Vadodara

ઠગ બિલ્ડર મનિષ પટેલ પોલીસના સકંજામાં

વડોદરા : શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઈટનું બાંઘકામ બંધ કરી બિલ્ડર દંપતિએ ગ્રાહકો પાસેથી દુકાનોના વેચાણ પેટે કરોડો રૂપિયા પડાવી ફરાર થઇ છેતરપિંડી કરી છે. જે કેસમાં પોલીસે કેયા બીલ્ટેક એલએલપી પેઢીના સંચાલક બિલ્ડર દંપતિ વિરુદ્ધ ગુનો નોધી બિલ્ડર મનિષ પટેલને રાઉન્ડ અપ કર્યો હોવાની માહિતી મળી રહી છે.

શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતા યોગેશ પટેલ ટ્રાવેલ્સ વ્યવસાય કરે છે. વર્ષ 2015 દરમિયાન કેયા બીલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદાર મનીષ મહેન્દ્ર પટેલ (રહે.સિલ્વર પાર્ક ,કરોળિયા રોડ તથા સાઇન પ્લાઝા, રેસકોર્સ) એ ન્યૂ વીઆઇપી રોડ પર ખોડીયારનગર ચારરસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમમાં મનીષ પટેલે સાથે વાતચીત કરી પહેલા માળે દુકાન નં. 144 બુકિંગ કરી હતી. અને વર્ષ 2017 દરમિયાન પજેશનની બાહેધરી આપી હતી. જે દુકાન પેટે રૂ9.49 લાખ ચેક દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ ગોરવા સબ રજીસ્ટારની કચેરીમાં મનીષ પટેલ તથા પેઢીના ભાગીદારોએ બાનાખત કરી આપ્યો હતો. જેની અસલ કોપી બિલ્ડર મનિષ પટેલ પાસે છે.

કોરોના કોરોના કાળ દરમિયાન સાઈટનું બાંધકામ બંધ હોય સાઈટ શરૂ થયા બાદ પજેસન મળશે તેવી ખાતરી બિલ્ડરે આપી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબનું બાંધકામ બંધ કરીને બિલ્ડર મનીષ પટેલ ફરાર થઈ ગયો છે. જેથી 12 જેટલા રોકાણ કરનારાઓએ મનીષ પટેલ વિરુદ્ધ રેરા ખાતે અરજીઓ આપી હતી. જેમાં પેઢીના ભાગીદાર મનીષ પટેલ તથા તેમના પત્ની રૂપલબેન મનીષ પટેલે ગ્રાહકો પાસેથી વેચાણ કિંમતના નાણા મેળવી લઈ બિલ્ડિંગનું બાંધકામ પૂરું નહીં કરી નાણા અથવા દુકાન ન આપી છેતરપિંડી આચરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ તો બિલ્ડર મનિષ પટેલનો ભોગ બનનાર ગ્રાહકો આગામી સમયમાં બહાર આવશે તો નવાઇ નહી.

ઠગ બિલ્ડર મનિષ પટેલ દ્વારા ગ્રાહકો સાથે કરાયેલી છેતરપિંડીનો સૌપ્રથમ પર્દાફાશ ગુજરાતમિત્રે કર્યો હતો
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની ત્રણ માળની આલીશાન બિલ્ડિંગ બિલ્ડર મનિષ પટેલ દ્વારા બાંધવામાં આવી હતી. પરંતુ જેમાં મોટા ભાગ દુકાનોનુ બાંધકામ કર્યું હોવાથી ગ્રાહકોએ બુક કરાવી હતી. પરંતુ મનિષ પટેલ સાઇટ કામ છેલ્લા ઘણા વર્ષોથી બંધ કરી દેતા ગ્રાહકો ન દુકાનનો કબજો આપતો ન તો રૂપિયા પરત આપતો હતો. જેથી મહાઠગ બિલ્ડરે ઘણા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિડી આચરી હતી.જેના સૌપ્રથમ અહેવાલ ગુજરાતમિત્ર અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાયા હતા. ત્યાર બાદ ભોગ બનનાર લોકોની હિમ્મત ખુલી હતી અને તેેઓએ પોલીસ કમિશનર અને કલેક્ટરને લેખિત અરજી આપી ન્યાય અપાવવા માટે રજૂઆત કરી હતી.

એક સિનિયર ધારાસભ્ય તથા એક નેશનલાઇઝ બેન્કને કરોડોમાં બિલ્ડરે નવડાવ્યા છે
રેસકોર્ષ વિસ્તારમાં રહેતા બિલ્ડર મનિષ મહેન્દ્ર પટેલ મોટી વગ ધરાવે છે. તેની રાજકારણીઓ સાથે ગાઢ સંબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એક સિનિયર ધારાસભ્ય પાસેથી કરોડો રૂપિયા લઇને પરત નહી કર્યા હોવાનું જાણા મળી રહ્યું છે. બીજી તરફ બિલ્ડરે એક નેશનલાઇઝ બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તેના રૂપિયા નહી ભરતા બેન્કે નોટિસ આપી હોવાનું પણ સૂુત્રોમાંથી જાણવા મળ્યું છે.

2018-19માં દુકાન બુક કરાવી 25 લાખ ચૂકવી દીધા છતાં પજેશન આપતો નથી
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં મારા માતાના જરોદાબેન ખેરાજમલાણીના નામે વર્ષ 2018-19માં દુકાન બુક કરાવી હતી. જેમાં 25 લાખ પુરેપુરા બિલ્ડર મનિષ પટેલ ચૂકવી દીધા હતા. પરંતુ બિલ્ડરે સાઇટનું કામ બંધ કરી દીધુ છે, અમને દુકાનનું પજેશન નથી આપતો કે ચૂકવેલા રૂપિયા પણ પરત આપતો નથી. જેથી પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરે ઉપરાંત અમને કાતો પજેશન આપે નહીતર રૂપિયા પરત આપી તેવી તેવી અમારી માગણી છે. હિરાભાઇ ખેરાજમલાણી, ભોગ બનનાર

Most Popular

To Top