SURAT

પાલ-ગોરવપથ રોડ પર ગટરમાં ઉતરેલી યુવતી સહિત ચાર ગેસ ગૂંગળામણની ઝપેટમાં, એકનું મોત

સુરત(Surat) : પાલ-ગોરવપથ રોડ પર આવેલા એક ખેતર (Farm) માટે પાણી (Water) ખેંચવા ગટરમાં (Drainage) ઉતરેલી એક યુવતી સહિત ચાર જણા ગેસ ગૂંગળામણની ઝપેટમાં આવતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જણાને ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયા હતા.

ફાયર ઓફિસર જગદીશભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ ખૂબ જ મોડી મળી હતી. પાલનપુર, મોરા ભાગળ, અડાજણ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. એક યુવતી સહિત ચારને બહાર કાઢી CPR અપાયા હતા. જોકે ગટરમાં પહેલો ઉતરેલો દર્શન નામનો યુવક આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ 8 વાગ્યાનો હતો. ગટરમાં પાણી ખેંચવા ઉતરેલા ચાર જણા બહાર નથી આવી રહ્યા હોવાની માહિતી મળતા તાત્કાલિક પાલનપુર, મોરા ભાગળ, અડાજણ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. ફાયરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં ચારેયને બહાર કાઢી પોતાના જ વાહનમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ અને સિવિલ લઈ ગયા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

જગદીશ પટેલ (ફાયર ઓફિસર) ઘટના બરબોધન ગામની છે. ટી.આર. દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં પાણી માટે ગટરમાંથી મોટર વડે પાણી ખેંચવામાં આવતું હતું. જોકે આજે અચાનક પાઈપમાં પાણી આવતું બંધ થઈ જતા લીલ કે વનસ્પતિ જામી ગઈ હોવાની આંશકાને લઈ દર્શન સોલંકી નામનો 20 વર્ષીય યુવક ગટરમાં ઉતર્યો હતો. ત્યારબાદ એનો સંપર્ક નહીં થતા એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ જણા ગટરમાં ઉતર્યા હતા અને ચારેય બેભાન થઈ ગયા હતા.

ગેસ ગૂંગળામણની ઝપેટમાં આવેલાઓની યાદી

  • ચંદુભાઈ ધારસિંગ ગોહિલ (ઉં.વ. 40, રહે બરબોધન બાપુ નગર ફળિયું)
  • મનીષભાઈ ભરતભાઇ રાઠોડ (ઉં.વ.20)
  • અસ્મિતાબેન ધારસિંગ
  • દર્શન પ્રભાત સોલકી (ઉં.વ. 20 , મૃત્યુ થયું)

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા બાદ બુમાબુમ થઈ જતા તાત્કાલિક રોનક નામના ઇસમે ફાયરને જાણ કરી હતી. ફાયરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં સ્થળ પર પહોંચી ચારેય જણાને બહાર કાઢી પહેલા CPR આપ્યા હતા. ત્યારબાદ યુવતીને નજીકના હેલ્થ સેન્ટરમાં અને બીજા ગંભીર યુવકો પૈકી બેને પોતાની ગાડીમાં અને એકને 108 ની મદદથી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ત્રણેયની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, ઘટના પાછળ ગેસ ગૂંગળામણ જવાબદાર હોવાનું કહી શકાય છે. ફાયરના જવાનો પણ ઓક્સિજન માર્ક્સ પહેરી ગટરમાં ઉતર્યા હતા. ગટરમાં પહેલા ઉતરનાર દર્શન સોલંકીનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. જ્યારે યુવતી સહિત બીજા ત્રણ પૈકી એક ને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. દર્શનના પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો છે. બે પુત્રો અને એક પુત્રીના પિતા એ કહ્યું હતું કે દર્શન બીજા નંબરનો દીકરો હતો. લાડકો હતો.

રોનક દેસાઈ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે મારી સોસાયટીમાં એક દુઃખદ અવસાન થયું હતું. સવારથી જ આ પરિવારની વ્યવસ્થામાં હતો. બસ નજીકના ખેતરમાં કામ કરતા યુવકોને જતા જોયા, તપાસ કરતા કોઈ યુવક ગુમ હોવાથી શોધી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ તમામ યુવકો ખુલ્લી ગટર પાસે જઈને ડોક્યુ કરતા અંદર કોઈનો મૃતદેહ દેખાયો હતો. જેને બચાવવા એક પછી એક તમામ ઉતર્યા હતા. બસ એટલે બુમાબુમ થઈ જતા દોડી ગયો હતો. તાત્કાલિક ફાયરને જાણ કરી દોરડું લઈ આવી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર આવી જતા બધા ને બહાર કાઢ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે મોટર દ્વારા પાણી ખેંચવા માટે યુવક ગટરમાં ઉતર્યો હતો. ત્યારબાદ એને બચાવવા મહિલા સહિત ત્રણ લોકો એક પછી એક ઉતરતા બેભાન થઈ ગયા હતા. ગટર 20 ફૂટથી વધુ ઊંડી ડ્રેનેજની કુંડી હોવાનું સામે આવ્યું છે. પાલ-ગોરવપથ રોડ પર આવી ત્રણ-ચાર ગટર છે. જેમાંથી પાણી ખેંચી ખેત વપરાશ માટે લેવાય છે. આ બાબતે પાલિકાને ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ પાલિકાનો ઉડાઉ જવાબ સાંભળી કોઈ સારા કાર્ય ન કરવાનો સંકલ્પ લેવો પડે એમ કહી શકાય છે. જેનું ઉદાહરણ એક યુવકને ભરખી ગઈ છે.

Most Popular

To Top