Science & Technology

પેટાળની ગરમી નાથીને યુરોપીયન્સ ઘરોમાં ઉષ્મા મેળવી રહ્યા છે

સાવરકુંડલા અને નજીકના ગીરના પ્રદેશોમાં બોરવેલનાં પાણી એટલાં ગરમ હોય છે કે તેને ઠરતાં જ એક આખી રાત વિતી જાય. અગાઉથી જોગવાઈ ન કરી હોય તો ઉનાળામાં નહાવા માટે ઠંડું પાણી ન મળે. જે મળે એ એટલું ગરમ હોય કે નાજુક ત્વચા દાઝી જાય. ગીરમાં તુલસી શ્યામમાં અને અન્યત્ર ગરમ પાણીના કુંડ છે. દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા નજીક વઘઈ છે. થોડા દક્ષિણમાં જાઓ તો વજ્રેશ્વરીમાં છે. કોડીનાર નજીક જમીનમાંથી નીકળતો આગનો ચૂલો સતત સળગતો રહે છે. લોકો ત્યાં ખાસ પ્રસંગોએ જઈ રસોઈ બનાવે.

પૃથ્વીના પેટાળમાં તો ગરમી સાર્વત્રિક છે. ધગધગતો લાલ લાવા ભર્યો છે પણ તેની ઉપલી સપાટી, મતલબ 1000થી 2000 ફૂટ સુધી નીચે પણ ગરમી અને અગ્નિનાં અસંખ્ય સ્ત્રોત ઉપલબ્ધ છે. જો એ બધાને હારનેસ કરી અથવા તેમાંથી ગરમી પ્રાપ્ત કરી જમીન પર લાવવામાં આવે તો ઊર્જા અને માનવીઓની કાર્બન ફૂટપ્રિન્ટમાં માતબર ઘટાડો કરી શકાય અને હવેના રશિયા-યુક્રેન યુદ્ધે આ સંદર્ભમાં નવી ટેકનોલોજી વિકસાવવા માટે અને તેનું દોહન કરવા માટે, ખાસ કરીને પશ્ચિમના જગતના લોકોને, એક નવું સ્પ્રિંગબોર્ડ, ચાનક પૂરું પાડ્યું છે.

જ્વાળામુખીઓની અને તેની આસપાસના પેટાળની ગરમી પ્રાપ્ત કરવાનો વિચાર નવો નથી. વરસોથી વિજ્ઞાનીઓ વોલ્કેનો (જવાળામુખી)માંથી વીજળી મેળવવા વિષે સંશોધનો અને અભ્યાસ કરી રહ્યા છે. બરફ આચ્છાદિત આઈસલેન્ડની ધરતી નીચે ધરબાયેલા જ્વાળામુખીના ઉપરના પડ પર બોર પાડીને જ્વાળામુખીના ગર્ભ સુધી પહોંચવામાં વિજ્ઞાનીઓને સફળતા મળી છે. રેક્જાનીસ ખાતે આ જ્વાળામુખી 700 વરસથી સુષુપ્ત છે. સંશોધકોએ જમીનની સપાટીથી તેમાં 3 માઈલ ઊંડો બોર કર્યો છે જે લગભગ 5 Km. જેટલો થાય. તેમાં અમુક સ્થળે 800 ડીગ્રી ફેરનહીટ (427 ડિગ્રી સેલ્સિસયસ) ગરમી મળી છે, જે જીઓથર્મલ એનર્જીના રૂપમાં છે.

અગાઉ જીઓથર્મલ ઊર્જાનો ઉપયોગ વરાળ મેળવી તેના દબાણનો ઉપયોગ ઈલેક્ટ્રિક ટર્બાઈન ચલાવવા માટે થતો હતો પરંતુ નવા સંશોધનોમાં આશા છે કે ભૂગર્ભની ગરમીનું ભૂગર્ભમાં જ વીજળીમાં રૂપાંતર કરાશે. એ નવી ટેકનોલોજી સુપરક્રિટિકલ વોટર આધારિત હશે. વિજ્ઞાનીઓ કહે છે કે ભૂગર્ભમાંથી અતિશય ગરમી અને ખડકોના અને ખુદ પાણીના પ્રચંડ દબાણને કારણે પાણીની એક ‘સુપર ક્રિટિકલ’ સ્થિતિ બને છે, જે પાણી ન તો સાવ પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને ન તો સાવ વાયુની સ્થિતિમાં હોય છે. આ ગાઢ પ્રવાહિક વરાળ સામાન્ય વરાળ કરતાં ઊર્જાનું વધુ વહન કરે છે.

સામાન્ય જીઓથર્મલ વરાળમાંથી જેટલી ઊર્જા પ્રાપ્ત થાય તેના કરતાં 10 ગણી ઊર્જા આ સુપર ક્રિટિકલ વોટરમાંથી પ્રાપ્ત થાય છે. આ વિષય પર દુનિયાભરમાં વધુ સંશોધનો થઈ રહ્યાં છે. એક ભીતિ એ પણ સેવાઈ રહી છે કે પૃથ્વીના પેટાળમાંથી વધુ ને વધુ ગરમી સપાટી પર લાવવામાં આવે તો શું પૃથ્વીનું વાતાવરણ વધુ ગરમ નહીં બને? વિજ્ઞાન તેનો પણ ઉકેલ શોધશે પરંતુ આજે કોલસા, ગેસ બાળીને વીજળી મળે છે તેમાં પૃથ્વી ગરમ તો થાય જ છે, પૃથ્વી પર કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઝડપથી વધે છે જે પર્યાવરણ બગાડનાર પ્રથમ ક્રમનો વિલન છે માટે જીઓથર્મલ એક આશીર્વાદ બનશે જે પૃથ્વી પર કાર્બન ફૂટપ્રિન્ટને સાફ કરવામાં મદદરૂપ બનશે.

આપણે વોલ્કેનોમાં કાણું પાડવાની ટેકનોલોજીની વાત કરી. તે ખૂબ નાણાં રોકાણ માગતી અને હજી અનેક શોધ-સંશોધનો માગી લેતી ટેકનોલોજી છે પરંતુ ઠંડા પ્રદેશોના માનવીઓ આજે ધારે તો સામાન્ય પ્રકારની જીઓથર્મલનો વપરાશ વધારી વીજળી અને ગેસની બચત કરી શકે અને એક નિર્દોષ વિકલ્પ ઊભો કરી શકે. આપણી સામે જ દાખલો છે. સાવરકુંડલાની જનતા, જેને સુધરાઈનું પાણી મળે છે. તેઓએ શિયાળામાં નહાવા માટે ગરમ પાણી કરવાની જરૂર પડતી નથી. સિવાય કે ઠરી ગયું હોય પણ આપણો દેશ જ ગરમીવાળો. ગરમ પાણીની જરૂર શિયાળામાં બે ત્રણ મહિના પડે. ઘણાને એ ગંધક અને મિનરલો ધરાવતાં પાણીમાં સ્નાન કરવાનું પસંદ નથી હોતું પરંતુ યુરોપ કે જ્યાં લગભગ 10 મહિના વાતાવરણ ઠંડું રહે છે અને લોકો પોતાના ઘરો ગરમ રાખવા માટે 24 કલાક હીટરો ચાલુ રાખે છે. તેઓને જમીનમાંથી જ હૂંફ અને ઉષ્ણતા મળતી રહે તો?

યુક્રેન પરના આક્રમણ સંબંધે પશ્ચિમના દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા પરંતુ યુરોપની ઊર્જાની મોટા ભાગની સપ્લાય રશિયા કરતું હતું. અચાનક તેઓ રશિયા પાસેથી તેલ અને વાયુ ખરીદવાનું બંધ નથી કરી શક્યા. કરે તો યુરોપની પ્રજા ઠંડીમાં ઠુંઠવાઈ જાય. પુતિન યુરોપની આ મજબૂરીથી સ્વાભાવિકપણે વાકેફ હતા કારણ કે હમણાં સુધી તો રશિયાથી યુરોપ તેલ-વાયુ પહોંચાડે તેવી બીજી એક અદ્યતન પાઈપલાઈન ગોઠવવાની યોજના હતી. ઈચ્છતું ન હોવા છતાં જર્મનીએ રશિયા પાસેથી તેલ ગેસ ખરીદવા પડે છે. ઔદ્યોગિક વિકાસ ચાલુ રાખવો પણ અત્યંત જરૂરી હોય છે. પશ્ચિમના દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા તો ખરા પણ તેના સૌથી અવળાં પરિણામો તેઓ પોતે જ ભોગવી રહ્યાં છે. રૂપિયાની રીતે ગણતરી કરીએ તો યુરોપના મોટા ભાગના દેશોમાં પેટ્રોલ હાલમાં 200 રૂપિયાથી વધુ કિંમતે લિટર મળી રહ્યું છે. આમાં ઘરને ગરમ રાખવાની વાત ક્યાં કરવી?

ગરીબ બ્રિટિશરો અને યુરોપીઅનો ઘરને ગરમ રાખી શકતા નથી. એકને બદલે બબ્બે ધાબળાં ઓઢે. કસરતો કરે પરંતુ અનિવાર્યતા આવિષ્કારની જનની છે તેમ તેઓએ એક નવી પધ્ધતિ વિકસાવી અને અપનાવી છે તે જીઓથર્મલની છે. બ્રિટનના કોર્નવેલ વિસ્તારના એક ગામના એક વયોવૃદ્ધ નામે બ્રાયન પાઈપર, વરસોથી પર્યાવરણની રક્ષા માટે લડી રહ્યા છે. પૃથ્વીને ગરમ થતી બચાવવાના ઉપાયોનું સાહિત્ય એ વખતોવખત છપાવીને લોકોમાં વહેંચતા રહે છે. અનેક ઉપાયોમાં એક ઉપાય એ ઈજાજ કર્યો છે કે ભૂગર્ભમાં હીટ પંપો બેસાડવામાં આવે. ઈંગ્લેન્ડની એક નાનકડી ફેક્ટરી આ પ્રકારના હીટ પંપોનું નિર્માણ કરે છે.

જો કે ભૂગર્ભમાં બેસાડાતાં એ પંપોની હાલની કિંમત રૂપિયા 20 લાખથી પણ વધુ છે. વ્યક્તિગત સ્તરે આ કિંમત એક મોટી અડચણ છે પરંતુ પંપ બનાવતી ‘કેન્સા યુટિલિટિઝ’ કંપનીએ ભૂગર્ભમાં પાઈપોની એક જાળ બિછાવીને, ગામના નાગરિકોને એ ગ્રીડ દ્વારા સામૂહિક ધોરણે ઉષ્મા પૂરી પાડવાની યોજના ઘડી છે. કંપનીએ તે માટે યુરોપીય સંઘ પાસેથી લોન લીધી છે અને ગામના લોકોએ લોનની એ માગણીને ટેકો આપ્યો હતો કાર ણકે નગરનાં અનેક ઘરોને જોડતી આ યોજના માટે ખર્ચ ઘણો આવશે. માત્ર યુરોપ સંઘ દ્વારા જ 62 કરોડ રૂપિયાની લોન અપાઈ છે. કોર્નવોલ વિસ્તારના સેંકડો ઘરોને આ વરાળ-ઉષ્મા નેટવર્કમાં જોડવામાં આવશે. અનેક સ્થળોએ ઊંડા બોરવેલ ખોદવાનું કામ શરૂ થઈ ગયું છે.

જે રીતે રાંધણ ગેસના પાઈપોનું નેટવર્ક હોય છે તેવું આ હશે. ભૂગર્ભના ખડકોની નીચેથી ગરમી પ્રાપ્ત કરી દરેક ઘરોમાં પહોંચશે. ઊંડા બોરમાં સળગી ન ઊઠે તેવા પ્લાસ્ટિકની પાઈપલાઈનો ગોઠવીને જમીન પર લવાશે અને દરેક ઘરના પોતપોતાના હીટપંપ જરૂરિયાત મુજબ વરાળનું ગરમીમાં રૂપાંતર કરી ઘરને પૂરી પાડશે. અમુક હીટપંપો એવા હોય છે જે હવામાંથી ગરમીનું શોષણ કરે છે તેને બદલે આ હીટ પંપો સીધે સીધી ગરમ વરાળમાંથી જ ગરમી અને ઊર્જા મેળવશે. તેથી વધુ કાર્યક્ષમ હશે. લાગે છે કે રાજકોટના મશીન ઉદ્યોગના કલ્પનાશીલ અને સાહસિક ઉદ્યોજકોને એક મોટું અને નવું ઉત્પાદન ક્ષેત્ર મળશે. UKમાં અન્યત્ર પાઈલટ પ્રોજેક્ટો શરૂ થયા છે.

નવી સામૂહિક આવાસ યોજનામાં ડેવલપરો પણ તેને સામેલ કરવાના છે. જે જૂની શૈલીના મકાનો અને બાંધકામોમાં આ સિસ્ટમ બેસાડવાની હશે તેઓએ કેટલાક ખર્ચાળ ફેરફારો કરાવવા પડશે. કહે છે કે પાઈપોનું જે ભૂગર્ભ નેટવર્ક હશે તે 100 વરસ સુધી કામ આપશે. આ યોજનાઓ એટલી આશાસ્પદ જણાઈ રહી છે કે તેમાં જોડાવા ઈચ્છતા લોકોની સંખ્યા ધાર્યા કરતાં વધી ગઈ છે. યોજનાઓ સફળ થશે તો ઘરને- હૂંફાળા રાખવાની ટેકનોલોજીમાં એક આમૂલ પરિવર્તન ગણાશે. ભારતમાં છેલ્લા પાંચ મહિનાની ગરમી અનુભવ્યા પછી ઈશ્વરને એક સવાલ પૂછવાનું મન થાય છે! અમારી ધરતીની નીચે તે બરફના ભંડારો શા માટે ન ગોઠવ્યા?

Most Popular

To Top