SURAT

ડુમસના ખેડૂતને કેદારનાથમાં 15 વ્યક્તિ માટે ગૂગલ સર્ચ કરી હેલિકોપ્ટર બુકિંગ કરાવવું ભારે પડી ગયું

સુરતઃ ડુમસના (Dummas) ખેડૂતે (Farmer) તેના ગામના ૧૫ લોકો માટે કેદારનાથમાં ચોપર બુક (Book) કરાવવા ગૂગલ (Google) ઉપર સર્ચ કરતાં અજાણ્યાએ બુકિંગના (Booking) નામે ૭૦ હજાર પડાવી લીધા હતા. બાદ રસીકભાઈએ ત્યાં ઓફિસમાં (Office) જઈ ટિકિટ બતાવતા તે બોગસ હોવાની જાણ થઈ હતી. અંતે પૈસા પણ નહીં આપી છેતરપિંડી થયાની જાણ થતાં ખેડૂતે ડુમસ પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.

ડુમસ ગામમાં વડવા ફળિયામાં રહેતા ૩૮ વર્ષીય કેનેડી જયંતી પટેલ ખેતીકામ અને જિંગા તળાવ ધરાવે છે. તેમને ડુમસ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે કેનેડીને તેમના ગામના રસીક મોહન ખલાસીનો ફોન આવ્યો હતો. રસીક તથા તેમના સંબંધી હાલ કેદારનાથ યાત્રાધામ ખાતે દર્શન માટે ગયા છે. રસીકે ત્યાં વાતાવરણ ખરાબ હોવાથી હેલિકોપ્ટર સિવાય ઉપર જવા માટે બીજી કોઇ સુવિધા ન હોવાનું જણાવી હેલિકોપ્ટર (ચોપર) બુક કરી આપવા કેનેડીને કહ્યું હતું. જેથી કેનેડીએ ગૂગલ પર ઓનલાઇન હેલિકોપ્ટર બુક કરવા માટે સર્ચ કર્યુ હતું. જે વેબ સાઇટ ઓપન થતાં એક લિંક ઓપન કરતાં તેમના ફોનમાંથી ડાઇરેક્ટ વોટ્સએપ ઉપર મેસેજ ગયો હતો. તે નંબર ઉપર ફોન કરી હેલિકોપ્ટર બુક કરવા માટે પૂછતાં અજાણ્યાએ અલગ અલગ ચાર્જનું લિસ્ટ મોકલી આપ્યું હતું.

આ લિસ્ટમાંથી તેમને ૧૫ વ્યક્તિના સીરસીથી કેદારનાથ સુધીના રિટર્ન ટિકિટ સાથે બુકિંગ માટે વાત કરી હતી. એક વ્યક્તિ દીઠ રૂ.૪,૬૮૦ નક્કી કરીને એડ્વાન્સ પેમેન્ટ કરવા કહ્યું હતું. કેનેડીએ તેમના મિત્ર હાર્દિક અશોક પટેલના કોટાક મહિન્દ્રા બેંકના ખાતામાંથી ઓનલાઇન બેન્કિંગ દ્વારા ૩૫ હજાર, મિત્ર આશિષ પટેલના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ૨૫ હજાર તેમજ બીજા મિત્ર નીરવ ખલાસીના બેંક ખાતામાંથી ગૂગલ પે દ્વારા ૧૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદ ૧૫ વ્યક્તિના પુરાવા મોકલી આપ્યા હતા. પરંતુ બીજા દિવસે પણ ટિકિટ બુક નહીં થતાં ફરીથી તેમના મોબાઇલ નંબર ઉપર ફોન કરતાં તેમણે ટિકિટની પી.ડી.એફ. ફાઇલ મોકલી આપી હતી.

કેનેડીને ઇન્સ્યોરન્સના ૩૭ હજાર મોકલવા જણાવ્યું હતું. પરંતુ કેનેડીએ ઇન્સ્યોરન્સના રૂપિયા આપ્યા ન હતા. રસીકે આ ટિકિટ હેલિકોપ્ટર સર્વિસની ઓફિસ ખાતે બતાવતાં તે પૂછપરછ કરતાં આ ટિકિટની પીડીએફ ફાઇલ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. રસીકે કેનેડીને જાણ કરતાં તેણે કુલ ૭૦,૨૦૦ રૂપિયા પરત મેળવવા માટે સંપર્ક કરતાં અજાણ્યાએ ઇન્સોરન્સના રૂપિયા ભરી દો એટલે તમારી ટિકિટ કન્ફર્મ થઇ જશે તેમ કહ્યું હતું. પરંતુ કેનેડીને શંકા જતાં તેને પૈસા આપ્યા ન હતા અને પૈસા પરત માંગતાં આજદિન સુધી નહીં આપી છેતરપિંડી કરતાં ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top