Top News Main

એક સૈનિકના મોત બાદ યુક્રેનમાં ઈમરજન્સી લાગુ, 18 થી 60 વર્ષના લોકોને સેનામાં ભરતી થવા આદેશ

મોસ્કો/કિવ: યુક્રેન અને રશિયા વચ્ચેના હાલાત ગંભીર બની ગયા છે. ગમે તે સમયે યુદ્ધ થવાની શક્યતા છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે રશિયન સેનાના હુમલાના ભયને કારણે દેશવ્યાપી ઈમરજન્સી લાગી કરી દીધી છે. જોકે, ડોનેત્સ્ક અને લુહાન્સ્કને ઈમરજન્સીના દાયરામાં રાખવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે યુક્રેનની સેનાએ અહીં અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે વિશ્વભરના અનેક દેશો સક્રિય છે. દરમિયાન, રશિયા સમર્થિત અલગતાવાદીઓએ પૂર્વી યુક્રેનમાં હુમલો શરૂ કર્યો છે. બુધવારે કરેલા એક હુમલામાં યુક્રેનની સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સિવાય 6 જવાન ઘાયલ થયા છે.

અલગતાવાદીઓની યુદ્ધવિરામ ભંગની 86 ઘટનાઓ : યુક્રેન સેના
પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને સેના વચ્ચે યુદ્ધવિરામ છે, પરંતુ ગત દિવસોમાં તેનું અનેકવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સેનાએ કહ્યું કે આના એક દિવસ પહેલા પણ અલગતાવાદીઓએ યુદ્ધવિરામ ભંગની 86 ઘટનાઓને અંજામ આપ્યો હતો. સેનાએ કહ્યું કે અલગતાવાદી દળોએ ભારે હથિયારો, મોર્ટાર અને ગ્રાડ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને હુમલો કર્યો. યુક્રેને આ હુમલાઓ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ પૂર્વ યુક્રેનના બે ભાગોને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી છે. જેના કારણે હિંસક વાતાવરણ પણ સર્જાયું છે. પશ્ચિમી દેશોનું માનવું છે કે યુક્રેનમાં રશિયાની ચાલ આગામી દિવસોમાં મોટા યુદ્ધને જન્મ આપી શકે છે.

રાષ્ટ્રપતિની નાગરિકોને યુક્રેન ન છોડવા અપીલ
યુક્રેનની સરહદ પર વધી રહેલા તણાવનાં પગલે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટી જાહેરાત કરી છે. દેશની સરહદો પર યુદ્ધના જોખમને પહોંચી વળવા 18 થી 60 વર્ષની વયના લોકોને લશ્કરમાં અનામત સૈનિકો તરીકે ભરતી કરવા આદેશ કર્યો છે. તેમણે આ વય જૂથના દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષની વિશેષ સેવાઓ માટે ભરતી કરવા જણાવ્યું હતું. જો કે, તેણે હાલમાં યુક્રેનની સેનાને યુદ્ધ માટે તૈનાત કરવાનો ઇનકાર કર્યો છે. રશિયાએ પૂર્વી યુક્રેનમાં ડોનેટ્સક અને લુહાન્સ્કની સ્વતંત્રતા અને ત્યાં સૈનિકો મોકલવાની જાહેરાત કર્યા પછી યુરોપ આ દાયકાનો સૌથી ગંભીર સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેનના આ બંને શહેરો રશિયાને અડીને આવેલા છે અને 2014થી રશિયા સમર્થિત અલગતાવાદીઓએ તેના પર કબજો જમાવ્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિદેશી કંપનીઓ અને નાગરિકોને યુક્રેન ન છોડવાની પણ અપીલ કરી છે.

યુક્રેનના પૂર્વ ભાગમાં રશિયા હંમેશા મજબૂત પકડ ધરાવે છે. અહીં અલગતાવાદીઓનો એક વર્ગ રશિયા તરફી રહ્યો છે. અહીં રશિયાની ભાષા ચાલે છે અને વેપારમાં પણ રશિયાની ઘણી દખલ છે. આનો ફાયદો ઉઠાવીને રશિયાનો પ્રયાસ યુક્રેનને અંદરથી નબળો પાડવાનો છે. આ અંતર્ગત રશિયાએ યુક્રેનના બે ભાગો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી છે. ત્યારપછી અમેરિકા, યુકે, કેનેડા અને જાપાન સહિતના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રશિયા યુક્રેન પર પણ હુમલો કરી શકે છે.

Most Popular

To Top