Gujarat

રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર વન બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવાનું છે: મુખ્યમંત્રી

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં (Cleanliness) નંબર વન બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવાનું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વેસ્ટનું યોગ્ય મેનેજમેન્ટ કરીને આપણે સરક્યુલર ઇકોનોમી બનાવવી છે. જો ઇચ્છાશક્તિ હોય તો ટેકનોલોજીની મદદથી આપણે ઘણું સારૂં કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તાતંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષે 140 કરોડ જેટલી આવક મેળવી છે તે સરક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે, તેવું મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલએ કહ્યું હતું.

  • રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર વન બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવાનું છે : મુખ્યમંત્રી
  • સુરત શહેરી સત્તાતંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને તેમાંથી વર્ષે 140 કરોડ જેટલી આવક મેળવી સરક્યુલર ઈકોનોમીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું
  • સુરતને સ્વચ્છ શહેરના એવોર્ડ મળવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે આયોજીત સેમીનાર ”ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સરક્યુલર ઈકોનોમીઃ રિસાયક્લીંગ વેસ્ટ-વૉટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી” માં કી-નોટ એડ્રેસમાં કહ્યું કે, વડાપ્રધાને વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે. ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા માટે શરૂ કરાવેલા ગોબરગેસ અને બાયોગેસ પ્રોજેક્ટનું ઉદાહરણ આપતાં પટેલે જણાવ્યું હતુ કે આનાથી ગ્રામ્ય અર્થતંત્રમાં સકારાત્મક બદલાવ આવ્યા છે. સુરતને મળેલાં સ્વચ્છ શહેરનાં એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટેકનોલોજી સોલ્યુશન દ્વારા નાના શહેરો અને ગામડાઓ માટે પણ વેસ્ટનાં નિકાલ માટેના સોલ્યુશન આ સેમિનાર દ્વારા મળશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન લાવવું આવશ્યક છે. ગુજરાતે ‘વેસ્ટ ટુ એનર્જી’ એટલે કે કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે પોલીસી અમલી બનાવી, સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે. વર્લ્ડ બેંકના કંટ્રી ડાયરેક્ટર ઓગસ્તો ટેનો કોમોએ જણાવ્યું હતું કે, પૃથ્વી પરથી કોઈ ચીજવસ્તુનો નાશ કરી શકાતો નથી. ફક્ત તેને રિસાયકલ- રીયુઝ- રીસ્ટોર કરી શકાય છે. જો વિકાસશીલ દેશો કચરાનાં નિકાલ પાછળનો તેનો ખર્ચ ઘટાડીને વિકાસકાર્યો પાછળ ખર્ચ કરશે તો માનવજાતનો સર્વાંગી વિકાસ થશે અને આ ધરતી પરની ગરીબીને ઘટાડ઼ી શકાશે.

Most Popular

To Top