સ્મૃતિ મંધાનાએ જીત્યો વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ

ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 2021માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાના પ્રભાવક પ્રદર્શનના જોરે આઇસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. મંધાનાની સાથે રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફીના આ એવોર્ડ માટે ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ, દક્ષિણ આફ્રિકાની લિઝેલ લી અને આયરલેન્ડની ગેબી લુઇસ પણ નોમિનેટ હતી.
ગત વર્ષ આકરું રહેવા છતા મંધાનાએ મેદાન પર પોતાની છાપ છોડી હતી. દક્ષિણ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરોની ઘરઆંગણેની સીરિઝમાં ભારત 8માંથી બે મેચ જ જીતી શક્યું હતું અને એ બંને મેચમાં મંધાનાએ જીતના સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. જેમાં બીજી વન ડેમાં તેણે નોટઆઉટ 80 રન કર્યા હતા અને અંતિમ ટી-20માં 48 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

મંધાનાએ ઇંગ્લેન્ડ સામે ડ્રો રહેલી એકમાત્ર ટેસ્ટમાં પહેલા દાવમાં 78 રન કર્યા હતા. જ્યારે વન ડે સીરિઝમાં ભારતે જીતેલી એકમાત્ર મેચમાં 49 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝની બીજી મેચમાં તેણે 86 રન કર્યા હતા. મંધાનાએ ભારતની પહેલી ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં સદી ફટકારીને તેને યાદગાર બનાવી હતી.

Most Popular

To Top