Gujarat

ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે: કોંગ્રેસ

સ્માર્ટસિટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપના શાસકો માત્ર ‘આત્મનિર્ભર’ અને ‘વોકલ ફોર લોકલ’ની જાહેરાતો કરે છે, તેવો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ જણાવ્યું હતુ કે વર્ષ 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે ૩૦,૦૦૦ કરોડનાં ૨૪ એમઓયુ કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી, જેમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની ૩૭૫૦૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરનાર ભાજપ શાસકો ક્યા મોઢે ‘વોકલ ફોર લોકલ’નાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી રહ્યા છે?

ડૉ. મનીશ દોશીએ વધુમાં કહ્યું હતુ કે વર્ષ ૨૦૧૯માં ૧૦,૫૦૦ કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલપાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે. જેમાં ૧૫૦૦૦ ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે પરંતુ જમીન પર કશું આવ્યું નથી અને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજીયન ધોલેરા પાંચ ઇંચ જ જેટલા વરસાદમાં બેટ-ટાપુ રૂપાંતર થઈ જાય છે.

સ્વચ્છતા અભિયાન માટેની મશીનરી ખરીદી તથા અન્ય કેમિકલ, પેઈન્ટ, પ્લાસ્ટિકનાં સાધનો જેવી ૩૫ ટકા ખરીદી ચાઈનીઝ બનાવટની વસ્તુઓ સરકાર ખરીદી રહી છે અને આ ચાઈનીઝ કંપની કાર્પેટ પર બેસીને ‘આત્મનિર્ભર’ અને ‘વોકલ ફોર લોકલ’ની મોટી મોટી જાહેરાતો કરી રહી છે. આમાં ભાજપાની ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો છતો થયા છે.

કેન્દ્ર સરકાર ચાઈનિઝ ‘એપ’ પર પ્રતિબંધ મૂકે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ વસ્તુઓની ભાજપ સરકાર ખરીદી ક્યારે બંધ કરશે ? તે ગુજરાત જાણવા માગે છે. ત્યારે સામાન્ય જનતાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અને બાળકોને ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર માટે હલ્લાબોલ કરતાં કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ તેમના વિશેષ ચાઇના પ્રેમ અંગે દેશ અને ગુજરાતની જનતાને જવાબ આપે.

Most Popular

To Top