સેબાલેન્કા અને હાલેપ અપસેટનો શિકાર

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સમાં સોમવારે એકસાથે બે ક્રમાંકિત મહિલાઓ અપસેટનો શિકાર બની હતી, જેમાં વિશ્વની બીજી ક્રમાંકિત આર્યના સેબાલેન્કા અને વિશ્વની 14મી ક્રમાંકિત સિમોના હાલેપનો સમાવેશ થાય છે. સેબાલેન્કાને 36 વર્ષની કાઇઆ કેનેપીએ પહેલો સેટ ગુમાવ્યા પછી જોરદાર વાપસી કરીને હરાવી હતી, જ્યારે હાલેપને એલિઝ કોર્નેટે ત્રણ સેટના સંધર્ષ પછી હરાવી હતી. આ ઉપરાંત ઇગા સ્વિટેકે સોરોના ક્રિસ્ટી સામે એક સેટ હાર્યા પછી મેચમાં વાપસી કરીને પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વિશ્વની 61મી ક્રમાંકિત કોર્નેટે ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં પોતાની 63મી હાજરીમાં કમાલની રમત બતાવીને 14મી ક્રમાંકિત હાલેપને 6-3, 3-6, 6-4થી હરાવીને પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે 36 વર્ષની 115મી ક્રમાંકિત કેનેપીએ સેબાલેન્કા સામે પહેલો સેટ ગુમાવ્યા પછી જોરદાર વાપસી કરીને મેચ 5-7, 6-2, 7-6થી જીતીને પહેલીવાર ક્વાર્ટરમાં સ્થાન મેળવ્યું હતું. સ્વિટેકે પણ ક્રિસ્ટી સામે પહેલો સેટ ગુમાવ્યા પછી મેચ 5-7, 6-3, 6-3થી જીતીને પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં નામ લખાવ્યું હતું. કોર્નેટનો સામનો ડેનિયેલા કોલિન્સ સાથે થશે, જેણે 19મી ક્રમાંકિત એલિસ મર્ટેન્સને 4-6, 6-4, 6-4થી હરાવીને અંતિમ 8માં સ્થાન મેળવ્યું છે.
સિતસિપાસ, મેદવેદેવ પણ ક્વાર્ટર ફાઇનલમાં, સિલિચ હારીને આઉટ
મેલબોર્ન, તા. 24 : યુએસ ઓપન ચેમ્પિયન દાનિલ મેદવેદેવ અને સ્ટેફાનો સિતસિપાસે પણ અહીં પોતપોતાની મેચ જીતીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મેદવેદેવે મેક્સિમ ક્રેસીને 6-2, 7-6, 6-7, 7-5થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ તરફ સિતસિપાસે ટેલર ફ્રીટ્ઝ સામે પહેલો સેટ ગુમાવ્યા પછી મેચમાં વાપસી કરીને 4-6, 6-4, 4-6, 6-3, 6-4થી જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજીવાર ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મેદવેદેવનો સામનો નવમા ક્રમાંકિત ફેલિક્સ આગર એલિયાસ્સિમે સાથે થશે, જેણે 2014ના યુએસ ઓપન ચેમ્પિયન મારિન સિલિચને 2-6, 7-6, 6-2, 7-6થ હરાવ્યો હતો.
એક જ ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટરમાં પહેલીવાર બે ઇટાલિયન ખેલાડી બેરેટિની-સિનરનો પ્રવેશ
ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમમાં ઇટાલીના જેનિક સિનરે વિશ્વના 10માં ક્રમાંકિત એલેક્સ ડિ મિનૌરને હરાવીને પહેલીવાર અંતિમ 8માં પોતાનું નામ લખાવ્યું હતું. આ સાથે જ તે એક જ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટરમાં પહોંચનારો બીજો ઇટાલિયન ખેલાડી બન્યો હતો. તેના પહેલા ેટિયો બેરેટિની પણ અહીં અંતિમ 8માં પ્રવેશી ચુક્યો છે. સિનરે મિનૌરને 7-6, 6-3, 6-4થી હરાવ્યો હતો.

Most Popular

To Top