Dakshin Gujarat

દા.ન.હ. લોકસભાની પેટા ચૂંટણીમાં શિવસેનાએ ૫૯.૫૩ ટકા મત મેળવીને ભાજપને મોટું નુકશાન કર્યુ

દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઇ ડેલકરે જંગી મતે વિજય મેળવ્યો તેની સાથે ભાજપના પરંપરાના મતમાં પણ મોટું ગાબડું પાડ્યું છે. ૨૦૧૯માં અપક્ષ ઉમેદવાર મોહનભાઇ ડેલકરની સામે ભાજપના નટુભાઇ પટેલનો પરાજય થયો હતો. ત્યારે પણ ભાજપને ૪૦.૯૨ ટકા મત મળ્યા હતા. જ્યારે મોહનભાઇ ડેલકરને આ ચૂંટણીમાં ૪૫.૪૪ ટકા મત મળ્યા હતા. મોહનભાઇનો ૯૦૦૧ મતથી વિજય થયો હતો. ત્યારે ભાજપને ૭.૯૬ ટકા મતનું નુકશાન થયું હતું. જોકે દાનહની હાલની પેટા ચૂંટણીમાં ભાજપને વધુ ૭.૨૨ ટકાનું નુકશાન થયું છે.

આમ ભાજપના પરંપરાના મતનું આ ચૂંટણીમાં ભારે ધોવાણ થયું છે. જ્યારે બીજી તરફ કલાબેન ડેલકરને જંગી લીડથી વિજય મળવા સાથે તેમના પરંપરાના મત ઉપરાંત હરીફ ઉમેદવારના મતદારો તેમની તરફ આવ્યા છે. જે આગામી દિવસોમાં ડેલકર પરિવાર માટે આશિર્વાદરૂપ સાબિત થશે. બીજી તરફ શિવસેના માટે પણ આ પ્રદેશમાં પહેલી વખત જીત સાથે પોતાની પાર્ટીને અહીં મજબૂત કરવાની તક ઊભી થઇ છે. નૂતન વર્ષમાં નવા ચૂંટાયેલા મહિલા સાંસદ કલાબેન મોહનભાઇ ડેલકર સંસદમાં પ્રવેશ કરશે. દાનહના પહેલા મહિલા સાંસદ તરીકે સંસદમાં પ્રવેશની આ ક્ષણ મહત્વની સાબિત થશે.

સાત ટર્મના સાંસદ મોહનભાઇના અપમૃત્યુ પછી ઊભી થયેલી સ્થિતિ વચ્ચે તેમના પુત્ર અભિનવ ડેલકરે તેમની માતાને ઉમેદવાર તરીકે રાખીને જોરદાર જીત મેળવી છે. પોસ્ટલ વોટ સહિત જો ચોક્કસ મતદારોનો આંકડો મેળવ્યે તો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને ૧૧૮૦૩૫ મત જેની ટકાવારી ૫૯.૫૩ થાય છે. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભાજપના મહેશભાઇ ગાવિતને ૬૬૭૬૬ મત મળ્યા હતા. જેની ટકાવારી ૩૩.૬૮ જોવા મળી છે. આમ ૫૧,૨૬૯ મતની લીડથી કલાબેનનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ તેમજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારની ડીપોઝીટ ડૂલ થઇ હતી. કોંગ્રેને ૬૧૫૦ મત જેની ટકાવારી ૩.૧ જોવા મળી જ્યારે બીટીપીને ૧૭૮૨ મત જેની ટકાવારી ૦.૯ જોવા મળી. નોટામાં ૫૫૩૧ મત પડ્યા હતા. જેની ટકાવારી ૨.૭૯ જોવા મળી. દાનહની પેટા ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારી નવા સમીકરણોના સંકેત આપે છે.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં હાર-જીતનું ગણિત
લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧
કલાબેન ડેલકર શિવસેના ૧૧૮૦૩૫ મત (૫૯.૫૩%)
મહેશભાઇ ગાવિત ભાજપ ૬૬૭૬૬ મત (૩૩.૬૮%)

લોકસભાની ચૂંટણી ૨૦૧૯
મોહનભાઇ ડેલકર અપક્ષ ૯૦,૪૨૧ મત (૪૫.૪૪%)
નટુભાઇ પટેલ ભાજપ ૮૧,૪૨૦ મત (૪૦.૯૨%)

લોકસભાની ચૂંટણી ૨૦૧૪
નટુભાઇ પટેલ ભાજપ ૮૦,૭૯૦ મત (૪૮.૮૮%)
મોહનભાઇ ડેલકર કોંગ્રેસ ૭૪,૫૭૬ મત (૪૫.૧૨%)

Most Popular

To Top