Columns

ફેસબુક અને ગુગલ મફતમાં સમાચારો મેળવી અબજોની કમાણી કરે છે

અખબારો અને ટી.વી.ની ચેનલો સમાચારો એકઠા કરવા કરોડો રૂપિયાનો  ખર્ચો કરતા હોય છે. સમાચારો ભેગા કરવા વ્યાપક નેટવર્કની જરૂર પડે છે, જેમાં ગામડાંથી લઈને શહેરોમાં રિપોર્ટરો, ફોટોગ્રાફરો વગેરેની ફોજને નિભાવવી પડે છે. આ સમાચારો લાખો વાચકો સુધી પહોંચાડવા માટે અનુભવી સંપાદકીય સ્ટાફ રાખવો પડે છે. વળી અખબાર છાપવું પડે છે અથવા ટી.વી.ની ચેનલનું પ્રસારણ પણ કરવું પડે છે.

ગુગલ અને ફેસબુક જેવા ઓનલાઇન પ્લેટફોર્મ કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વિના દુનિયાના હજારો અખબારોના અને ટી.વી. ચેનલોના સમાચારો પોતાના નેટવર્કમાં દેખાડે છે અને જાહેરખબરો મેળવી અબજો ડોલરની કમાણી કરે છે. એક સમય એવો હતો કે અખબારો અને ચેનલો માટે તેમના સમાચારોની લિન્ક ગુગલ કે ફેસબુક ઉપર આવે તે ફાયદાકારક જણાતું હતું.

તેને કારણે તેમના વાચકો કે દર્શકોની સંખ્યા વધતી હતી અને તેમની જાહેરખબરની કમાણી પણ વધતી હતી. પછી તેમને ખ્યાલ આવતો ગયો કે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ તેમના સમાચારો મફતમાં મેળવે છે અને તેમાંથી કમાણી કરે છે. વધુ નુકસાન એ હતું કે આ દરેક પ્રકાશનોની ઓનલાઇન આવૃત્તિ પણ ચાલુ થઈ ગઈ છે. તેમને જેટલી જાહેરખબરો નથી મળતી એટલી જાહેરખબરો ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ તેમના સમાચારોનો ઉપયોગ કરીને ખેંચી જાય છે.

હકીકતમાં આ પ્રકાશનોએ ઓનલાઇન જાહેરખબરો મેળવવા માટે ગુગલ અને ફેસબુક સાથે સ્પર્ધામાં ઊતરવું પડે છે. આ પરિસ્થિતિમાં અખબારોને અને ચેનલોને ફાયદો કરાવવા ઓસ્ટ્રેલિયાની સરકારે કાયદો કર્યો કે ગુગલે અને ફેસબુકે કોઈ પણ પ્રકાશનના સમાચારો વાપરવા હોય તો તેની કિંમત ચૂકવવી પડશે. જો ઓસ્ટ્રેલિયાનાં અખબારોને કિંમત ચૂકવવી પડે તો દુનિયા આખીનાં પ્રકાશનો કમાણીમાં ભાગ પડાવવા તૈયાર થઈ જાય. આવું ન બને તે માટે ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પરથી તમામ સમાચારો હટાવીને પ્રકાશકો પર દબાણ લાવવાની ચાલબાજી શરૂ કરી છે.

જો ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ અઢળક નફો કરતી થઈ હોય તો તેમાં સમાચારોનું જથ્થાબંધ ઉત્પાદન અને વિતરણ કરતી પ્રકાશન કંપનીઓનો ફાળો બહુ મોટો છે. આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષયના સમાચાર જોઈતા હોય તો તે ગુગલના સર્ચ એન્જિનનો કે ફેસબુકના ન્યૂઝ પેજનો ઉપયોગ કરે છે.

ગુગલ થકી દુનિયાના કોઈ પણ અખબારની વેબસાઈટ પર પહોંચી શકાય છે અને તેના સમાચારો વાંચી શકાય છે. આ સમાચારો થકી ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ વાર્ષિક ૧૮૩ અબજ ડોલરની અને ફેસબુક ૮૬ અબજ ડોલરની કમાણી કરી શકે છે. ગુગલ અને ફેસબુકનો વાચક વર્ગ બહોળો હોવાથી તેમને જાહેરખબરો પણ વિપુલ માત્રામાં મળે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર જે કુલ જાહેરખબરોની આવક છે તેનો ૫૩ ટકા હિસ્સો ગુગલના ફાળે આવે છે અને ૨૮ ટકા હિસ્સો ફેસબુકના ફાળે જાય છે.

જે કંપનીઓ સમાચારોનું ઉત્પાદન કરે છે તેમના બધાના ફાળે માત્ર ૧૯ ટકા હિસ્સો આવે છે, જેમાં અન્ય ઓનલાઇન પ્લેટફોર્મોનો પણ સમાવેશ થાય છે. ઘણી કંપનીઓ સમાચારોનું ઉત્પાદન કરતી કંપનીને જાહેરખબર આપવાને બદલે ગુગલ કે ફેસબુકને જાહેરખબર આપવાનું વધુ પસંદ કરે છે, કારણ કે તેનો વ્યાપ વધારે છે.

સમાચારોનું ઉત્પાદન કરતી કંપનીઓના નફામાં ગુગલ અને ફેસબુક મોટાં ગાબડાંઓ પાડે છે.  દુનિયાના ઘણા દેશોમાં ચર્ચા ચાલી રહી હતી કે ગુગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર જે કંપનીના સમાચારો વહેતા કરવામાં આવે તેમને નાણાં ચૂકવવાની ફરજ ગુગલ અને ફેસબુકને પાડવી જોઈએ, પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? તેનો નિર્ણય થઈ શકતો નહોતો. આવી હિંમત ઓસ્ટ્રેલિયાની સંસદે કરી છે.

તેણે ગયા ડિસેમ્બરમાં કાયદો કર્યો કે જો ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ કોઈ પણ કંપનીના સમાચારનો ઉપયોગ પોતાની વેબસાઇટ ઉપર કરવા માગતી હોય તો તેણે તે કંપની સાથે કોન્ટ્રેક્ટ કરવો જોઈએ અને તેની કિંમત પણ ચૂકવવી જોઈએ. આ કાયદાનું પાલન કરીને ગુગલે સેવન વેસ્ટ મીડિયા નામની કંપની સાથે વાર્ષિક ત્રણ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો કરાર કર્યો છે.

ગુગલે રૂપર્ટ મુર્ડોકની કંપની ન્યૂઝ કોર્પ સાથે પણ કરાર કર્યો છે, જેની કિંમત જાહેર કરવામાં આવી નથી. આ કંપની ધ ડેઇલી ટેલિગ્રાફ, ધ ઓસ્ટ્રેલિયન અને ધ હેરલ્ડ સન જેવાં અખબારોની માલિકી ધરાવે છે. ગુગલે નાઇન એન્ટરટેઇનમેન્ટ કંપની નામની  ચેનલ સાથે પણ કરાર કર્યો છે. ફેસબુકે નાણાં ચૂકવવાને બદલે પોતાના પ્લેટફોર્મ પરથી તમામ ન્યૂઝ આઇટેમો દૂર કરીને તેના કરોડો ગ્રાહકોને નારાજ કર્યા છે. તેનો ઇરાદો સમાચાર પ્રકાશક કંપનીઓ પર દબાણ લાવવાનો છે.

ગુગલ અને ફેસબુકની તાકાત એટલી વધી ગઈ છે કે તેમને સમાચારોનું ઉત્પાદન કરતી કંપનીઓની જેટલી ગરજ છે તેના કરતાં તે કંપનીઓને તેમની વધુ ગરજ છે. આ કંપનીઓની વેબસાઇટ પર જેટલા વાચકો મુલાકાત કરે છે તેમના મોટા ભાગના વાચકો ગુગલ અથવા ફેસબુકની લિન્કનો ઉપયોગ કરીને આવતા હોય છે.

જો ગુગલ કે ફેસબુક તેમાંની કોઈ કંપનીના સમાચારો પ્રગટ કરવાનું બંધ કરી દે તો તેમને ખાસ કોઈ ફરક પડતો નથી; પણ સમાચાર પેદા કરતી કંપનીઓના ઓનલાઇન વાચકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ શકે છે. આ કારણે મોટા ભાગના પ્રકાશકો ગુગલ કે ફેસબુક પાસે સમાચારોની કિંમત વસૂલ કરવાની પરિસ્થિતિમાં નથી.

ઓનલાઇન સમાચારોના પ્રસારણ બાબતમાં ગુગલ અને ફેસબુકની પરિસ્થિતિ પણ થોડીક ભિન્ન છે. ગુગલ સર્ચ એન્જિનના જેટલા ગ્રાહકો છે તેઓ કોઈ નહીં ને કોઈ સમાચારની શોધમાં જ ગુગલની મુલાકાત લેતા હોય છે. જો ગુગલ તમામ પ્રકારના સમાચારોની લિન્ક મૂકવાનું બંધ કરી દે તો સર્ચ એન્જિનના ગ્રાહકોની સંખ્યામાં ગાબડું પડી જાય, જેને કારણે ગુગલની જાહેરખબરોની આવક પણ ઘટી જાય.

બીજી બાજુ ફેસબુકનો હિસાબ અલગ છે. જેટલા ગ્રાહકો ફેસબુકના પેજની મુલાકાત લેતા હોય છે તેમાંના ચાર ટકા જ સમાચાર જાણવા માટે આવતા હોય છે. બાકીના ૯૬ ટકા ગ્રાહકો અન્ય સામગ્રી વાંચવા માટે ફેસબુકની મુલાકાત લેતા હોય છે. જો બધી સમાચાર સંસ્થાઓ મળીને ફેસબુકને સમાચાર આપવાનું બંધ કરે તો તેને કોઈ ફરક પડતો નથી; પણ ગુગલને ફરક પડે છે, કારણ કે ગુગલના મોટા ભાગના ગ્રાહકો સમાચાર વાંચવા માટે જ આવતા હોય છે. કદાચ આ કારણે જ ગુગલે ઓસ્ટ્રેલિયાના નવા કાયદા મુજબ સમાચારો ખરીદવાનું શરૂ કર્યું છે.

ઓસ્ટ્રેલિયાની સંસદ દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો તેને યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોની સરકારો બારીકાઇથી નિહાળી રહી છે. જો તેનાથી ઓસ્ટ્રેલિયાના સમાચાર ઉત્પાદકોને ફાયદો થશે તો ભારત સહિતના દેશો પણ તેવો કાયદો કરવાનું વિચારી રહ્યા છે. જો ભારતની સંસદ તેવો કાયદો કરે તો બહોળો ફેલાવો ધરાવતાં કેટલાંક અખબારોને તેનો જરૂર લાભ મળશે, પણ નાનાં અખબારો ગુગલ સાથે સોદાબાજી કરવાની તાકાત ધરાવતા નથી.

તેઓ જો ગુગલ પાસે રૂપિયા માગશે તો ગુગલ તેમનો બહિષ્કાર કરવાની ધમકી આપશે. કદાચ ગુગલ તેમની લિન્ક પોતાના પ્લેટફોર્મ પર મૂકવાના પણ રૂપિયા માગશે. ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ એટલી બધી શક્તિશાળી બની ગઈ છે કે તેઓ નાના દેશોની સરકારોની પણ પરવા કરતી નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top