા છે. હાઈટેન્સન લાઈન અને કચરાના ઢગલા વચ્ચે માંડ 15 ફૂટનું અંતર રહી ગયું છે. ત્યારે નદી કિનારે ઠલવાતો કચરો એ નદીને પણ મલિન કરી રહ્યો છે. કચરાના કારણે પાણી દુષિત થઇ રહ્યું છે. ઉપરાંત આગ ઓલવવા માટે પાણીનો મારો કરવામાં આવે છે તે પણ નદીમાં જ વહી જાય છે. ત્યારે અધિકારીઓના પાપે કુદરતી સ્ત્રોતનું નિકંદન નીકળી રહ્યું છે. જેની સામે કડક રહે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.

કુદરતી સ્ત્રોત કેટલાક અધિકારીઓના પાપે દુષિત થઇ રહ્યા છે
સામાન્ય રીતે નદી કિનારે આવી સાઇટોને પરવાનગી આપવામાં આવતી નથી છતાં જામ્બુઆ લેન્ડફીલ સાઈટને પરવાનગી આપવામાં આવી છે અને દિવસે દિવસે કચરાના પહાડો મોટા થઇ રહ્યા છે. તેની યોગ્ય રીતે નિકાલની પ્રોસેસ પણ કરવામાં આવતી નથી. ગ્રીન ટ્રીબ્યુનલ ની ગાઇડલાઇન છે કે કુદરતી સ્ત્રોતને નુકસાન થાય તે રીતે આવી સાઈટો ન હોવી જોઈએ. પરંતુ ખુલ્લેઆમ અહીં પહાડ ઉભો કરી દેવાયો છે જેની સામે અમો આગામી સમયમાં રજૂઆત કરીશું અને સ્ત્રોત બચે તેવા પ્રયાસો કરીશું. – રોહિત પ્રજાપતિ, પર્યાવરણવાદી

Most Popular

To Top