Comments

આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષ પછી પણ ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ બદલાઈ છે પણ દરજ્જો નથી બદલાયો

ઉત્તર ગુજરાતની પીલવાઇ કોલેજમાં આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષનો અનુભવ અને અસરોને  સમજવા માટે એક રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર યોજાયો. આ સેમીનારના મુખ્ય વક્તા હતા સોનલ પંડ્યા. જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ છે. આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષમાં સ્ત્રીની ભૂમિકા કેટલી બદલાઈ તેના દરજ્જામાં શું ફેર પડ્યો, આ વિષય પર વાત કરતાં તેમણે આ માર્મિક વાક્ય કહ્યું કે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ ચોક્કસ બદલાઈ છે પણ તેના સામાજિક દરજ્જામાં બહુ ફેર નથી પડ્યો.

તે ચુલા ઉપર રાંધતી હતી, હવે ગેસ પર રાધે છે પણ રાંધવાની જવાબદારી તો તેના માથે જ છે. એક મલ્ટી નેશનલ કમ્પનીમાં સી.ઈ.ઓ થયા પછી પણ, ઘરે દૂધ ગરમ કરવાની જવાબદારી સ્ત્રીની છે. દુનિયામાં કોઈ વિકસિત રાષ્ટ્રમાં માતા પિતા પોતે જ પોતાના બાળકને જો તે બેબી હોય તો મોતને ઘાટ ઉતારે એ વાત ગળે નથી ઉતરતી. ગરીબ ખેડૂત કે સુથારનો દીકરો ભણી ગણીને પાયલોટ કે કલેકટર બને તો તેની પાસે આશા નથી રખાતી કે તે તેનો જુનો વ્યવસાય પણ કરે જ્યારે સ્ત્રી પાસે આશા રખાય છે કે તે તેના પરમ્પરાગત કામ તો કરે જ !

શિક્ષણ સંસ્થાઓમાં થતા અર્થસભર સેમિનારો આપણને વિચારવલોણું પૂરું પાડે છે. અભ્યાસુ અધ્યાપકો શિક્ષકો કાયમ બોલે તે કરતાં વચ્ચે વચ્ચે થોડું સાંભળે તો પણ ઘણો ફાયદો થાય. આપણે આ કોલમમાં કાયમ જણાવ્યું છે કે સર્વગ્રાહી આર્થિક વિકાસમાં માત્ર રાષ્ટ્રીય આવક નથી મપાતી. દુનિયામાં માત્ર રસ્સ્ત્રીય આવકના આધારે છઠ્ઠી આર્થિક સત્તા બનવાનો સંતોષ નથી લેવાનો. ખરી પ્રગતિશીલતા તો દેશમાં સ્ત્રીઓનો દરજ્જો કચડાયેલા વર્ગને મળતી તકો, અર્થસભર શિક્ષણની સુવિધા આ બધા પર આધાર રાખે છે.

ભારતમાં સ્ત્રી પુરુષ રેશિયો ૧૦૦૦ પુત્રજન્મ સામે ૯૩૩ પુત્રીનો છે. દેશમાં કુલ ખાનગી માલિકી સંપત્તિમાં સ્ત્રીઓનું માલિકીપણું ૧% જેટલું જ છે. રાજ્યોની રીતે વિચારીએ તો કેરલામાં સ્ત્રીઓ હક્ક વધારે જોવા મળે છે. ઉદારીકરણ પછી રોજગારીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે. સરકારી નોકરીઓમાં સ્ત્રીઅનામતની અસર પણ વધી છે. પણ સ્ત્રીઓનું સ્થાન હજુ બદલાતું નથી. સ્ત્રીઓ જે કામ કરે છે તેને આદર મળવો જોઈએ પણ મળતો નથી. જો હક્કની રીતે વિચારો તો જન્મનો અધિકાર સોનોગ્રાફી મશીને છીનવી લીધો છે. સ્વસ્થ રહેવાનો અધિકાર સ્ત્રીઓના ભાગે ઓછો આવે છે. શિક્ષણનો અધિકાર પુરુષની મજૂરી પછી આગળ વધે છે. જીવનસાથી પસંદગીના અધિકાર સામે ઓનર કિલિંગ મોટો પડકાર બનીને ઊભું છે.

જૂન ૨૦૯૧ માં ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી. ખાનગીકરણનો વેગ વધ્યો અને ખાનગી સ્કૂલો, ખાનગી હોસ્પિટલો, ખાનગી ધર્મસ્થળો બધું જ વધવા લાગ્યું. આમાં સ્ત્રીઓને કામ તો મળ્યું, પણ સાથે શોષણ પણ એટલું જ વધ્યું. ખાનગી ટી.વી. ચેનલો અને ફિલ્મોએ સ્ત્રીને એક વસ્તુ તરીકે રજૂ કરી. સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન માનસિકતા દ્વારા તૈયાર થયેલા માપદંડોને સ્વીકારવા લાગી. તેને પુરુષની નજરમાં સ્લીમ એટલે કે પાતળા રહેવું છે. તેને પણ બાઈક ચલાવી મોર્ડન દેખાવું છે.

સ્ત્રીઓ જે કામ કરે છે તેને પુરુષપ્રધાન વ્યવસ્થા મહત્ત્વનાં નથી ગણતી, પણ હવે તો સ્ત્રીઓ પણ પોતાના કામને મહત્ત્વનું નથી ગણતી. તેને પુરુષો કરે તે કામ કરીને મહાન થવું છે એટલે ભારતમાં હજુ સ્ત્રીઓના દરજ્જા અને સ્થાન માટે કામ થવું ઘણું બાકી છે. સેમિનારમાં વાત સોનલબહેને શરૂ કરી હતી તેને પૂરી અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડૉ. પીન્કીબહેને પૂરી કરી. તેમણે કહ્યું કે ભારતમાં અત્યારે ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીની દોડ ચાલે છે, પણ આપણે જો આપણી માતાઓ, બહેનો જે કામ કરે છે તેનું આર્થિક મૂલ્ય ગણીએ તો આ દેશ ક્યારનો ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીમાં પહોંચી ગયો હોત. પણ મૂળ આપણે જથ્થાના વિકાસમાં પડ્યા છીએ એટલે ગુણવત્તાને ભૂલી ગયા છીએ. છેક આયોજન કાળથી જ આપણે ગ્રોથના ચક્કરમાં ગોલ એટલે કે લક્ષ ચૂકી ગયાં છીએ.

સરકારે તાજેતરમાં ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિથી દેશની દશા અને દિશા બદલી નાખનારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવને ભારતરત્ન આપીને આર્થિક ઉદારીકરણ માટે તેમણે યાદ તો કર્યા, પણ હવે સમય છે આ ઉદારીકરણની ખરી અસરો તપાસવાનો. સરકાર તે પણ નિસ્બતપૂર્વક કરે અને સ્ત્રીનો દરજ્જો પણ બદલાય, બલકે સુધરે તેવા પ્રયત્ન કરે. આ માટે માત્ર આવક નહીં, સામાજિક નિસ્બત પણ ધ્યાનમાં લેવી પડશે. આપણો મૂળ ગોલ સર્વાંગી વિકાસનો છે, જ્યાં સ્ત્રીઓ પસંદગીની વિદ્યાશાખામાં ભણી શકે. સામાજિક પછાત જ્ઞાતિ હરખભેર વરઘોડો કાઢી શકે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top