SURAT

સુરતના લાલગેટ વિસ્તારમાં વરસાદી પાણીમાં 5 લોકો કાર સાથે ફસાયા

સુરત: દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) મેઘરાજા અષાઢની અનરાધાર મહેર વરસાવી રહ્યા છે આજે બુધવારે પણ મેહુલિયો સુરત (Surat) સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ઝરમરથી લઈને સાડા ચાર ઇંચ સુધી વરસાદ (Rain) વરસતા જગતનો તાત ખુશ ખુશાલ થઈ ગયો છે. સમયસરના વરસાદને કારણે ખેડૂતોએ (Farmers) વાવણી કાર્ય આરંભી દીધું છે.

સુરત શહેર અને જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સુરતના લાલગેટ મોતીવાળા પરફ્યૂમ પાસે એક કારમાં ત્રણ બાળકો સહિત 5 લોકો ફસાઈ ગયા હતા. કારમાં લોકો ફસાયા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને કારમાં ફસાયેલા લોકોને રેસ્કયૂ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકો ફસાયા હતા. આજે મળસ્કે સવ્વા પાંચેક વાગ્યાના અરસામાં ભાગાતળાવ મોતીવાલા પરફ્યૂમની ગલી નીચાણવાળો વિસ્તાર હોય ત્યાંથી કાર ( નં.જીજે-21-એમ-5165 ) લઇ નીકળેલા ડો. અબરાર દાવડા ( ઉ.વ.37 ) ની કાર પાણીમાં બંધ થઇ જતા તે ઉપરાંત તેમના પત્ની પરીકા ( ઉ.વ.36 ) અને ત્રણ બાળકો અબ્દુલ્લા ( ઉ.વ. 12), અલી ( ઉ.વ. 7 ) અને અયાન ( ઉ.વ. 2 ) ફસાઇ ગયા હતા.

આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા મુગલીસરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ-લાશ્કરો ત્યાં ધસી ગયા હતા અને રેક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા ત્યાર બાદ સવારે 8 વાગ્યે નવસારી બજાર પૂતળી પાસે પણ પાણી ભરાયા હોય ત્યાંથી પસાર થતી કાર ફસાતા નજીકના નવસારી બજાર ફાયર સ્ટેશનને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને કારને પાણીમાં ધક્કો મારી સલામત સ્થળે લઇ જઇ તેમાં સવાર ત્રણ મહિલા-બાળકીને સલામત કાઢ્યા હતા.

સુરત જિલ્લામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો, કામરેજના બ્રિજ પર સપ્તાહમાં બીજીવાર ભંગાણ
આજે સવારે સુરત જિલ્લાના કામરેજમાં મેઘરાજાએ સટાસટી બોલાવી 12 વાગ્યા સુધીમાં 119 મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ વરસાવતા કામરેજ, ખોલવડ બજાર, દિનબંધુ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ ઉપરાંત સૂર્યપુત્રી તાપી આ નદી ઉપર કામરેજ નજક આવેલા બ્રિજ ઉપર એક સપ્તાહમાં બીજી વાર ભંગાણ સર્જાયું છે અને લોખંડની પ્લેટ તૂટી જતા 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે.

Most Popular

To Top