Surat Main

ચોંકાવનારો ખુલાસો: સુરતના મક્કાઈપુલની પાળી પરથી બાળકને તેના પિતાએ જ હત્યાના ઇરાદે ફેંકી દીધો હતો

સુરત: (Surat) શહેરના મક્કાઇપુલ (Makkai Bridge) ઉપરથી ગત રવિવારે તાપી નદીમાં (Tapi River) પડી ગયેલા 12 વર્ષીય બાળકનો મૃતદેહ (Dead Body) મળ્યા બાદ આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. બાળકને તેના પિતાએ જ તાપી નદીમાં ફેંકીને તેની હત્યા (Murder) કરી હતી. બાળક નદીમાં પડી ગયા પછી મસ્તી કરતી વખતે પડી ગયાનું તરકટ રચીને બૂમાબૂમ કરી હતી. રાંદેર પોલીસે (Police) પિતાની અટકાયત કરી વધારે પુછપરછ હાથ ધરી છે.

  • રાંદેરમાં તાપીમાં પડેલા બાળકને તેના પિતાએ જ નદીમાં ફેંકી હત્યા કરી હતી
  • પિતાએ બાળક મસ્તી મસ્તીમાં પડી ગયાનું તરકટ રચ્યું હતુ
  • બાળકની માતા તેને લેવા માટે આવવાની હોવાથી તે પાછો નહીં આવશે તેવા વહેમમાં હત્યા કરી
  • ઘણી શોધખોળ બાદ માસૂમ જાકિરની લાશ સોમવારની મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસેની નદી કિનારેથી મળી આવી હતી

અમરોલી કોસાડ આવાસમાં રહેતો 31 વર્ષીય સઈદ ઈલ્યાસ શેખ પાંચ વર્ષથી પત્નીથી અલગ રહે છે. તેની પત્ની હિના મહારાષ્ટ્રના બુલઢાનામાં રહે છે. બંને બાળકો સઈદ પાસે રહે છે. હીના તેના પુત્ર ઝાકીરને તેની સાથે લઈ જવા માટે આવવાની હતી. હીના પુત્રને પાછો નહીં મોકલશે તેવા વહેમમાં તેણે પુત્રની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. સઈદ તેના દિકરા જાકીરને મારી નાખવાના ઈરાદે રાંદેર મકકાઈપુલ પર લઈ ગયો હતો. અહીંથી તેને તાપી નદીમાં ફેકી દીધો હતો. બાળક નદીમાં પડી ગયા પછી સઈદે મસ્તી કરતી વખતે પડી ગયાનું તરકટ રચીને બૂમાબૂમ કરી હતી. ઘણી શોધખોળ બાદ માસૂમ જાકિરની લાશ સોમવારની મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસે નદી કિનારેથી મળી આવી હતી. પોલીસને સઈદ ઉપર પહેલાથી જ શંકા જતા તેની કડક પુછપરછ કરી હતી. જેમાં તેણે જ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પોલીસની આંખે પટ્ટી બાંધવા પ્રયાસ કર્યો
રવિવારે સઇદ શેખ માસુમ પુત્ર જાકિરને લઈ મક્કાઈ પૂલ પર ફરવા ગયો હતો. મજાક મસ્તીમાં દીકરાને તાપી બ્રિજના પૂલ પર બેસાડી મજા લેતો હતો. દરમિયાન મસ્તી કરતી વખતે દીકરો બ્રિજ પરથી તાપીમાં પડી ગયો હતો. આ પ્રકારની ઘટના પહેલા તેણે ફાયર બ્રીગેડ અને પોલીસની સામે વર્ણવી હતી.

Most Popular

To Top