Columns

ઈમિગ્રન્ટ વિઝાની અરજી કરનારનું અચાનક મૃત્યુ થાય તો શું કરવું?

‘સર, મારાં મધરે મારા લાભ માટે ફૅમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. મારી વાઈફ અને બે દીકરા અને એક દીકરી, મારા ડિપેન્ડન્ટ હતાં. અમારું પિટિશન અપ્રુવ થઈ ગયું. પછી કરન્ટ થાય, અમે વિઝા મેળવી શકીએ, ઈન્ટરવ્યૂ આપી શકીએ એની રાહ જોતાં હતાં. વર્ષો પછી એ સમય આવ્યો. અમે બધી જ વિધિઓ, મેડિકલ, પોલીસ ક્લિયરન્સ, વિઝા ફી આ બધું આપી દીધું. અઠવાડિયા પછી અમારો ઈન્ટરવ્યૂ હતો. અચાનક મારાં મધર મૃત્યુ પામ્યાં. એક એજન્ટે અમને કહ્યું, ‘મધરના મૃત્યુના સમાચાર જણાવવાની જરૂર નથી.

મુંબઈ કોન્સ્યુલેટને એની જાણ નહીં હોય.’ અમે એનું માન્યું. ઈન્ટરવ્યૂમાં થોડા સવાલો પૂછીને કોન્સ્યુલર ઓફિસરે અમને ‘કૉન્ગ્રેચ્યુલેશન’કહ્યું. કોણ જાણે કેમ, એને શું સૂઝ્યું કે હરખાઈ ઉઠેલાં અમારાં સંતાનોને એણે પૂછ્યું, ‘તમારી ગ્રાન્ડ મધર માટે તમે અહીંથી શું લઈ જવાના છો?’ જવાબમાં મારી નાની દીકરી બોલી પડી, ‘સર, મારા ગ્રાન્ડ મધરનું તો ડેથ થયું છે.’ ખલાસ! કોન્સ્યુલર ઓફિસર અમારી ઉપર બગડી ગયો, ‘તમે આ વાત અમને જણાવી કેમ નહીં? હું તમારી વિઝાની અરજી નકારું છું. તમે તમારાં મધરનું મૃત્યુ થયું એ અગત્યની વાત જાણીજોઈને છુપાવી છે, છેતરપિંડી આચરી છે. ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારના વિઝા આપવા નહીં એવું પણ હું ઠરાવું છું.’
‘સર, હવે અમારે શું કરવું જોઈએ?’


‘મારા USA સિટિઝન ભાઈએ 14 વર્ષ પહેલાં મારા લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન ફેમિલી પ્રેફરન્સ ફોર્થ કેટેગરી હેઠળ દાખલ કર્યું હતું. 2 વર્ષ પછી એ અપ્રુવ થયું. હું, મારી વાઈફ અને મારો દીકરો એ અપ્રુવ થયેલ પિટિશન નીચે વિઝા ક્યારે મળે એની વાટ જોતાં હતાં. 14 વર્ષ પછી એવું લાગતું હતું કે થોડા સમયમાં જ અમારું પિટિશન કરન્ટ થશે. એટલામાં જ ભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ નીપજ્યું. અમારું અપ્રુવ થયેલું પિટિશન આપોઆપ રદબાતલ થઈ ગયું. વિઝા કન્સલ્ટન્ટે અમને ધરપત આપી અને કહ્યું કે મારાં ભાભી, જેઓ પણ અમેરિકન સિટિઝન છે તેઓ અરજી કરીને મારા ભાઈની જગ્યા લઈ શકે છે. એ કન્સલ્ટન્ટે અમારી પાસેથી ભાભી વતી સબ્સ્ટિટ્યુશનની અરજી કરવાના રૂપિયા 5 લાખ લીધા. આ જુઓ, એ અરજીની કૉપી. એક પાનાની જ આ અરજી છે. કન્સલ્ટન્ટે વારંવાર માગ્યા પછી એની કૉપી અમને હમણાં જ આપી. આ અરજી કર્યાને 2 વર્ષ થવા આવ્યાં છે પણ એનો કંઈ જ જવાબ નથી. સર, તમે કહો, અમારી આ અરજીનું શું થયું હશે?’

અનેક કિસ્સાઓમાં એવું બને છે કે ઈમિગ્રન્ટ વિઝા માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હોય એ અપ્રુવ થઈ હોય પણ એની હેઠળ વિઝા ઉપલબ્ધ ન હોય. પિટિશન કરન્ટ થાય, એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે એ માટે જેમના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવી હોય એ બેનિફિશ્યરોએ વાટ જોવાની રહે છે. આ વાટ હવેથી ઘણી લાંબી, અનેક કિસ્સાઓમાં તો 10-20 વર્ષની થઈ ગઈ છે. એ દરમિયાન ઘણી વાર જેમણે પિટિશન દાખલ કરી હોય એ પિટિશનરનું મૃત્યુ થાય છે. એ કારણસર પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે.

આવા સંજોગોમાં અમેરિકાએ ઘડેલ ‘ધ ફૅમિલી સ્પૉન્સર ઍક્ટ’ હેઠળ જો અન્ય કોઈ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક, જેઓ મૃત પામેલ પિટિશનર અને જેમના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ બેનિફિશ્યરના અંગત સગા હોય અને તેઓ મૃત પામેલ પિટિશનરની જગ્યા લેવા રાજી હોય, બેનિફિશ્યરો માટે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવા તૈયાર હોય અને એમને જો મૃત પામેલા પિટિશનરની જગ્યાએ ‘સબ્સ્ટિટ્યૂટ’કરવામાં ન આવે અને એ પિટિશન, જે રદબાતલ થઈ ગઈ હોય એને ફરીથી સજીવ કરીને એની હેઠળ બેનિફિશ્યરોને વિઝા આપવામાં ન આવે, તો એમને પારાવાર હાડમારી પડે તેમ જ માનવતાના સિદ્ધાંતો હેઠળ પણ એમને ઈમિગ્રન્ટ વિઝા આપવા જોઈએ એવું લાગે તો અરજી કરતાં એ પિટિશનરની જગ્યા એ અરજદારને આપવામાં આવે છે.

આવી સબ્સ્ટિટ્યુશનની અરજી એક ચોક્કસ પ્રકારના ‘મોશન’ દ્વારા કરવાની રહે છે. એ મોશન જોડે એક પિટિશન યા સોગંદનામું અથવા તો લેખિત આર્ગ્યુમેન્ટ્સ આપવાના રહે છે. એમાં મૃત પામેલ પિટિશનર અને બેનિફિશ્યરનો, અરજી કરનાર પિટિશનરની જગ્યા લેવા ઈચ્છુક વ્યક્તિ જોડેનો સંબંધ પુરાવા આપીને દેખાડવાનો રહે છે. અરજી કરનારે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવાની રહે છે. જે એફિડેવિટ, લેખિત આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે એમાં વિગતવાર લંબાણપૂર્વક, દાખલા-દલીલો આપીને જણાવવાનું રહે છે કે જો અરજદારને મૃત પિટિશનરની જગ્યાએ સબ્સ્ટિટ્યૂટ કરવામાં નહીં આવે અને એ પિટિશન ફરીથી સજીવ કરવામાં નહીં આવે, એની હેઠળ બેનિફિશ્યરોને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે તો એ બેનિફિશ્યરોને ભયંકર નુકસાની જશે, પારાવાર હાડમારી પડશે, માનવતાના સિદ્ધાંતોને જો ધ્યાનમાં લેવામાં આવે તો એ બેનિફિશ્યરોને એ પિટિશન સજીવ કરીને ઈમિગ્રન્ટ વિઝા મળવા જોઈએ. આવું આવું દાખલા-દલીલો આપીને એ દેખાડવું જોઈએ.

આ બધું પુરાવાઓ સહિત દાખલા-દલીલ આપીને કરવાનું રહે છે. એ પણ જણાવવું જરૂરી છે કે બેનિફિશ્યર અને એના ડિપેન્ડન્ટો અમેરિકાને માથે નહીં પડે. ઊલટાનું તેઓને જો અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે તો તેઓ અમેરિકાને ઉપયોગી થઈ પડશે. પહેલા કિસ્સામાં બેનિફિશ્યરે ખરેખર પિટિશનર મૃત્યુ પામ્યો છે એ ન જણાવીને છેતરપિંડી કરી હતી. હવે એમણે એક ‘વેવર’ એટલે કે માફીની અરજી કરવી જોઈએ અને સાથે સાથે સબ્સ્ટિટ્યુશનનું મોશન અને પિટિશન પુરાવાઓ આપીને દાખલ કરવું જોઈએ.

બીજા કિસ્સામાં બેનિફિશ્યરે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડ્વોકેટની સલાહ મેળવવાની અને એમના વતીથી સબ્સ્ટિટ્યુશનનું મોશન અને આર્ગ્યુમેન્ટ્સ કરવાની જરૂર હતી. એમના વિઝા કન્સલ્ટન્ટે એમની અણઆવડતના કારણે મોશન ટુ સબ્સ્ટિટ્યૂટ રજૂ નહોતું કર્યું અને અગત્યનાં પિટિશન કે આર્ગ્યુમેન્ટ પણ રજૂ નહોતા કર્યા. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા હેઠળ દરેક પ્રકારની મુશ્કેલીનો ઉકેલ છે પણ એ ઉકેલ લાવવા માટે યોગ્ય અને નિર્ધારિત રીતે અરજી કરવી જોઈએ.

Most Popular

To Top