Editorial

શું રેલ દુર્ઘટનાઓમાં માત્ર સહાય આપવાથી સરકારની જવાબદારી પૂરી થઇ જાય છે?

તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. યુપીના 63 શ્રદ્ધાળુ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે કોચ પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ સાથે જોડાયેલો હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતનાં તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો.મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના હતા.

આ કોચ બે દિવસ મદુરાઈમાં રહેવાનો હતો. આજે સવારે મુસાફરોએ કોફી બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો ત્યારે ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી, જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ હતી. આ પછી 5.45 વાગ્યે ફાયરબ્રિગેડે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રેલવેએ મૃતકોનાં પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું.

આ પહેલા ઓડિશાના બાલાસોરમાં બનેલી એક ટ્રીપલ અકસ્માતની ઘટનામાં આશરે 280 લોકોના મોત થયા હતા અને 900 લોકો ઘાયલ થયા હતાં. દુર્ઘટનાની ભયાનકતા સાથે ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ તે પણ સૌથી મોટી ચર્ચાનો વિષય હતો. શુક્રવારે સાંજે આ રેલ દુર્ઘટના સામે આવતાની સાથે જ આ પહેલા ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા હતા. તે દરમિયાન શરૂઆતમાં 30 લોકોના મોતથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ જ્યારે ખબર પડી કે આ ટક્કર બે નહીં પણ ત્રણ ટ્રેનમાં થઈ છે, ત્યારે લોકો માટે ચોંકાવનારી વાત બની કે ત્રણ ટ્રેન કેવી રીતે અથડાઈ?

દુર્ઘટના સંદર્ભે આપવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે ટ્રેન નંબર 12841 (કોરોમંડલ એક્સપ્રેસ)ના B2 થી B9 સુધીના કોચ પલટી ગયા હતા. તે જ સમયે, A1-A2 કોચ પણ પાટા પર ઉંધા થઈ ગયા. જ્યારે, કોચ B1 તેમજ એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને અંતે કોચ H1 અને GS કોચ પાટા પર જ રહ્યા. એટલે કે, કોરોમંડલ એક્સપ્રેસમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા મહત્તમ હોઈ શકે છે અને એસી બોગીમાં સવાર લોકોના વધુ જાનહાનિની ​​સંભાવના તે સમયે વ્યક્ત કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાલાસોર સ્ટેશન નજીક બહાનાગા બજાર સ્ટેશન પાસે થઈ હતી.

દુર્ઘટના સમયે બહારની લાઇન પર એક માલગાડી ઉભી હતી. હાવડાથી આવતી અને ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ (12841) બહાનાગા બજાર પહેલા 300 મીટર પહેલા પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું. આ સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની પાછળની બોગી ત્રીજા ટ્રેક પર પડી ગઈ હતી. ત્યારે તે જ ટ્રેક પર તેજ ગતિએ આવી રહેલી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ ખૂબ જ ઝડપથી પાટા પર પડેલી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં પણ સરકારે 10 લાખ રૂપિયાની સહાયતા જાહેર કરીને હાથ ખંખેરી લીધા હતા. આ ઘટનામાં તો સીબીઆઇને તપાસ સોંપવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી સીબીઆઇએ તેમાં શું ઉકાળ્યું તેનો જવાબ તો સીબીઆઇના વડા અથવા તો ભગવાન જ આપી શકે. પરંતુ આવી રેલવેની ગંભીર ઘટનાઓ બાદ એક પણ રાજકારણીનું રાજીનામુ પડ્યું હોય તેવું આધુનિક ભારતમાં બન્યું નથી. રાજકારણી તો ઠીક પરંતુ કોઇ રેલવેના અધિકારીની જવાબદારી પણ નક્કી કરવામાં આવી નથી. રેલવેને સૌથી સલામત સવારી ગણવામાં આવે છે તેમ છતાં તેમાં જ સૌથી દુર્ઘટના થઇ રહી છે અને સરકારે પણ જાણે માણસની જીંદગીની કિંમત 10 લાખ નક્કી કરી લીધી હોય તેવી પ્રતિતિ ભારતની પ્રજાને થઇ રહી છે.

Most Popular

To Top