Gujarat Main

ચૂંટણી: ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ સર્જાયા આવા દૃશ્યો

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Election) માટે ઉમેદવારોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. તેમાં પણ કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓમાં વધારે દોડધામ જોવા મળી હતી. ભાજપ (BJP) ના તમામ ઉમેદવારોના નામ પહેલાંજ જાહેર કરી દેવાયા તેઓના શાંતિપૂર્વક ફોર્મ ભરાયા હતા. ત્યારે કોગ્રેસ (congress) માં છેલ્લી ઘડી સુધી ઉમેદવારો જાહેર ન કરાતા ઉમ્મેદવારોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. બીજી તરફ ફોર્મ ભરવા માટે ઉમેદવારો જિલ્લા સેવા સદન પહોંચ્યા હતાં. અહીં પણ ભારે ધસારો થતાં તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દરમ્યાન કેટલીક જગ્યાએ હાસ્યાસ્પદ તો કેટલીક જગ્યાએ સંઘર્ષના દૃશ્યો સર્જાયા હતા.

અમદાવાદ (Ahmedabad) ના એક વોર્ડમાં 3 ઉમેદવારોના ફોર્મ ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ ગાયબ થવાથી અફરાતફરી મચી ગઈ હતી. એક ટિકિટ વાંચ્છુક શખ્સ ત્રણ ઉમેદવારના ફોર્મ લઈને ગાયબ થઈ ગયો છે. ત્યારે ત્રણેય ઉમેદવારોના ગાયબ થયેલા ફોર્મ ફરીથી ભરવા કોંગ્રેસના નેતાઓમાં દોડધામ થઈ છે. નવા ફોર્મ અને ડોક્યુમેન્ટ એકઠા કરવા કોંગ્રેસમાં મથામણ થઈ હતી. આવામાં 3 વાગ્યા પહેલા ફોર્મ ભરવામાં કોંગ્રેસના ઉમેદવારો નિષ્ફળ નીવડે તો ચૂંટણી પહેલાં જ વોર્ડમાં 4માંથી ભાજપના 3 ઉમેદવારોની જીત સ્પષ્ટ થઈ જાય તેવા દૃશ્યો સર્જાયા હતાં.

બીજી તરફ સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કાર્યકર્તાઓ અને ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતાં. એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો અને અન્ય કાર્યકર્તાઓનો ધસારો વધી જતાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો એકત્રિત થતાં પોલીસ દ્વારા તેમને દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રડતા રડતા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના દરિયાપુરના સીટિંગ કોર્પોરેટર મોના પ્રજાપતિનો વોર્ડ બદલાતા તેઓ પક્ષથી નારાજ થયા હતા. મોના પ્રજાપતિને દરિયાપુરના બદલે શાહપુરથી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ બદલવામાં આવતા મોના પ્રજાપતિ ફોર્મ ભરવા આવતા સમયે રડી પડ્યા હતા. રડતા રડતા કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની લહેરને હવા આપતા હોય તેમ આ કાર્યકરો બળદગાડા (bullock carts) પર સવાર થયા હતા. જેથી સડકો પર ખેડૂત આંદોલન સમયના રેલી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટમાં કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓએ નીતિ-નિયમો નેવે મૂકી મોંઘીદાટ કારમાં રેલી યોજી ફોર્મ ભરવા માટે નીકળ્યાં હતા. કોંગ્રેસની રેલીના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top