Gujarat

ઠંડી વધી: ધનતેરસે વલસાડમાં 14 અને ગાંધીનગર – અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે ધનતેરસે ગાંધીનગર તથા અમરેલીમાં ઠંડીનો (Winter) પારો સતત નીચે ગગડી ગયો હતો. જેના પગલે આ બન્ને શહેરોમાં 15 ડિગ્રી ઠંડી (Cold) નોંધાવવા પામી હતી.જ્યારે વલસાડમાં 14 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમરેલીમાં અચાનક 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડીને 15 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. બીજી તરફ એકલા ભૂજમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ રહેવા પામ્યો હતો.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. હિમાલયની તળેટીમાં તાજેતરમાં જ બરફ વર્ષા થઈ છે જેના પગલે હજુયે નવે.ના આરંભથી જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, તેમ હવામાન વિભાગનું કહેવું છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો પારો અચાનક ગગડી જાય છે. જેના પગલે શહેરીજનોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 24 ડિ.સે., વલસાડમાં 14 ડિ.સે., ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., અમરેલીમાં 15, ભાવનગરમાં 19 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 19 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ આ વખતે શિયાળો આવનારા સમયમાં વધુ તિવ્ર બને અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે જેના કારણે ઠંડી વધી રહી છે. દેશના ઉત્તર ભાગમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. બીજી તરફ મંગળવારે પણ વલસાડમાં 14 અને ગાંધીનગર, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.

Most Popular

To Top